શાળા જીવન દરમિયાન દીકરીને નાસાની મુલાકાતે મોકલવાનું સ્વપ્ન પિતા પૂરું ન કરી શક્યા …
ત્યારે એકતાએ ઘરના એક કબાટ ઉપર NASA લખીને પિતાને આપેલી સાંત્વના આજે નક્કર વાસ્તવિકતા કેવી રીતે બની?
[અલકેશ પટેલ] આણંદ, 9 માર્ચ, 2026 – Ekta Shah સામાન્ય રીતે આણંદનું નામ પડે એટલે તમામના મનમાં “અમૂલ” રમતું થઈ જાય. અને એ સ્વાભાવિક છે. પરંતુ હવે આણંદની આંતરરાષ્ટ્રીય ઓળખમાં વધુ એક નામ ઉમેરાયું છે. એ નામ છેઃ ડૉ. એકતા શાહ. આમ તો ગયા અઠવાડિયે એકતા શાહની અસાધારણ સિદ્ધિના સમાચાર ગુજરાતમાં ઘરેઘરે પહોંચી ગયા છે, પરંતુ એ સમાચાર વાંચતાં-સાંભળતાંની સાથે અનેક લોકોને પ્રશ્ન પણ થયા કે, આકાશગંગા (ગેલેક્સી)ને ભારતીય નામો આપવાનો વિચાર કેવી રીતે આવ્યો? શું આ બધી નવી આકાશગંગા છે? આવા સંશોધન માટે જે ફેલોશિપ મળે તેની પ્રક્રિયા શું છે? એ માટે કોણ અરજી કરી શકે? શું અંગ્રેજી આવડતું હોય તો જ માત્ર આવું અસાધારણ સંશોધન થઈ શકે?
આવા પ્રશ્નો રિવોઈ સમાચાર પોર્ટલને પણ થયા અને એટલે જ 8મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અમે આણંદ પહોંચીને એકતાબેન સાથે આ અને બીજા ઘણા મુદ્દા વિશે રૂબરૂમાં વિગતે વાત કરી. એકતાબેને જે માહિતી આપી છે તે રિવોઈના વાચકો ઉપરાંત બીજા અનેક વિદ્યાર્થીઓ-યુવાનોને ઉપયોગી થઈ શકે તેમ છે.
આ પણ વાંચોઃ ગુજરાતનું ગૌરવઃ આણંદની દીકરીએ છ નવી ગેલેક્સી શોધી કાઢી ભારતીય નામો આપ્યાં
આધુનિક ભારતમાં એકતા શાહની સફળતા એક એવી રોમાંચક ગાથા છે જે ઊંચા લક્ષ્યાંક રાખતી પ્રત્યેક દીકરીઓ અને મહિલાઓ માટે પ્રેરણારૂપ બની શકે તેમ છે. એકતાની આ ગાથા એ પણ સાબિત કરે છે કે, ભાષા અને પૈસા તમારા ઈરાદા સામે અવરોધ બની શકતા નથી.
એ વાત તો હવે સૌ જાણે છે કે, આણંદની એક યુવતીએ તેમની આર્થિક સંકડામણને હાર આપી સફળ ખગોળ વિજ્ઞાની બની બતાવ્યું છે. આ યુવતીએ દેશની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, ડેવિસમાં નાસા અનુદાનિત ફેલોશિપ મેળવી અંતરિક્ષમાં છ નવી આકાશગંગાઓના સમુહને શોધી કાઢ્યા છે. એટલું જ નહીં, આ નવા સમુહને ભારતીય નામોથી નવાજ્યા છે. માત્ર ૩૨ વર્ષની ઉંમરે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે.
