Site icon Revoi.in

બંધારણના ઘડવૈયાઓએ સૌથી મહત્ત્વના શબ્દ ધર્મને વ્યાખ્યા વગરનો છોડી દીધોઃ જૈનાચાર્ય

The framers of the Constitution left the most important word DHARMA undefined

The framers of the Constitution left the most important word DHARMA undefined

Social Share

“ધર્મ” પર બંધારણીય મૌન – સબરીમાલા રિવ્યુ સિરીઝ ભાગ 3

દરેક બંધારણ એ સત્તાની વહેંચણીનો માર્ગદર્શક સિદ્ધાંત હોય છે. તેમાં એવી શરતોને વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેના આધારે સત્તાનો ઉપયોગ થઈ શકે, સાથે જ વ્યાખ્યા દ્વારા સત્તાને મર્યાદામાં પણ રાખે છે. જેની વ્યાખ્યા કરવામાં ન આવે તે સ્વતંત્ર રહે છે. જે સ્વતંત્ર રહી જાય તેના ઉપર સમય જતાં એવા લોકો હાવી થઈ જાય છે જેમને તેના માટે ક્યારેય સત્તા આપવામાં આવી નહોતી.

આ શ્રેણીના પ્રથમ બે લેખોએ પાયાના પ્રશ્નો ઉઠાવ્યા હતા: તે હસ્તાંતરણનો દસ્તાવેજ ક્યાં છે જેના દ્વારા ભારત સરકારે ભારતીય ધર્મોની આંતરિક વ્યવસ્થા ઉપર અધિકારક્ષેત્ર મેળવ્યું, અને કેવી રીતે નિયંત્રણનું એ સામ્રાજ્યવાદી માળખું બ્રિટિશ શાસન- જેણે પોતે જ તેને નાબૂદ કરવાનું શરૂ કરી દીધું હતું તે સ્વતંત્રતા પછી પણ ટકી રહ્યું? પ્રસ્તુત ત્રીજો લેખ તે વારસાના હાર્દમાં રહેલી વ્યાખ્યાલક્ષી ખામી વિશે છે. એક પ્રકારે બંધારણીય લખાણમાં રહેલું આ એવું મૌન જેણે ભારતીય ગણતંત્રની અદાલતોને ‘ધર્મશાસ્ત્રી’ અથવા ‘સ્વ-ઘોષિત આધ્યાત્મિક ગુરુ’ બનાવી દીધી છે, જે છેલ્લા 76 વર્ષથી એવા વિષયો પર ચુકાદા આપી રહ્યા છે જેને બંધારણે પોતે ક્યારેય વ્યાખ્યાયિત કર્યા જ નથી.

આ પણ વાંચોઃ ભારતમાં ધર્મ હજુ પણ સામ્રાજ્યવાદી માનસિકતામાંથી મુક્ત થયો નથી: જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી

જ્યારે કાયદો વ્યાખ્યા કરવાનું ભૂલી જાય

બંધારણીય લખાણ વિશે ચર્ચા કરતાં પહેલા વિશ્વમાં અન્યત્ર કાયદા હેઠળ કોઈ સામાન્ય શબ્દની વ્યાખ્યા કરવાનું ચૂકાઈ જાય ત્યારે શું થાય છે તેનો ટૂંકમાં વિચાર કરો. નિગ્સ વિ. હેડન (149 યુએસ 393)ના કેસમાં, યુનાઇટેડ સ્ટેટ્સની સુપ્રીમ કોર્ટ સમક્ષ કસ્ટમ ટેરિફનો એક સાદો પ્રશ્ન હતો: શું આયાત કરવામાં આવેલું ટામેટું ‘ફળ’ (ડ્યુટી-ફ્રી) હતું કે ‘શાકભાજી’ (ટેક્સને પાત્ર)? વનસ્પતિશાસ્ત્રીઓએ સાચી જુબાની આપી કે ટામેટું જૈવિક રીતે એક ફળ છે. પરંતુ સુપ્રીમ કોર્ટે સર્વસંમતિથી તેનાથી વિરુદ્ધ ચુકાદો આપ્યો. ટેરિફના હેતુ માટે ટામેટાં શાકભાજી હતા, કારણ કે “લોકોની સામાન્ય ભાષામાં” તેને લંચમાં પીરસવામાં આવતા હતા અને મીઠાઈ (ડિઝર્ટ) તરીકે નહીં. વનસ્પતિશાસ્ત્રનું સત્ય રસોડાની પરંપરા સામે હારી ગયું – અને તે એટલા માટે હાર્યું કારણ કે કાયદામાં ‘ફળ’ અને ‘શાકભાજી’ શું છે તે કહેવાની તસ્દી લેવામાં આવી નહોતી.

