Site icon Revoi.in

વંચિત બાળકોના કલ્યાણાર્થે સમગ્ર ભારતમાં 351 સરસ્વતી ધામ બનાવવાનું મિશન

Mission to build 351 Saraswati Dhams across India for the welfare of underprivileged children

Mission to build 351 Saraswati Dhams across India for the welfare of underprivileged children

Social Share

[અલકેશ પટેલ] 15 જુલાઈ, 2026 – ગુજરાત સખાવતી કાર્યો માટે હંમેશાં અગ્રેસર રહ્યું છે. રાજ્યના ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો અને શ્રેષ્ઠીઓ પોતે જે કંઈ સમાજ પાસેથી મેળવે છે તેને અનેકગણું વધારીને પરત આપવા માટે જાણીતા છે. હા એ ખરું કે આવા મોટાભાગના શ્રેષ્ઠીઓ સમાજ ઉત્થાનની પોતાની કામગીરીનો અનાવશ્યક પ્રચાર-પ્રસાર નથી કરતા.

ગત દિવસોમાં આ જ સ્થળે આપણે ડાયમંડ ઉદ્યોગના અગ્રણી શ્રી ગોવિંદભાઈ ધોળકિયા તથા પ્રયોશા ફાઉન્ડેશનના પૂજ્ય પી.પી. સ્વામીના સક્રિય પ્રયાસોથી ડાંગ જિલ્લાનાં ગામોમાં હનુમાનજી મંદિર નિર્માણ કામગીરી વિશે જાણ્યું. ત્યારે આજે આવા જ એક બિઝનેસ અગ્રણીની વાત કરવાની છે જેઓ ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં આદિવાસી વિસ્તારોમાં અભ્યાસરત વંચિત બાળકોના કલ્યાણાર્થે પાયાની કામગીરી કરી રહ્યા છે. અહીં એક વાત ખાસ નોંધવી જોઈએ કે આ બંને કામગીરીના પાયામાં કોઈ એક પ્રેરણાસ્રોત કડી હોય તો તે છે પૂજ્ય પી.પી. સ્વામી.

શું છે સરસ્વતી ધામ નિર્માણ અભિયાન?

સરસ્વતી ધામ નિર્માણ અભિયાનનો પ્રારંભ મૂળભૂત રીતે એવાં છાત્રાલયોના પુનઃનિર્માણથી થયો હતો જે બાળકોને રહેવા લાયક ન રહ્યાં હોય અને જ્યાં મૂળભૂત સુવિધાઓનો અભાવ હોય. સુરતના ડાયમંડ ઉદ્યોગના એક અગ્રણી શ્રી કેશુભાઈ હરિભાઈ ગોટીને બાળકોની આવી અભાવની સ્થિતિ મંજૂર નહોતી અને તેથી તેમણે તેમનાં માતાના નામે માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી. આ ટ્રસ્ટ હેઠળ આદિવાસી વિસ્તારોમાં શાળાઓ અને છાત્રાલયોનું પુનઃનિર્માણ કરીને ત્યાં ભણતાં અથવા રહેતાં બાળકોનું જીવનધોરણ સુધારવામાં આવી રહ્યું છે.

Mission to build 351 Saraswati Dhams across India for the welfare of underprivileged children

2014માં શરૂ થયું હતું અભિયાન

સુરેન્દ્રનગરમાં નિરાંત ઘર નામે ચાલી રહેલી સમાજસેવાની અનોખી કામગીરીની જાણકારી મેળવવા રૂબરૂ મુલાકાત લેવાનું બન્યું ત્યારે જ સરસ્વતી ધામ નિર્માણ વિશે અમને જાણકારી મળી હતી. ત્યારબાદ આ અંગે આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શ્રી વાલજીભાઈ વિરડિયા સાથે વાતચીત કરી અને જે જાણવા મળ્યું તે રાહત આપનાર હતું. ગુજરાત અને ભારતના અન્ય આદિવાસી વિસ્તારોમાં ભણતાં અથવા છાત્રાલયોમાં રહેતાં બાળકો માટે માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ જેવી સખાવતી સંસ્થાઓ દ્વારા દેશના ભવિષ્યરૂપ એ બાળકોની યોગ્ય સંભાળ લેવાની જવાબદારી સ્વેચ્છાએ ઉપાડી લેવામાં આવી છે.