રિવોઈ સાથેની ખાસ વાતચીતમાં ડૉ. એકતા શાહ કહે છે, આપણે સૌ આ વિશાળ બ્રહ્માંડનો ભાગ છીએ. આપણા કણેકણમાં બ્રહ્માંડ સમાયેલું છે અને તેથી દૃષ્ટિ, સુરભી, શ્રવણ, સ્મૃતિ, સ્પર્શ, ઋચિ- જેવાં માનવીય ઈન્દ્રીયોનાં નામ આકાશગંગાઓને આપ્યાં તેને કારણે આપણે પોતે જાણે હવે બ્રહ્માંડનો ભાગ બની ગયા હોઈએ એવી અનુભૂતિ થાય છે.
એકતાબેન કહે છે કે, “આ નામો આપવાની વિચારણા ચાલતી હતી ત્યારે અને ત્યારપછી પણ ઘણા લોકોએ મને કહ્યું કે, તારું પોતાનું અથવા તારાં માતા-પિતાનું નામ આપવું જોઈતું હતું. ત્યારે હું તેમને પ્રશ્ન કરતી કે શું આપણે મંદિરને આપણું નામ આપી શકીએ? અને એટલે મેં માનવીય ઈન્દ્રીયોનાં નામ આપ્યા છે જે જીવનની શરૂઆતથી અંત સુધી ટકી રહે છે.”
આ પણ વાંચોઃ સ્કોપઃ દક્ષિણ આકાશમાં અત્યારે દૈદીપ્યમાન નક્ષત્ર સ્પષ્ટ દેખાય છે
આ વિશેષ મુલાકાત દરમિયાન એકતાબેન સૌથી અગત્યની વાત કરતાં કહે છે કે, “મેં જે આકાશગંગાઓ શોધી છે તથા તેને જે નામ આપ્યાં છે તે હવે એસ્ટ્રો-સાયન્સની દુનિયામાં કાયમ માટે અંકિત થઈ ગયાં. હવે જ્યારે પણ આ છ ગેલેક્સી અને તેની આસપાસ કોઈ સંશોધન કરશે ત્યારે તેનાં મૂળ તરીકે આ ભારતીય નામો અંકિત હશે.”
તેઓ કહે છે કે, “અન્ય વિદેશી ખગોળ વિજ્ઞાનીઓ મેં જે આકાશગંગાઓ શોધી છે એ દિશમાં કામ કરી રહ્યા છે અને મહત્ત્વની વાત એ છે કે, મારા સંશોધન તેમજ મેં આપેલાં નામો યથાવત્ રાખીને ત્યાંથી આગળ સંશોધનની શરૂઆત કરી છે.”
સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરનાર જાણતા હશે કે ફિઝીક્સનાં સમીકરણો ઉકલેવા માટે ગણિતમાં પણ વિદ્વતા જરૂરી છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્નાતક થયા બાદ આઇઆઇટી – મુંબઇમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. ત્યાં તો તે ગણ્યાગાંઠ્યા ગુજરાતીઓ પૈકી એક હતી.
મુંબઇમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ એકતાએ રોચસ્ટર યુનિવર્સિટીમાં (University of Rochester) એસ્ટ્રોફિઝીક્સમાં પીએચડી કરવાનું નક્કી કર્યું. ત્યાં આ પીએચડી ડિગ્રી માટે એકતા આખી દુનિયામાંથી પસંદ થયેલા ત્રણ વિદ્યાર્થીઓ પૈકી એક હતી.
રોચસ્ટર યુનિવર્સિટીમાં એકતાને પ્રસિદ્ધ અમેરિકન સંસ્થા નાસા દ્વારા અનુદાનિત પ્રોજેક્ટમાં કામ કરવાની તક સાંપડી. હવે તેમના રસપ્રદ સંશોધનની વાત શરૂ થાય છે. તેમણે હવાઇ લગાવવામાં આવેલા મસમોટા ટેલિસ્કોપ સેન્ટરમાં કામ કરવાની તક મળી.
એકતા શાહ કહે છે કે, આ સંશોધન કામગીરી દરમિયાન 2024 અને 2025માં કેટલાક મહત્ત્વના પેપર પબ્લિશ થયા છે. આ બધા પેપર તેમને ઈટાલી, નેધરલેન્ડ્સ તેમજ આઈસલેન્ડમાં યોજાયેલી કોન્ફરન્સમાં રજૂ કરવાની તક મળી હતી, એટલું જ નહીં પરંતુ આ સંશોધન પેપર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ જર્નલ, ધ એસ્ટઓફિઝિકલ જર્નલ સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયા છે.