જો એક મહાન લોકશાહીની સર્વોચ્ચ અદાલતને કાયદાકીય વ્યાખ્યાના અભાવે ફળને શાકભાજી જાહેર કરવાની ફરજ પડી શકે, તો વિચારો કે જ્યારે બંધારણ પોતે ટામેટાને ટેરિફના મથાળા નીચે નહીં પણ ‘ધર્મ’ને – નાગરિકના ‘અંતરાત્મા’ને જ વ્યાખ્યા વગરનો છોડી દે ત્યારે શું થાય?

આ પણ વાંચોઃ ધર્મની વ્યાખ્યા કરવાનું કામ ન્યાયતંત્રનું નથીઃ સબરીમાલા મુદ્દે કેન્દ્ર સરકારે લેખિત જવાબ દાખલ કર્યો

લખાણમાં રહેલી અસમાનતા

ભારતનું બંધારણ એ રીતે કોઈ ઢીલો દસ્તાવેજ નથી. એકલા અનુચ્છેદ 366માં આશરે ત્રીસ વ્યાખ્યાયિત શબ્દો છે. સંપૂર્ણ લખાણમાં લગભગ ચાલીસ શબ્દો સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે – જેમાં ‘રાજ્ય’ (અનુચ્છેદ 12), ‘કાયદો’ (અનુચ્છેદ 13), ‘એંગ્લો-ઇન્ડિયન’ (અનુચ્છેદ 366(2)), અનુચ્છેદ 25(2)(b)ના મર્યાદિત હેતુ માટે ‘હિન્દુ’, ‘માલ-સામાન’, ‘કરવેરા’, ‘ખેતીની આવક’, ‘કોર્પોરેશન ટેક્સ’, ‘અનુસૂચિત જાતિ’, ‘અનુસૂચિત જનજાતિ’ અને અન્ય ઘણા શબ્દોનો સમાવેશ થાય છે. બંધારણના ઘડવૈયા તે બાબતે ખૂબ જ ચોકસાઈ ધરાવતા હતા. જ્યાં શબ્દની કાયદાકીય અસર હતી, ત્યાં તેમણે તેનો અર્થ પૂરો પાડ્યો છે.

હવે એવા વિરોધાભાસનો વિચાર કરો જે આ દેશના દરેક બંધારણીય વકીલને વિચારતા કરી મૂકે તેવો છે.

‘એંગ્લો-ઇન્ડિયન’ શબ્દ અનુચ્છેદ 366(2)માં અત્યંત ચોકસાઈ સાથે 51 શબ્દોમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે: એવી વ્યક્તિ જેના પિતા કે અન્ય કોઈ પુરુષ પૂર્વજ યુરોપિયન વંશના હોય પરંતુ જે ભારતના પ્રદેશમાં રહેતા હોય અને જેનો જન્મ અહીં એવાં માતા-પિતાથી થયો હોય જે કામચલાઉ હેતુ માટે નહીં પણ કાયમી વસવાટ માટે અહીં રહેતા હોય. પિતૃ પક્ષની વંશાવળી, યુરોપિયન વંશ, રહેઠાણ, જન્મસ્થળ – વ્યાખ્યાના દરેક તત્વને એવા ડ્રાફ્ટ્સમેનની કાળજી સાથે મૂકવામાં આવ્યા છે જે સમજતા હતા કે કાયદાકીય અસરો ચોક્કસ શબ્દો પર આધારિત છે. આ શબ્દનો પ્રયોગ માત્ર છ અનુચ્છેદ — 331, 333, 334, 336, 337 અને 338માં થયો છે અને તે એક એવા સમુદાય માટે હતો જેની વસ્તી 2011ની વસ્તી ગણતરી મુજબ માત્ર થોડા લાખની હતી. 2020ના 104મા બંધારણીય સુધારાએ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં એંગ્લો-ઇન્ડિયન્સ માટે અનામત પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધું છે. તેમ છતાં તેની વ્યાખ્યા આજે પણ એટલી જ ચોકસાઈપૂર્વક હાજર છે જેટલી 1950માં હતી.

