યુનિફોર્મ સિવિલ કોડ એ બંધારણીય લક્ષ્ય, તેને ધર્મ સાથે સાંકળવો યોગ્ય નથી: CJI સૂર્યકાંત
નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: દેશમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “યુનિફોર્મ સિવિલ કોડ એ બંધારણનું એક નિર્ધારિત લક્ષ્ય છે અને તેનો કોઈ પણ ધર્મ સાથે સીધો લેવાદેવા નથી.”
સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ મહિલાઓના વારસાના અધિકારો સાથે જોડાયેલી એક રિટ પિટીશન પર સુનાવણી ચાલી રહી હતી. આ અરજી એડવોકેટ પૌલોમી પાવની શુક્લા અને ન્યાય નારી ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં મુસ્લિમ પર્સનલ લોમાં મહિલાઓ પ્રત્યે થતા વારસાના ભેદભાવને પડકારવામાં આવ્યો છે.
સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે આદર્શ રીતે એક એવો સમાન નાગરિક કાયદો હોવો જોઈએ જે તમામ ધર્મોના વારસા હકોનું નિયમન કરે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે મુસ્લિમ સમુદાયમાં એવો ભય પ્રવર્તે છે કે UCCના બહાને હિંદુ સિવિલ કોડ તેમના પર લાદવામાં આવી શકે છે.
આ દલીલ પર પ્રતિક્રિયા આપતા જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ કહ્યું હતું કે, “આ પ્રશ્નનો જવાબ બંધારણમાં પહેલેથી જ હાજર છે, પરંતુ સવાલ એ છે કે આપણો સમાજ તેના માટે કેટલો તૈયાર છે? નાગરિકોમાં વૈજ્ઞાનિક, તર્કસંગત અને માનવતાવાદી દ્રષ્ટિકોણ વિકસવો જોઈએ, જે આપણા મૂળભૂત કર્તવ્યોનો પણ ભાગ છે.”
CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ માર્ચ મહિનામાં પણ આ જ કેસની સુનાવણી દરમિયાન CJIએ સ્પષ્ટ કર્યું હતું કે આવી કાયદાકીય વિસંગતતાઓનો એકમાત્ર ઉકેલ ‘યુનિફોર્મ સિવિલ કોડ’ જ છે. આ સુનાવણી બાદ ફરી એકવાર દેશમાં સમાન નાગરિક કાયદાને લઈને કાયદાકીય અને રાજકીય ચર્ચાઓ તેજ બની છે.


