મુંબઈ, 11 જુલાઈ 2026: હોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દ ઓડિસી’ના પ્રમોશન માટે વિખ્યાત ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલાન, સુપરસ્ટાર મેટ ડેમન અને ‘સ્પાઈડરમેન’ ફેમ અભિનેતા ટોમ હોલેન્ડ ભારત આવ્યા હતા. મુંબઈમાં આ ફિલ્મનો ભવ્ય પ્રીમિયર યોજાયો હતો, જ્યાં હોલીવુડના કલાકારો અને ભારતીય મીડિયા વચ્ચે ઘણી રસપ્રદ વાતચીત થઈ હતી. મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે હોલીવુડ સ્ટાર મેટ ડેમનને પૂછવામાં આવ્યું કે, જો તેમને કોઈ ભારતીય ફિલ્મમેકર સાથે કામ કરવાની તક મળે તો તેઓ કોની પસંદગી કરશે? ત્યારે તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પ્રખ્યાત ભારતીય ડાયરેક્ટર શેખર કપૂરનું નામ લીધું હતું.
‘દ ફોર ફેધર્સ’ ફિલ્મ ન કરી શક્યાનો વગાડ્યો વસવસો
શેખર કપૂરના કામની પ્રશંસા કરતા મેટ ડેમને જણાવ્યું હતું કે, “મારા કરિયરની શરૂઆતમાં એક એવા ફિલ્મમેકર હતા જેમની સાથે દરેક કલાકાર કામ કરવા ઈચ્છતો હતો અને તે યાદીમાં શેખર કપૂર સૌથી ઉપર હતા. મને આજે પણ યાદ છે કે હું તેમની ફિલ્મ ‘દ ફોર ફેધર્સ’ માં કામ કરી શક્યો નહોતો. કોઈ કારણોસર હું એ ફિલ્મ ન કરી શકવા બદલ ખૂબ જ નિરાશ થયો હતો, કારણ કે તે સમયે મેં હોલીવુડ ફિલ્મ ‘બોર્ન’ સાઈન કરી લીધી હતી. તેથી શેખર કપૂર હંમેશા મારી બકેટ લિસ્ટમાં રહ્યા છે.”
20 વર્ષ જૂનું સપનું હજુ પણ આંખોમાં છે’
અભિનેતાએ વધુમાં ઉમેર્યું હતું કે, “હું શેખર કપૂર સાથે કામ કરવાનો વધુ એક પ્રયાસ કરવા ઈચ્છીશ. આ આશરે ૨૦ વર્ષ જૂનું એક નાનું અને અધૂરું સપનું છે, જેને હું આજે પણ મારી સાથે લઈને ફરી રહ્યો છું.” અત્રે ઉલ્લેખનીય છે કે, શેખર કપૂરે ભારતીય સિનેમાને ‘માસૂમ’, ‘મિસ્ટર ઈન્ડિયા’ અને ‘બેન્ડિટ ક્વીન’ જેવી ક્લાસિક ફિલ્મો આપી છે, જ્યારે હોલીવુડમાં તેમણે ‘એલિઝાબેથ’ અને ‘દ ફોર ફેધર્સ’ જેવી ચર્ચિત ફિલ્મોનું નિર્દેશન કરીને વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે.
‘દ ઓડિસી’ ની મજબૂત સ્ટારકાસ્ટ અને રીલીઝ ડેટ
અમેરિકન પૌરાણિક કથા પર આધારિત ફિલ્મ ‘દ ઓડિસી’ માં મેટ ડેમન ‘ઇથાકા’ ના પૌરાણિક રાજા ઓડિસિયસની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ ટ્રોજન યુદ્ધ પછી તેમના ઘર પરત ફરવાની જોખમી અને રોમાંચક યાત્રા દર્શાવે છે. આ ફિલ્મમાં મેટ ડેમન ઉપરાંત એન્થ હેથવે, ટોમ હોલેન્ડ, ઝેન્ડાયા, રોબર્ટ પેટિનસન અને ચાર્લીઝ થેરોન જેવા દિગ્ગજ હોલીવુડ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ક્રિસ્ટોફર નોલાનના માર્ગદર્શન હેઠળ બનેલી આ ભવ્ય ફિલ્મ આગામી 17 જુલાઈના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે.