શ્રી વાલજીભાઈ વિરડિયાએ રિવોઈ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે, શ્રી કેશુભાઈ અને કેટલાક મિત્રો દર રવિવારે ડાંગ જતા હતા. ત્યાંની અલગ અલગ શાળા-છાત્રાલની મુલાકાત લેતા, બાળકોને નાસ્તા-પાણી કરાવતા, ક્યારેક કપડાં અને એવી બીજી જરૂરી વસ્તુઓ લઈ જતા. 2014માં એક વખત આવી એક મુલાકાત દરમિયાન કેશુભાઈ કોઈ દીકરીને મળ્યા. તેની સાથે તેના અભ્યાસ અને રહેવાની સુવિધા વિશે વાત કરી. તેમને જાણવા મળ્યું કે એ દીકરીનાં મમ્મી-પપ્પા તો નથી. તે પોતે છાત્રાલયમાં રહીને ભણે છે. કેશુભાઈએ છાત્રાલય જોવાની ઈચ્છા વ્યક્ત કરી અને એ જોઈને એમને બહુ પીડા થઈ. છાત્રાલયની હાલત જોઈને તેમને થયું કે આ તો રહેવા લાયક નથી. આમાં વંચિત અને અનાથ વિદ્યાર્થીઓ કેમ રહેતા હશે?

આ બાબતની વધુ ખાતરી કરવા તેમણે ડાંગની અન્ય શાળાઓ અને છાત્રાલયો જોવાની ઈચ્છા વ્યક્ત કરી. બધે લગભગ એક સરખી સ્થિતિ હતી. અને તરત જ તેમણે પ્રારંભમાં પાંચ છાત્રાલય બનાવી આપવાનો સંકલ્પ લીધો. શ્રી વીરડિયા રિવોઈને જણાવે છે કે, ત્યારપછી અન્ય એક શ્રેષ્ઠી ઘનશ્યાભાઈ ભોજાણી પણ આ કામગીરીમાં સહયોગી દાતા તરીકે જોડાયા અને સેવાયજ્ઞ વિસ્તરતો ગયો.

કેવી રીતે કામ કરે છે આ ટ્રસ્ટ?

શ્રી કેશુભાઈ ગોટીએ તેમનાં માતાના નામે બનાવેલા ટ્રસ્ટ હેઠળ શરૂ કરેલી કામગીરી અંતર્ગત ગુજરાતથી લઈને આસામ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, બિહાર, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ત્રિપુરા, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને ઝારખંડમાં શાળાઓ અને છાત્રાલયોનાં ભવનોનું પુનઃનિર્માણ કરવામાં આવે છે.

Karmayogi Team of Kashiba Goti Trust

વાલજીભાઈ જણાવે છે કે, ટ્રસ્ટ પાસે અરજી આવે એટલે ટ્રસ્ટની કર્મયોગી ટીમ એ સ્થળની મુલાકાત લે, સર્વેક્ષણ કરે અને ત્યારબાદ જૂના મકાનના સ્થળે જ નવું ભવન બનાવી આપવામાં આવે. આવાં પ્રત્યેક ભવન નિર્માણની કામગીરીમાં 70થી 80 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોવાનું શ્રી વિરડિયા રિવોઈને જણાવે છે.

આ અંગે શ્રી કેશુભાઈ ગોટી શું કહે છે?