આ પણ વાંચોઃ બંધારણમાં સંસ્થાનવાદી અવશેષો, બ્રિટિશ તાજે નકારી દીધું હતું તે પ્રજાસત્તાકે અપનાવ્યું

અન્ય ઉદાહરણો પણ આ જ વાત કહે છે. ‘કોર્પોરેશન ટેક્સ’ અનુચ્છેદ 366(6)માં ત્રણ તકનીકી પેટા-કલમો અને સિત્તેરથી વધુ શબ્દો સાથે વ્યાખ્યાયિત છે. ‘ખેતીની આવક’ અનુચ્છેદ 366(1)માં ઇન્કમ-ટેક્સ એક્ટના સંદર્ભ સાથે વ્યાખ્યાયિત છે. ‘શાસક’ને અનુચ્છેદ 366(22)માં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે – જે શ્રેણી 1971માં સાલિયાણાંની નાબૂદી સાથે ખતમ થઈ ગઈ છે.

હવે જુઓ કે શું વ્યાખ્યાયિત નથી

‘ધર્મ’ – અવ્યાખ્યાયિત. આ શબ્દ અને તેના આનુષંગિક શબ્દો અનુચ્છેદ 5, 10, 25, 26, 27, 28, 29, 30, 44, 51A અને 325માં જોવા મળે છે – જે 1.4 અબજથી વધુ લોકોના આધ્યાત્મિક જીવનનું સંચાલન કરતા લખાણમાં 20થી વધુ વખત આવે છે.

‘ધાર્મિક સંપ્રદાય’ – અવ્યાખ્યાયિત. આ શબ્દ અનુચ્છેદ 26માં અને પરોક્ષ રીતે અનુચ્છેદ 16(5)માં આવે છે, અને તે 1950થી અત્યાર સુધીના દરેક ધાર્મિક અધિકારોના વિવાદનો પાયો છે.

જે બંધારણે થોડા લાખ લોકોના સમુદાય માટેના શબ્દને વ્યાખ્યાયિત કરવા માટે 51 શબ્દોનો પ્રયોગ કર્યો – એક એવો શબ્દ જે હવે કાયદાકીય રીતે મોટાભાગે નિષ્ક્રિય છે – તે જ બંધારણમાં એક અબજ લોકોની શ્રદ્ધા અને આસ્થાનું રક્ષણ કરતા શબ્દને વ્યાખ્યાયિત કરવા માટે એક કલમ પણ ફાળવવામાં આવી નથી.

અનુચ્છેદ 16(5) અને 27ની માંગ

બંધારણની બે સૌથી પાયાની કલમો ‘ધર્મ’ અને ‘ધાર્મિક સંપ્રદાય’ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. અનુચ્છેદ 16(5) એવો કાયદો બનાવવાની છૂટ આપે છે જેમાં કોઈ ધાર્મિક સંસ્થાના હોદ્દેદાર માટે ચોક્કસ ધર્મ કે સંપ્રદાયની વ્યક્તિ હોવી જરૂરી હોય. અનુચ્છેદ 27 આદેશ આપે છે કે કોઈ પણ વ્યક્તિને એવો ટેક્સ ભરવા માટે મજબૂર કરી શકાય નહીં જેનો ઉપયોગ કોઈ ચોક્કસ ધર્મ કે સંપ્રદાયના પ્રચાર માટે થતો હોય. આ બંનેમાં – એક જ શ્વાસે અને એક જ કલમમાં – બંધારણ બે અલગ શ્રેણીઓના નામ આપે છે. જે લખાણ બે મૂળભૂત અધિકારોમાં આ તફાવતનો ઉપયોગ કરતું હોય તેણે કોઈક જગ્યાએ તેની સમજૂતી આપવી જોઈએ. બંધારણ વારંવાર આ તફાવતનો ઉલ્લેખ તો કરે છે પણ તેની સમજૂતી ક્યાંય નથી.

