અમદાવાદ, 23 એપ્રિલ 2026: Local people protested vehemently at the BJP convention શહેરના ઓઢવ વોર્ડમાં આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં શિવમ આવાસ અને ગાયત્રી આશ્રમ પાસે આયોજિત ભાજપના અનુસુચિત જાતિના મહાસંમેલનમાં સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચાર માટે યોજાયેલા આ સંમેલનમાં લોકોએ સ્થાનિક પ્રશ્નો ઉઠાવતા મામલો ગરમાયો હતો.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો શહેરના પૂર્વ વિસ્તારમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. શહેરના ઓઢવ વોર્ડના ઇન્દિરા નગર ખાતે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આયોજિત ભાજપના અનુસૂચિત જાતિના સંમેલનમાં રસ્તા, ગંદકી અને પાણી જેવા પાયાના પ્રશ્નો મુદ્દે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિરોધ એટલો ઉગ્ર હતો કે પૂર્વ સાંસદ ડો. કિરીટ સોલંકી અને ચારેય ઉમેદવારોએ કાર્યક્રમ અધૂરો છોડીને રવાના થવું પડ્યું હતું. ગઈકાલે બુધવારે સાંજે જ્યારે ભાજપના નેતાઓ અનુસૂચિત જાતિના સંમેલન માટે સ્ટેજ પર પહોંચ્યા, ત્યારે સ્થાનિક રહીશોએ હાથમાં પેમ્પ્લેટ અને બેનરો સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આવાસ યોજનામાં વ્યાપેલી ગંદકી અને ખરાબ રસ્તાઓથી ત્રસ્ત જનતાએ નેતાઓને ઉગ્ર રજૂઆત કરી હતી. પૂર્વ કોર્પોરેટર હિરેન જાદવે લોકોને વિરોધ કરતા અને વીડિયો બનાવતા રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોએ મચક આપી ન હતી.


