અમદાવાદ, 11 જુલાઈ, 2026 : 7,000 trainees trained by the Mahatma Gandhi Labour Institute over three years. રાજ્યમાં શ્રમિક તાલીમ અને શ્રમ વિષયક સંશોધન ક્ષેત્રે કાર્યરત મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન-MGLI દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ ૧૨૩ જેટલા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગો, જાહેર અને ખાનગી ઉદ્યોગો, શ્રમિક સંગઠનો તેમજ અન્ય સંસ્થાઓના ૭,૨૧૧થી વધુ તાલીમાર્થીઓ સહભાગી થયા હતા. શ્રમ કાયદાઓથી લઈને ઔદ્યોગિક સંબંધો, કાર્યસ્થળની સલામતી, ઔદ્યોગિક સુરક્ષા, માનવ સંસાધન અને પર્યાવરણ વ્યવસ્થાપન જેવા વિષયો પર યોજાતા આ તાલીમ કાર્યક્રમો રાજ્યમાં શ્રમિકોની ક્ષમતાવૃદ્ધિ અને કૌશલ્ય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં હરિયાળા અને વિશાળ કેમ્પસમાં સ્થિત મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન તા. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૭૯થી રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્યરત છે. સંગઠિત તથા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, કર્મચારીઓ, અધિકારીઓ અને અન્ય હિતધારકોને શ્રમ વિષયક તાલીમ પૂરી પાડવી, શ્રમ સંબંધિત સંશોધન કરવા, અને વ્યવસાયલક્ષી શૈક્ષણિક અભ્યાસક્રમોનું સંચાલન કરવું એ સંસ્થાનના મુખ્ય કાર્યક્ષેત્રો છે.
સંસ્થાન દ્વારા દર વર્ષે ૪૦થી વધુ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમાં શ્રમ કાયદાઓ, ઔદ્યોગિક સંબંધો, સામાજિક સંવાદ, શ્રમિક કલ્યાણ, કાર્યસ્થળની સલામતી, ઔદ્યોગિક સુરક્ષા, શ્રમિકોના જીવનની ગુણવત્તા અને બદલાતા શ્રમ કાયદાઓ જેવા વિષયોનો સમાવેશ થાય છે. અહી વિવિધ સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, ખાનગી ઉદ્યોગો અને શ્રમિક સંગઠનોની જરૂરિયાતોને અનુરૂપ વિશેષ તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
તાલીમ ઉપરાંત સંસ્થાન દ્વારા શ્રમ અને શ્રમિક કલ્યાણ સંબંધિત વિવિધ સંશોધન અભ્યાસો હાથ ધરવામાં આવે છે, જેના તારણો રાજ્ય સરકારને નીતિ ઘડતર અને નિર્ણય પ્રક્રિયામાં ઉપયોગી બને છે. રાજ્યમાં સુમેળપૂર્ણ ઔદ્યોગિક સંબંધો જળવાઈ રહે તે હેતુથી ત્રિપક્ષીય સંમેલનો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદો, વર્કશોપ અને વિશેષ ચર્ચાસત્રોનું પણ આયોજન કરવામાં આવે છે.
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનનું ભવન દેશના ખ્યાતનામ સ્થાપત્યકાર બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ (બી. વી.) દોષી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનું સ્થાપત્ય સૌંદર્ય અને કાર્યલક્ષી આયોજન તેને વિશિષ્ટ ઓળખ આપે છે. આશરે ૧૨ હજાર ચોરસ મીટરના કેમ્પસમાં આવેલી આ સંસ્થામાં ૧૭૦ બેઠક ક્ષમતાવાળું આધુનિક વાતાનુકૂલિત ઓડિટોરિયમ, ૮૦ બેઠક ક્ષમતાવાળો સેમિનાર હોલ, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબોરેટરી, ગેસ્ટ હાઉસ, ઓપન એર થિયેટર તથા ૨૨ હજારથી વધુ પુસ્તકો ધરાવતું સમૃદ્ધ ગ્રંથાલય જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.