આંબેડકરની સ્વીકૃતિ અને તેમની પીછેહઠ

આપણા બંધારણના ઘડવૈયા આ સમસ્યાથી અજાણ નહોતા. 2 ડિસેમ્બર, 1948ના રોજ ડૉ. બી. આર. આંબેડકરે બંધારણસભાને કહ્યું હતું કે ભારતમાં ધર્મ જન્મથી મૃત્યુ સુધીના જીવનના દરેક પાસાને આવરી લે છે અને એવી કોઈ બાબત નથી જેને ધર્મ જોડવામાં ન આવતી હોય. તેમણે સૈદ્ધાંતિક રીતે પ્રસ્તાવ મૂક્યો હતો કે ધર્મની વ્યાખ્યા માત્ર માન્યતાઓ અને અનિવાર્ય ધાર્મિક વિધિઓ સુધી જ મર્યાદિત હોવી જોઈએ. કે. એમ. મુનશીએ પણ અન્ય એક ચર્ચા દરમિયાન આગ્રહ કર્યો હતો કે મુખ્ય શબ્દોને અર્થઘટન કલમ દ્વારા વ્યાપકપણે વ્યાખ્યાયિત કરવા જોઈએ.

તેમ છતાં એવી કોઈ વ્યાખ્યા ક્યારેય ઘડવામાં આવી નહીં. સભાએ આ પ્રશ્ન અદાલતો પર છોડી દીધો. અદાલતોને એવો બોજ વારસામાં મળ્યો જે ઉપાડવો ખુદ ઘડવૈયાઓને ભારે લાગ્યો હતો.

ન્યાયાધીશ એક ધર્મશાસ્ત્રી તરીકે, કે આધ્યાત્મિક ગુરુ?

બંધારણમાં વ્યાખ્યાના આ મૌનનો લાભ લઈને સુપ્રીમ કોર્ટે ડગલું માંડ્યું. ‘હિન્દુ રિલિજિયસ એન્ડોમેન્ટ્સ વિ. શિરુર મઠ’ (1954)ના કેસમાં ન્યાયાધીશ બી. કે. મુખર્જીએ ‘ધાર્મિક સંપ્રદાય’ને વ્યાખ્યાયિત કર્યો. આ રીતે એક બિનસાંપ્રદાયિક ન્યાયતંત્ર – જે ક્યારેય ધાર્મિક લાયકાતના આધારે ચૂંટાયું નથી, જે ક્યારેય કોઈ આચાર્ય, જથેદાર કે ભિક્ષુ દ્વારા નામાંકિત થયું નથી – તેણે ધાર્મિક સંપ્રદાયને વ્યાખ્યાયિત કરવાની સત્તા સંભાળી લીધી. તેણે જાતે જ નક્કી કરવાનું શરૂ કરી દીધું કે અનિવાર્ય ધર્મ શું છે અને બિનજરૂરી શું છે, શું ધર્મ છે અને શું અંધશ્રદ્ધા, અને અંતે એક શ્રદ્ધાને બીજી શ્રદ્ધાથી અલગ પાડવાની સત્તા પણ તેણે જ મેળવી લીધી.

