1. Home
  2. Dharma-ધર્મ
  3. બંધારણમાં સંસ્થાનવાદી અવશેષો, બ્રિટિશ તાજે નકારી દીધું હતું તે પ્રજાસત્તાકે અપનાવ્યું
બંધારણમાં સંસ્થાનવાદી અવશેષો, બ્રિટિશ તાજે નકારી દીધું હતું તે પ્રજાસત્તાકે અપનાવ્યું

બંધારણમાં સંસ્થાનવાદી અવશેષો, બ્રિટિશ તાજે નકારી દીધું હતું તે પ્રજાસત્તાકે અપનાવ્યું

0
Social Share

સબરીમાલા સહિત હિન્દુ આસ્થા કેન્દ્રો અંગે સુપ્રીમ કોર્ટમાં હાલ 9 (નવ) જજની બંધારણીય બેન્ચ દ્વારા સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દો આપણી શ્રદ્ધાનો હોવા છતાં સ્વતંત્રતાના આટલાં વર્ષ પછી પણ કોઈને કોઈ કારણસર આપણે એ માનસિક ગુલામીમાંથી બહાર નથી આવી શક્યા જે અંગ્રેજ શાસન દરમિયાન ઘર કરી ગઈ હતી. અંગ્રેજોએ 200 વર્ષમાં શિક્ષણ, ન્યાયતંત્ર, વહીવટીતંત્ર સહિતની વ્યવસ્થાઓમાં આપણને કુંઠિત બનાવ્યા. જોકે તેઓ ધાર્મિક આસ્થા કેન્દ્રો ઉપર પણ નિયંત્રણ મેળવવા માગતા હતા પરંતુ તેમના એ પ્રયાસો સફળતા મળી નહોતી, છતાં તેમની નીતિરીતિ સ્વતંત્રતા પછી ચાલુ રહી એવું વર્તમાન સમયના અભ્યાસુ જૈન મૂનિ પૂજ્ય જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીએ ગહન સંશોધન દ્વારા પ્રસ્થાપિત કર્યું છે. જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી છેલ્લા થોડા સમયથી આ વિશે ઊંડાણપૂર્વકના અભ્યાસ લેખ લખી રહ્યા છે અને ભારતીય ધાર્મિક પરંપરાઓની તરફેણમાં અવાજ બુલંદ કરી રહ્યા છે. અગાઉ પણ તેમણે આ વિશે ખૂબ સબળ દલીલો કરી હતી. (4 એપ્રિલના એ લેખની લિંક અહીં નીચે આપી છે) હવે તેમણે એ વાતને આગળ વધારતા વધુ એક વિસ્તૃત લેખ દ્વારા સનાતન પરંપરાના આસ્થા કેન્દ્રો શા માટે સરકારી નિયંત્રણ હેઠળ ન હોવા જોઈએ તે તર્કસંગત પ્રતિપાદિત કર્યું છે.

સબરીમાલા રિવ્યુ સિરીઝ | ભાગ 2

અંગ્રેજો 1947માં ભારત છોડીને તેમના દેશ પરત ફર્યા, પરંતુ જે દ્રષ્ટિકોણથી તેઓ ભારતના ધર્મો પર હકૂમત ચલાવતા હતા તે અભિગમ ભારતમાંથી ગયો નથી. 79 વર્ષ પછી પણ તે અભિગમ આપણા પ્રજાસત્તાકના કાયદા, અહેવાલો અને કાનૂની વ્યવસ્થામાં ચૂપચાપ હયાત છે. જોકે હકીકતે સ્વતંત્રતા પછી પણ ન તો સ્વીકારવામાં આવ્યો છે, ન તપાસવામાં આવ્યો છે અને ન તો તેને સ્પર્શ કરવામાં આવ્યો છે.

શ્રેણીના પ્રથમ લેખમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેનો જવાબ હજુ મળ્યો નથી: તે હસ્તાંતરણનો દસ્તાવેજ ક્યાં છે જેના દ્વારા ભારત સરકારે ભારતીય ધર્મોના આંતરિક વહીવટ પર અધિકાર ક્ષેત્ર મેળવ્યું? બીજો ભાગ તેનાથી પણ વધુ ચિંતાજનક બાબતને ઉજાગર કરે છે; એ સંસ્થાનવાદી માળખું જેના દ્વારા સ્વતંત્રતા પછી તે અધિકાર ક્ષેત્રને સામાન્ય માની લેવામાં આવ્યું, અને કેવી રીતે સ્વતંત્ર પ્રજાસત્તાક દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ્સના તર્કને આગળ ધપાવ્યો જેને હટાવી દેવામાં આવ્યો હતો?