“મારું જીવન હંમેશાં એ માન્યતા દ્વારા માર્ગદર્શિત રહ્યું છે કે “સેવા એ આત્માની શુદ્ધિ છે, અને શિક્ષણ એ સમાજની પ્રગતિ છે. મુશ્કેલીઓ અને અછત વચ્ચે મોટા થવાથી મને શીખવા મળ્યું કે યોગ્ય તકો, મૂલ્યો અને દિશા સાથે કોઈપણ જીવન બદલી શકાય છે. આ દ્રઢ વિશ્વાસ જ માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના તરફ દોરી ગયો. અમારું મિશન માત્ર ઈમારતો બનાવવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમાજના અંતિમ વ્યક્તિ સુધી શિક્ષણ, પોષણ, મૂલ્યો અને આવશ્યક સુવિધાઓ પહોંચાડવાનું છે, જેથી એક મજબૂત અને સ્વાવલંબી રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપી શકાય.”

ભવન નિર્માણથી ચરિત્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણઃ

અગાઉ કહ્યું તેમ, માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ટ્રસ્ટે સેવાયજ્ઞની શરૂઆત તો છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં શાળા અથવા છાત્રાલયના પુનઃનિર્માણથી શરૂ કરી હતી. પરંતુ ત્યારપછી તેનો વ્યાપક વિસ્તારમાં આવ્યો. હાલ આ ટ્રસ્ટ મુખ્યત્વે ચાર ધ્યેય ઉપર કામ કરે છેઃ

351 સરસ્વતી ધામ નિર્માણ અભિયાનઃ

આ પહેલ અંતર્ગત આદિવાસી, જંગલ, પહાડી, સરહદી અને એક સમયના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાળા અને છાત્રાલયની ઈમારતોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં, ટ્રસ્ટે ભારતના 18 રાજ્યોમાં 256થી વધુ શાળા અને છાત્રાલયની ઈમારતો પૂર્ણ કરી છે. આ માત્ર માળખાનું નિર્માણ નથી, પરંતુ હજારો બાળકોનાં જીવનમાં શિક્ષણનો કાયમી પ્રકાશ સ્થાપિત કરવાનો પ્રયાસ છે.

શિક્ષા સાથી અભિયાનઃ

જ્યાં ઈમારતો અસ્તિત્વમાં છે ત્યાં પણ ઘણી જગ્યાએ પાયાની સુવિધાઓનો અભાવ છે. આ પહેલ દ્વારા ભોજનાલય, પ્રાર્થના ખંડ, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, સૌર ઊર્જા, પુસ્તકાલયો, રમતગમતની સામગ્રી, ભવનનું વિસ્તરણ અને નવીનીકરણ માટે સહાય પૂરી પાડવામાં આવે છે. તે સુનિશ્ચિત કરે છે કે શિક્ષણ માત્ર સુલભ જ નહીં, પરંતુ ગૌરવપૂર્ણ અને ગુણવત્તાયુક્ત બને.

કુપોષણ મુક્તિ અભિયાનઃ

શિક્ષણની સાથે બાળકોનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્ત્વનું છે. આ પહેલ અંતર્ગત 40,000થી વધુ બાળકોને નિયમિત પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે, જે તેમના શારીરિક અને માનસિક વિકાસને મજબૂત બનાવે છે. આ માત્ર ખોરાક નથી, પરંતુ સ્વસ્થ અને સક્ષમ ભવિષ્યનો પાયો છે.

વૈચારિક ક્રાંતિ અભિયાનઃ

સાચું પરિવર્તન માત્ર સંસાધનોથી જ નહીં, પરંતુ વિચાર અને જાગૃતિથી આવે છે. આ પહેલ શિક્ષણમાં ગુણવત્તા, મૂલ્યો, શિસ્ત અને જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે પ્રેરક સત્રો અને સંવાદ યોજે છે. રાષ્ટ્રલક્ષી અને હકારાત્મક માનસિકતા કેળવવાનો આ એક સતત પ્રયાસ છે.

Exit mobile version