એક માનસિકતા જે આગળ વધી

અહીં એક વક્રતા નોંધવા જેવી છે. બ્રિટિશ સંસદે 1919માં ‘ચર્ચ ઑફ ઇંગ્લેન્ડ એસેમ્બલી (પાવર્સ) એક્ટ’ પસાર કરતી વખતે જાણીજોઈને એ નક્કી કરવાનું ટાળ્યું હતું કે ‘ચર્ચ’ શું છે, તેના સિદ્ધાંતોનો અર્થ શું છે અથવા તેની આધ્યાત્મિક બાબતોનું સંચાલન કેવી રીતે થવું જોઈએ. સંસદે સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે ચર્ચે નિયંત્રણોથી મુક્ત રહીને પોતાનું શાસન જાતે કરવું જોઈએ. પશ્ચિમી ધારાગૃહો અર્થાત સંસદોએ અધિકારક્ષેત્રના બદલે સંયમ પસંદ કર્યો હતો.

બ્રિટિશ સંસદ પાસે ધર્મના વિષયમાં જે પણ સત્તા હોવાનું માનવામાં આવતું હતું, તે જ તર્કના આધારે ભારતીય બંધારણસભા પાસે જે સત્તા આવી તે માત્ર એટલા પૂરતી જ હોવી જોઈતી હતી જેટલી તેના પુરોગામી પાસે કાયદેસર રીતે હતી: એટલે કે ચર્ચ પૂરતી, તેનાથી આગળ કશું નહીં. તેમ છતાં ‘ધર્મ’ ને અ-વ્યાખ્યાયિત રાખીને ભારતીય ગણતંત્રે દરેક ભારતીય ધર્મ — હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધને એવા અધિકારક્ષેત્ર હેઠળ દબાવવાનો દરવાજો ખુલ્લો રાખ્યો છે જે તેને ક્યારેય આપવામાં આવ્યો જ નહોતો અને તે પણ એવા શબ્દો દ્વારા જે બંધારણે ક્યારેય વ્યાખ્યાયિત કર્યા જ નથી.

તારણ

બે શબ્દો જે સૌથી વધુ ચોકસાઈ સાથે વ્યાખ્યાયિત થવા જોઈતા હતા તેને જ સદંતર અ-વ્યાખ્યાયિત અવસ્થામાં છોડી દેવામાં આવ્યા છે. જે બે શ્રેણીઓને બંધારણ પોતે જ અલગ માને છે તેમને તે ક્યારેય સ્પષ્ટ રીતે અલગ પાડતું નથી. અને એક એવી સભ્યતા જેના ધર્મો મોટાભાગના આધુનિક રાષ્ટ્ર-રાજ્યો કરતાં પણ જૂના છે તે આજે એવા શબ્દોમાં પોતાનો ન્યાય તોળાતો જુએ છે જેને પોતે ક્યારેય લખ્યા નથી અને જે શબ્દભંડોળને તે કદાચ ઓળખતી પણ નથી.

જે બંધારણ ચાલીસ શબ્દોની વ્યાખ્યા આપે છે અને સૌથી મહત્ત્વના શબ્દને બાકાત રાખે છે તે ‘બિનસાંપ્રદાયિક’ બંધારણ નથી, તે એક ‘અધૂરું’ બંધારણ છે.

ભારતીય બંધારણના ઘડવૈયાઓએ આ પ્રશ્ન અદાલતો પર છોડ્યો હતો. અદાલતોએ 76 વર્ષ પછી આ પ્રશ્ન પાછો સોંપ્યો છે. હવે જ્યારે નવ ન્યાયાધીશોની બેન્ચ મળી રહી છે ત્યારે મુખ્ય મુદ્દો સબરીમાલા નથી કે નથી ‘અનિવાર્ય ધાર્મિક પ્રથા’ના સિદ્ધાંતનો. તે તો એ શબ્દ (ધર્મ) છે જેના પર આ બધું ટકેલું છે, અને જેની વ્યાખ્યા બંધારણે ક્યારેય આપી નથી.

સબરીમાલા રિવ્યુ શ્રેણી

આધ્યાત્મિક સાર્વભૌમ પરમ પૂજ્ય જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી દ્વારા,

તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના 79મા ઉત્તરાધિકારી.

Exit mobile version