આ પણ વાંચોઃ ભારતમાં ધર્મ હજુ પણ સામ્રાજ્યવાદી માનસિકતામાંથી મુક્ત થયો નથી: જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી

એક વેટિકન સામે બીજાં અનેક આસ્થા કેન્દ્ર વિસરાયાં

વિગતે વાત કરતા પહેલા એક એવા પ્રશ્નનો સામનો કરવો જરૂરી છે જે ભારતીય રાજકીય વિચારધારાના તમામ વિભાગોને સ્પર્શે છે—જેઓ આ ભૂમિની સભ્યતાના વારસા સાથે જોડાયેલા છે અને જેઓ બંધારણીય સમાનતાને સર્વોપરી માને છે, તે બંને માટે આ પ્રશ્ન મહત્ત્વનો છે. કારણ કે આ પ્રશ્ન પર બંને પક્ષો સહમત થશે: બંનેએ નીચેની બાબતોથી ચિંતિત થવું જોઈએ.

જે ધર્મોનાં મૂળ, સંગઠન અને નિર્વાહ વિદેશી સ્ત્રોતો સાથે જોડાયેલા છે, તેઓ ભારતનાં મૂળ ધર્મો કરતા સ્વાભાવિક રીતે અલગ છે. તેમનો ઇતિહાસ, બહુમતવાદ પ્રત્યેનો તેમનો અભિગમ તથા તેમના ભૌતિક હોય કે આધ્યાત્મિક અંતિમ ધ્યેયનું દર્શન પણ અલગ છે. વેટિકન સિટી આજે પૃથ્વી પરની એકમાત્ર એવી ધાર્મિક સંસ્થા છે જેને સાર્વભૌમ આંતરરાષ્ટ્રીય દરજ્જો મળેલો છે, જેને સ્વયં ભારતે પણ ‘હોલી સી’ (Holy See) દ્વારા પૂર્ણ રાજદ્વારી સંબંધોની માન્યતા આપેલી છે. આંતરરાષ્ટ્રીય કાયદામાં વેટિકન સિટીના સાર્વભૌમ તરીકે ‘હોલી સી’ ને વિશ્વભરના કેથોલિક ચર્ચના પ્રતિનિધિ તરીકે માન્યતા આપવામાં આવી છે. આથી વિરુદ્ધ ભારતની પોતાની પ્રાચીન પરંપરાઓના આધ્યાત્મિક આસ્થા કેન્દ્રો — જેમ કે મઠ, તખ્ત, જૈન આચાર્ય પરંપરાઓ અને સંઘને આવી કોઈ માન્યતા કે સંસ્થાકીય સ્વાયત્તતા આપવામાં આવી નથી. જે આસ્થા કેન્દ્રો મોટાભાગના આધુનિક રાષ્ટ્ર-રાજ્યો કરતાં પણ હજારો વર્ષ જૂનાં છે અને એ જ સંસ્કૃતિમાં મૂળ ધરાવે છે જેનું પ્રતિનિધિત્વ કરવાનો બંધારણ દાવો કરે છે. છતાં આ આસ્થા કેન્દ્રો પોતાની જ ધરતી પર ઓળખ વગરનાં ઊભાં છે.

વેટિકનને માન્યતા આપવી એ કોઈ રાજદ્વારી મજબૂરી નથી. ચીને 1951માં વેટિકન સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને તેને ક્યારેય પુનઃસ્થાપિત કર્યા નથી. જો કોઈ પાડોશી દેશ જ્યાં પોતાના સાંસ્કૃતિક વારસા સાથે વિરોધાભાસ લાગતો હોય ત્યાં માન્યતા આપવાનો ઈન્કાર કરે છે તો ભારતે પણ એવું જ કરવું એ મુદ્દો જ નથી, અર્થાત ભારત સ્વતંત્ર રીતે પોતાનો નિર્ણય લઈ શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું તેણે પોતાની સભ્યતાના વારસા અને બંધારણીય સમાનતા બંનેને જાળવી રાખવા જોઈએ?