તેમનું એક સંશોધન બે ગેલેક્સી અથડાયા બાદ તેની અસરો ઉપર આધારિત હતું. તેમના સંશોધનના અંતે એ ફલિત થયું કે, હાલના બ્રહ્માંડમાં જ્યારે બે ગેલેક્સી અથડાય ત્યારે નવા તારાઓનું સર્જન લગભગ બે ગણું વધી જાય છે. પરંતુ બ્રહ્માંડના બાળપણમાં, આવી અથડામણો થતી હતી ત્યારે તારાઓના સર્જનમાં ખાસ વધારો જોવા મળતો નહોતો.
રસ ધરાવતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન
શું ખગોળમાં રસ ધરાવતા ગુજરાતી વિદ્યાર્થીઓ આ દિશામાં કેવી રીતે આગળ વધી શકે? તેઓ ક્યાં સંપર્ક કરે જેને આધારે પીએચ.ડી. અને સ્કૉલપશિપ માટે યોગ્ય માર્ગદર્શન મળી શકે?
આમ તો પોસ્ટ ગ્રેજ્યુએશન (અનુસ્નાતક) અભ્યાસ દરમિયાન જે તે કૉલેજ કે યુનિવર્સિટી અથવા પ્રાધ્યાપકો પાસેથી આવી માહિતી મળી રહે, તેમ છતાં અહીં કેટલીક વેબસાઈટની લિંક આપી છે તેનો અભ્યાસ કરવાથી એસ્ટ્રોનોમીના ક્ષેત્રમાં વિશેષ અભ્યાસ અને સંશોધન માટેનું માર્ગદર્શન મળી રહેશે.
https://academicjobsonline.org/
ડૉ. એકતા શાહ જણાવે છે કે, યુરોપ-અમેરિકામાં આ ક્ષેત્રના અભ્યાસ માટે તકો છે પરંતુ ત્યાં ક્વૉલિફાય થવા માટે તમારી તૈયારી યોગ્ય હોવી જોઈએ. એ માટેના અભ્યાસ અને ભાષા (GRE) ઉપરાંત જે દરખાસ્ત તૈયાર કરવામાં આવે, જે અરજી તૈયાર કરવામાં આવે તેમાં સૌથી મહત્ત્વની બાબત SOP – અર્થાત સ્ટેટમેન્ટ ઑફ પર્પઝ હોય છે. તેના આધારે વિદેશી યુનિવર્સિટી તમને પ્રવેશ આપવા વિશે નિર્ણય લેતી હોય છે.
હાલની કામગીરી અને ભવિષ્યની યોજના
આ વિશે એકતાબેને જણાવ્યું કે, હાલ તેઓ ગુજરાતીઓને, ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓને એસ્ટ્રો-સાયન્સનું જ્ઞાન અને જાણકારી ગુજરાતી ભાષામાં મળી રહે તે માટે યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના એક પ્રોફેસર દ્વારા શરૂ કરવામાં આવેલા શેડો ધ સાયન્ટિસ્ટ કાર્યક્રમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2024માં આવો એક પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે અમારી ધારણાથી અનેકગણા વધારે અર્થાત 1000 લોકોએ નોંધણી કરાવી હતી અને એસ્ટ્રોનોમી વિશે જાણવામાં રસ દાખવ્યો હતો. હવે ફરી ટૂંક સમયમાં એ કાર્યક્રમ રાખવાની વિચારણા છે.
જેમને ડૉ. એકતા શાહ વિશે, તેમનાં સંશોધન વિશે વધારે જાણવાની ઈચ્છા હોય તેઓ https://www.ektashah.in/ વેબસાઈટ જોઈ શકે છે.

