રસ્તો ભટકાવાનું હવે અશક્ય: જાણો કેવી રીતે કામ કરે છે જીપીએસ ટેકનોલોજી અને શું છે તેનું મહત્વ
નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: આજના આધુનિક યુગમાં એક ક્લિક પર ગમે ત્યાંથી સામાન મંગાવવો હોય કે અજાણ્યા શહેરમાં રસ્તો શોધવો હોય, આ બધું જ જીપીએસ ટેકનોલોજીને કારણે શક્ય બન્યું છે. સ્માર્ટફોન કે કારમાં નેવિગેશન સિસ્ટમ ચાલુ કરતાં જ આપણે નિર્ધારિત સ્થળે પહોંચી શકીએ છીએ. આ ચમત્કાર સમાન ટેકનોલોજી પાછળ અવકાશમાં કાર્યરત સેટેલાઇટ્સનું એક મોટું નેટવર્ક જવાબદાર છે.
જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, તે 30 થી વધુ નેવિગેશન સેટેલાઇટ્સનું એક નેટવર્ક છે, જે પૃથ્વીની આસપાસ ખૂબ જ ઊંચી કક્ષામાં સતત પરિભ્રમણ કરે છે. આ સેટેલાઇટ્સ દર સેકન્ડે ખાસ સિગ્નલો પૃથ્વી પર મોકલે છે. આપણા ફોન, ઘડિયાળ કે કારમાં રહેલું ‘જીપીએસ રિસીવર’ આ સિગ્નલોને પકડે છે અને ગણતરી કરીને આપણું ચોક્કસ સ્થાન જણાવે છે.
-
જીપીએસની કાર્યપ્રણાલી: ત્રણ મુખ્ય સ્તંભ
સેટેલાઇટ: પૃથ્વીથી આશરે 20 હજાર કિમી ઉપર રહીને 12 કલાકમાં એક ચક્કર પૂરું કરે છે. પૃથ્વી પરના કોઈપણ ખૂણેથી હંમેશા ઓછામાં ઓછા 6 સેટેલાઇટ દેખાય તેવી તેમની ગોઠવણ હોય છે.
ગ્રાઉન્ડ સ્ટેશન: આ સ્ટેશનો પૃથ્વી પરથી સેટેલાઇટ્સની સ્થિતિ પર નજર રાખે છે અને તેમને યોગ્ય પથ પર રાખવાનું કામ કરે છે.
રિસીવર: આપણે વાપરીએ છીએ તે સ્માર્ટફોન કે નેવિગેશન સિસ્ટમ. જ્યારે રિસીવર ઓછામાં ઓછા ૪ સેટેલાઇટના સિગ્નલ મેળવે છે, ત્યારે તે ‘ટ્રાઇલેટરેશન’ (ત્રિકોણમિતિ) પદ્ધતિથી તમારી સચોટ લોકેશન નક્કી કરે છે.
સામાન્ય જીપીએસ રિસીવર થોડા મીટરની સચોટતા આપે છે, જ્યારે હાઈ-એન્ડ રિસીવર તો થોડા ઇંચ સુધીની ચોકસાઈ આપી શકે છે. પ્રાચીન કાળમાં નાવિકો તારાઓ જોઈને દિશા નક્કી કરતા, આજે તે જ કામ સેટેલાઇટ્સ વધુ ઝડપ અને સચોટતાથી કરે છે. જીપીએસનો ઉપયોગ માત્ર રસ્તો શોધવા પૂરતો મર્યાદિત નથી. વિમાન, જહાજ, સૈન્ય કામગીરી, ખેતી, ફૂડ ડિલિવરી અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓની દેખરેખમાં પણ આ ટેકનોલોજી અનિવાર્ય બની ગઈ છે.
જીપીએસ મૂળભૂત રીતે અમેરિકાના સંરક્ષણ વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. જોકે હવે તેને ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં રશિયાના GLONASS (24 સેટેલાઇટ) જેવા અન્ય દેશોના નેટવર્કનો પણ સમાવેશ થાય છે. આ સેટેલાઇટ્સ ખાસ રેડિયો ફ્રીક્વન્સી પર કોડ મોકલે છે, જેને વૈજ્ઞાનિકો પૃથ્વીની પ્લેટોની હલચલ અને પૃથ્વીના ધરીભ્રમણના અભ્યાસ માટે પણ વાપરે છે.