આનાથી બે બંધારણીય પ્રશ્નો ઊભા થાય છે: શું કલમ 25, જે તમામ ધર્મોને સમાન હક આપે છે, તે આદેશ આપે છે કે ભારતીય મૂળના ધર્મોને પણ આંતરરાષ્ટ્રીય કાયદાકીય દરજ્જો મળવો જોઈએ? અથવા શું કલમ 14 એ સિદ્ધાંત પર અલગ વ્યવહારની મંજૂરી આપે છે કે સમાન લોકો વચ્ચે જ સમાનતા હોવી જોઈએ — અને અમુક બાબતોમાં વિદેશી મૂળના અને ભારતીય મૂળના ધર્મો સમાન નથી?

માત્ર દલીલ ખાતર પૂછેલા આ પ્રશ્નો નથી. અહીં વર્તમાન પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે જે સબરીમાલા પરની નવ જજોની બેન્ચના અંતિમ નિર્ણય સાથે જોડાયેલા હોઈ શકે છે. અને તેનો પ્રમાણિક જવાબ આપવા માટે, પહેલા એક પ્રશ્નનો સામનો કરવો પડશે: શું આ ઉપેક્ષા પોતે જ સંસ્થાનવાદી વારસો છે?

શૉક્રોસની કબૂલાત

80 વર્ષ પહેલાં બ્રિટિશ સંસદમાં ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ બિલ’ પરની ચર્ચા દરમિયાન યુકેના એટર્ની જનરલ હાર્ટલી શૉક્રોસે એક એવી કબૂલાત કરી હતી જેની અસરો ક્યારેય પૂરેપૂરી સમજવામાં આવી નથી. તેમણે જણાવ્યું હતું કે, બ્રિટને સત્તાના હસ્તાંતરણ વખતે રજવાડાઓને અલગ આંતરરાષ્ટ્રીય એકમો તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો ન હતો — કારણ કે તત્કાલીન વડાપ્રધાને સ્વીકાર્યું હતું કે, સંધિઓ હેઠળ તેમની પાસે આવું કરવાની સત્તા જ નહોતી. જે તમારી પાસે નથી, તે તમે બીજાને આપી શકતા નથી.

પરિણામ આશ્ચર્યજનક હતું. રજવાડાં, જેમની પાસે નિશ્ચિત પ્રદેશો અને સેના હતી, તેમને ઔપચારિક સ્વીકૃતિ મળી. હવે વિચાર કરો કે બ્રિટને કઈ બાબતે મૌન સેવ્યું. શંકરાચાર્ય મઠો, જૈન આચાર્ય પરંપરાઓ, શીખ તખ્તો, બૌદ્ધ સંઘ — જે આસ્થા કેન્દ્રો તે રજવાડાઓ કરતાં પણ હજાર વર્ષ જૂનાં છે — તેમને કોઈ નોટિસ, કોઈ માન્યતા કે કોઈ સ્વીકૃતિ મળી નહીં.

હકીકતે આ કોઈ ભૂલ નહોતી. અંગ્રેજો સાર્વભૌમત્વના દસ્તાવેજો બનાવવામાં ખૂબ જ ચોકસાઈ રાખતા હતા. ભારતીય ધાર્મિક સ્વાયત્તતાને સ્પર્શ્યા વગર છોડી દેવી એ એક ગણતરીપૂર્વકની ચાલ હતી. બ્રિટન ભારતીય ધર્મોની સ્વાયત્તતાની ઉપેક્ષા કરવાનું ભૂલ્યું નહોતું; તે જાણતું હતું કે તેની પાસે આવી કોઈ સત્તા જ નથી. મૌન એ જ તેમની વ્યૂહરચના હતી — દાવો ન કરવો, પરંતુ મશીનરી એવી રાખવી કે ઉત્તરાધિકારી રાજ્ય (ભારત) ભૂલો કરે. અને આપણે એ જ કર્યું. બ્રિટને જે દાવો કરવાનું ટાળ્યું હતું, તે પ્રજાસત્તાક ભારતે શાંતિથી સ્વીકારી લીધું. પરિણામે આજે આપણે અસમાનતા જોઈએ છીએ — જ્યાં ભારત હજુ પણ તેના પોતાના મૂળ ધર્મોના દરજ્જાની ઉપેક્ષા કરે છે, જ્યારે વેટિકન સિટીને સંપૂર્ણ સાર્વભૌમ સન્માન આપે છે.

