ધર્મો રક્ષતિ રક્ષિતઃ આ સૂત્રને ડાંગમાં ચરિતાર્થ કરવાનું બીડું ઝડપ્યું છે એક સંત અને એક ઉદ્યોગપતિએ
ગુજરાત ઉપરાંત ભારતના અન્ય વનવાસી સમુદાયોને ધર્મ સાથે જોડી રાખીને તેમના સર્વગ્રાહી કલ્યાણ માટે 2017થી શરૂ થયો છે “હનુમાન મંદિર નિર્માણ યજ્ઞ”
[અલકેશ પટેલ] ડાંગ, 13 જુલાઈ, 2026 – ધર્મો રક્ષતિ રક્ષિતઃ ધર્મનું રક્ષણ કરવું અર્થાત ધર્મનું પાલન કરવું. ધર્મનું પાલન કરવું અર્થાત આપણા ભાગે જે ભૂમિકા આવી છે તેનું વહન કરવું. સનાતન હિન્દુત્વમાં ધર્મ શબ્દનો અર્થ એટલો વિશાળ અને વ્યાપક છે કે, તેને કોઈ એક વ્યાખ્યામાં બાંધી શકાય નહીં. અલબત્ત, ધર્મનું જે પરંપરાગત સ્વરૂપ છે તેનું જતન કરવું આવશ્યક જ છે અને એ જ કામ એક સંત અને એક ઉદ્યોગપતિ સાથે મળીને ડાંગ જિલ્લામાં કરી રહ્યા છે.

શું છે હનુમાન મંદિર નિર્માણ યજ્ઞ?
ગત શનિવાર અને રવિવાર 11 અને 12 જુલાઈ, 2026ના રોજ આઠ હનુમાનજી મંદિરમાં (176થી 183) પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો. આ માટે સતાધાર ધામના મહંત પૂજ્ય વિજયબાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ ડાંગમાં હનુમાનજીના 311 મંદિરના નિર્માણ પછી દેશભરમાં 1111 મંદિરનો સંકલ્પ
વાસ્તવમાં ડાંગ જિલ્લાના 311 ગામોમાં સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા, ગ્રામીણ લોકોમાં એકતા મજબૂત કરવા અને સમગ્ર વિકાસને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે મંદિર નિર્માણની આ પહેલ કરવામાં આવી છે. વનવાસી સમાજ તેમના મૂળિયા સાથે જોડાયેલો રહે અને તેની સાથે સામાજિક – આર્થિક પ્રગતિ થાય એ હેતુથી હનુમાનજી મંદિરો તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

કેવી રીતે મળી આ માટેની પ્રેરણા?
સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનું ટ્રસ્ટ એસઆરકે નોલેજ ફાઉન્ડેશન તથા શ્રીરામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ ઘણાં વર્ષથી ગરીબો માટે મેડિકલ કૅમ્પનું આયોજન કરી રહ્યું છે. 2017માં આવા એક કૅમ્પ દરમિયાન ડાંગ પ્રયોષા પ્રતિષ્ઠાનન સ્થાપક પરમ પૂજ્ય પી.પી. સ્વામી સાથે ડાંગના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત દરમિયાન એક વૃક્ષની નીચે ખુલ્લામાં હનુમાનજીની મૂર્તિ જોવા મળી. ગોવિંદભાઈએ તેમની સાથે મુસાફરી કરી રહેલા પી.પી. સ્વામીને એ વિશે પૂછ્યું. સ્વામીજીએ કહ્યું કે ડાંગના દરેક ગામમાં આ જ સ્થિતિ છે. આ રીતે ખુલ્લામાં મૂકાયેલી મૂર્તિઓની જ ગ્રામજનો પૂજાવિધિ કરે છે.
આ વાતચીત દરમિયાન બંને મહાનુભાવ એ વાતે સંમત થયા કે, આ સ્થિતિ યોગ્ય નથી, મંદિર તો હોવું જ જોઈએ. અને એ જ ક્ષણે શ્રી ધોળકિયા દ્વારા ડાંગમાં 311 હનુમાનજી મંદિર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો.
આ માટે જમીન મેળવવાની અને મંદિર નિર્માણની કામગીરી શરૂ થઈ. આ દરમિયાન ગોવિંદભાઈને લાગ્યું કે, આ યજ્ઞમાં અન્ય લોકોને પણ જોડવા જોઈએ જેથી તે એક લાંબાગાળાનો ટકાઉ પ્રકલ્પ બની રહે. અને બન્યું પણ એવું. તેમની પ્રેરણાથી અન્ય લોકો પણ જોડાતા ગયા.
ડાંગમાં બની રહેલા હનુમાન મંદિરોની વિશેષતાઃ
પી.પી. સ્વામીજીની પ્રેરણા તથા ગોવિંદભાઈ ધોળકિયાના પ્રયાસોથી બની રહેલા આ મંદિરોની વિશેષતા એ છે કે, આ માત્ર હનુમાનજીનાં મંદિર નથી, પરંતુ દરેક મંદિરની સાથે કૉમ્યુનિટી હૉલ (સામુદાયિક હૉલ) પણ બનાવવામાં આવે છે જ્યાં એક સાથે 200-300 લોકો બેસી શકે, જ્યાં ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થઈ શકે. અને એ રીતે ગ્રામજનો સંગઠિત રહીને વિકાસ કરી શકે.
કાંરવા બનતા ગયા…
શ્રી ગોવિંદભાઈ અને પૂજ્ય પી.પી. સ્વામીની ધર્મો રક્ષતિ, રક્ષિતઃની કામગીરી ધીમે ધીમે રંગ લાવી. આ કામગીરીની સુવાસ જેમ જેમ ફેલાતી ગઈ તેમ તેમ અન્ય ઉદ્યોગ ગૃહો પણ મંદિર નિર્માણમાં સહયોગી દાતાઓ બન્યા. જેમાં મુખ્યત્વે ડિટોક્સ જૂથના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચેતનભાઈ કોન્ટ્રાક્ટર, મધુસુદન ગ્રુપના ચેરમેન શ્રી ગોપાલભાઈ મુન્દ્રા, મહેશભાઈ કરગર સહિત બીજા પણ ઉદ્યોગ ગૃહો તેમજ શ્રેષ્ઠીઓનો સમાવેશ થાય છે.