સંસ્થાનવાદી દ્રષ્ટિએ સ્વતંત્રતા પછીની સ્થિતિ

આ વારસાનો સૌથી મોટો પુરાવો કાયદામાં નહીં, પણ અહેવાલોમાં મળે છે. 1962ના ‘હિન્દુ રિલિજિયસ એન્ડોમેન્ટ્સ કમિશન’ ના અહેવાલે ધાર્મિક બાબતોમાં રાજ્યના અધિકાર ક્ષેત્રનો સ્રોત બ્રિટિશરો સુધી શોધી કાઢ્યો. અહેવાલમાં જણાવાયું હતું કે સંસ્થાનવાદી શાસને 1810 (બંગાળ), 1817 (મદ્રાસ) અને 1827 (બોમ્બે)ના નિયમો દ્વારા ધાર્મિક મિલકતો પર દેખરેખના અધિકારો મેળવ્યા હતા.

આશ્ચર્યની વાત એ છે કે, સ્વતંત્રતા પછીના આ અહેવાલે સંસ્થાનવાદી દાવાને સુધારવાને બદલે તેને ઐતિહાસિક સાતત્ય તરીકે સ્વીકારી લીધો. કમિશને ભારતીય ધર્મો પર રાજ્યની સત્તાની વિગતવાર યાદી બનાવી, પરંતુ તેનાથી વિરુદ્ધ ભારતની ધરતી પરની એક વિદેશી ધાર્મિક સંસ્થા (કેથોલિક ચર્ચ) તેની પહોંચની બહાર રહી.

1858નો વટહુકમ: બ્રિટિશ તાજની પોતાની કબૂલાત

સંસ્થાનવાદી સાતત્યના સિદ્ધાંતનો સૌથી મોટો વિરોધ સ્વયં બ્રિટિશ તાજના જાહેરનામામાં જોવા મળે છે. 16 મે, 1857ના રોજ ભારત સરકારે એક જાહેરાત કરી હતી કે તેણે હંમેશા તેની તમામ પ્રજાની ધાર્મિક લાગણીઓનું સન્માન કર્યું છે અને ધર્મમાં દખલ કરવાની તેની કોઈ ઈચ્છા નથી.

રાણી વિક્ટોરિયા દ્વારા જારી કરાયેલા 1858ના ઢંઢેરામાં પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે ધર્મના આધારે કોઈની સાથે પક્ષપાત કરવામાં આવશે નહીં કે કોઈને પરેશાન કરવામાં આવશે નહીં. જો આ બ્રિટિશ તાજની પ્રતિબદ્ધતા હતી, તો 1810-1827ના નિયમોને સુધારવાની બાબતને ભૂલો ગણવી જોઈએ, અને નહીં કે કાયમી ઉદાહરણો.

સાચી વાત એ છે કે, બ્રિટિશ તાજે પોતે જ તે નિયમોને ભૂલ ગણ્યા હતા. 1842 સુધીમાં અંગ્રેજોએ ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ નહીં કરવાની નીતિ અપનાવી હતી. 1863ના ‘રિલિજિયસ એન્ડોમેન્ટ્સ એક્ટ’ દ્વારા સરકારે ધાર્મિક સંસ્થાઓ પરના તમામ સીધા નિયંત્રણો છોડી દીધા હતા. એટલે કે અંગ્રેજો હસ્તક્ષેપથી ખસી રહ્યા હતા. પણ જાણવા-સમજવાનો મુદ્દો એ છે કે સ્વતંત્રતા પછીના પ્રજાસત્તાક ભારતે આ દિશા બદલી નાખી અને ફરીથી અંકુશ મેળવ્યો.

બંગિયા બ્રાહ્મણ સભાની વિસરાયેલી દલીલ

1933માં બંગિયા બ્રાહ્મણ સભાએ એક દલીલ રજૂ કરી હતી જેનો આઝાદ ભારતે ક્યારેય સીધો જવાબ આપ્યો નથી. બ્રિટિશ સંસદે 1919માં ‘ચર્ચ એસેમ્બલી એક્ટ’ પસાર કરીને ‘ચર્ચ ઑફ ઈંગ્લેન્ડ’ ને સ્વાયત્તતા આપી હતી. સભાએ તેની સરખામણી કરી: જો બ્રિટિશ સંસદ તેના પોતાના ચર્ચ માટે આધ્યાત્મિક સ્વતંત્રતા સ્વીકારી શકતી હોય તો ભારતની સંસદ કયા આધારે ભારતના ધર્મો પર અધિકાર જમાવી શકે?

સભાએ યાદ અપાવ્યું હતું કે ધાર્મિક વિધિઓનું નિયમન કરવું એ નાગરિક શાસનનું કામ નથી. તેમનો 1933નો આ પ્રશ્ન આજે પણ એટલો જ પ્રાસંગિક છે. કયા સિદ્ધાંત પર પ્રજાસત્તાક ભારત રોમમાં બેઠેલા ચર્ચને સાર્વભૌમ માન્યતા આપે છે—જ્યારે પોતાની ધરતી પરના મઠ, તખ્તો, જૈન આચાર્ય પરંપરાઓ અને સંઘને સંસ્થાકીય સ્વાયત્તતા પણ આપતું નથી? શું આપણે આનો જવાબ સભ્યતાગત ન્યાયના માપદંડથી મેળવવાનો કે પછી બંધારણની કલમ 14 અને 25માંથી?

દ્રષ્ટિકોણ બદલવો જ પડશે

ધાર્મિક સંસ્થાઓ પરના સ્વતંત્રતા પછીના રિપોર્ટ એ સ્વતંત્ર ભારતના બંધારણીય કલ્પનાનાં કાર્યો નહોતાં પરંતુ વારસામાં મળેલી સંસ્થાનવાદી માનસિકતા હતી. આપણે તે સંસ્થાનવાદી માળખાને વારસા તરીકે છાતીએ વળગાડી લીધું જેને હકીકતે અંગ્રેજો પોતે જ હટાવી રહ્યા હતા. આધુનિક વહીવટી તંત્રના અંકુશને ન્યાયી ઠેરવવા માટે હિન્દુ રાજાઓની દેખરેખની પ્રથાનું ઉદાહરણ આપવું એ ભૂલભરેલું છે. સુક્ર નીતિથી લઈને મહાભારત અને કલ્પસૂત્ર સહિતનાં શાસ્ત્રોમાં હંમેશાં શાસન અને આધ્યાત્મિક સ્વાયત્તતા વચ્ચે સ્પષ્ટ રેખા દોરવામાં આવી હતી.

શૉક્રોસની કબૂલાત એ બંધારણીય ચાવી છે: જે ક્યારેય તમારી પાસે નહોતું, તે તમે બીજાને આપી શકતા નથી. અને અંગ્રેજો પાસે ભારતીય ધર્મોની આંતરિક વ્યવસ્થા ઉપર ક્યારેય કોઈ સત્તા નહોતી. 1858નો વટહુકમ એ નૈતિક ચાવી છે: બ્રિટિશ તાજે બિન-હસ્તક્ષેપની પ્રતિજ્ઞા લીધી હતી અને પ્રજાસત્તાક ભારતે તે પ્રતિજ્ઞા તોડી નાખી.

જે સંસ્કૃતિ પોતાની જ શક્તિને વહીવટીતંત્રની ગૂંચમાં નાખી દે, તે તેની સીમાઓની બહાર આધ્યાત્મિક પ્રભાવ પાડી શકતી નથી. ભારત પોતાની સંસ્કૃતિનું ઘરની અંદર જ સરકારીકરણ કરીને વિદેશમાં પ્રભાવ પાડી શકે નહીં. જ્યારે નવ જજોની બેન્ચ સબરીમાલા રિવ્યુના પાયાના પ્રશ્નો પર વિચાર કરવા મળે, ત્યારે તેમણે માત્ર બંધારણના શબ્દો જ નહીં, પણ તે સંસ્થાનવાદી દૃષ્ટિકોણ અર્થાત ચશ્મા પણ તપાસવા જોઈએ જેની અસર હેઠળ આ બાબતને દાયકાઓથી વાંચવામાં આવી રહી છે.

જે સંસ્થાનવાદીઓએ નકારી દીધું હતું, તે વસાહતે અપનાવી લીધું છે.

તે દ્રષ્ટિકોણ વસાહત કરતાં પણ વધુ આગળ નીકળી ગયો.

હવે સમય આવી ગયો છે કે તેને નવેસરથી તપાસવામાં આવે.

——–

સબરીમાલા રિવ્યુ શ્રેણીઃ

તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના 79મા ઉત્તરાધિકારી આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી દ્વારા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code