Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાળુઓના નામે પત્ર લખ્યો, પાંચ સંકલ્પ લેવા જણાવ્યું

Prime Minister Narendra Modi wrote a letter to Amarnath pilgrims
Social Share

નવી દિલ્હી, 3 જુલાઈ, 2026 – દેશના નાગરિકો સાથે સતત અને સીધા સંપર્કમાં રહેવા માટે જાણીતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત તેમની આ પરંપરા જાળવી રાખી છે. આજથી શરૂ થયેલી અમરનાથ યાત્રા સંદર્ભે તેમણે શ્રદ્ધાળુ યાત્રાળુઓ સાથે સીધો સંપર્ક કરીને સૌને પ્રોત્સાહિત કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાળુઓના નામે એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે યાત્રાળુઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવવા સાથે પાંચ સંકલ્પ લેવાનો પણ સંદેશ પાઠવ્યો છે.

પીએમ મોદીએ યાત્રાળુઓને સંબોધીને લખેલો પત્ર શબ્દસઃ અહીં નીચે પ્રસ્તુત છેઃ

પ્રિય શ્રદ્ધાળુઓ,
હર હર મહાદેવ!
જય બાબા બર્ફાની!

જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રામાં સામેલ થવું એ સ્વયં એક બહુ મોટું સદભાગ્ય છે. જેઠ સુદ પૂનમના દિવસે થયેલી પ્રથમ પૂજાની સાથે જ ભક્તો માટે બાબા બર્ફાનીના દર્શનનો ક્રમ શરૂ થઈ જાય છે. દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ આ પાવન યાત્રામાં સામેલ થવા માટે તત્પર રહે છે.

દર વર્ષે બાબા બર્ફાનીના પ્રત્યક્ષ દર્શનની આ તક, લાખો શિવભક્તો માટે જીવનનો એક અત્યંત શુભ અને અવિસ્મરણીય અનુભવ હોય છે. હું આ વર્ષે યાત્રાના આ અવસરે આપ સૌ શિવભક્તોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

બાબા અમરનાથના દર્શનની આ યાત્રા ભારતની આધ્યાત્મિક યાત્રા પરંપરાનો એક શાશ્વત અધ્યાય છે. દર વર્ષે સમગ્ર વિશ્વમાંથી સનાતન સંસ્કૃતિને માનનારા લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં સામેલ થવા માટે જમ્મુ-કાશ્મીર પહોંચે છે. જુદા-જુદા પ્રાંતોમાંથી, જુદી-જુદી ભાષાઓ બોલનારા અને વિવિધ પરંપરાઓને માનનારા લોકો, મહાદેવના દર્શનનો સંકલ્પ લઈને આ યાત્રાને પૂર્ણ કરે છે.

વીતેલા કેટલાય દાયકાઓથી શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ અને જમ્મુ-કાશ્મીર સરકાર ખૂબ જ કુશળતા અને સેવા ભાવથી યાત્રાની વ્યવસ્થા કરતા આવ્યા છે. આ સાથે જ, યાત્રાને સુરક્ષિત રીતે સંપન્ન કરાવવામાં આપણા પ્રશાસન અને સુરક્ષાદળોની પણ બહુ મોટી ભૂમિકા રહે છે. આ વર્ષે પણ હજારો સાથીઓ આ દાયિત્વનું નિર્વહન કરી રહ્યા છે.

હું આ અવસરે ભારતીય સેના, CRPF, જમ્મુ-કાશ્મીર પોલીસ, ITBP, BSF, NDRF, સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા તબીબો અને કર્મચારીઓ, પ્રશાસનના અધિકારીઓ, સફાઈ મિત્રો તથા ભક્તોની સેવામાં જોડાયેલા દરેક સાથીનું હૃદયપૂર્વક અભિનંદન કરું છું.

આ 2 મહિના દરમિયાન, બાબા બર્ફાનીના પવિત્ર ધામમાં ભારતની વિવિધતામાં એકતાનું અદભુત સ્વરૂપ પણ જોવા મળે છે.

બાબા બર્ફાનીના ધામની આ યાત્રા, આપણને જમ્મુ-કાશ્મીરના આતિથ્ય ભાવ અને દેશભરમાંથી આવેલા ભક્તોના સમર્પણના પણ દર્શન કરાવે છે. યાત્રાના દરેક આયોજનમાં, જમ્મુ-કાશ્મીરના હજારો સ્થાનિક નાગરિકો શ્રદ્ધાળુઓનું આત્મીય સ્વાગત કરે છે.

દેશના અલગ-અલગ ભાગોમાંથી આવનારા અસંખ્ય ભક્તો પણ, પવિત્ર ગુફા અને યાત્રા માર્ગો પર ભંડારા અને લંગરોનું સંચાલન કરે છે. નિઃસ્વાર્થ સેવાની આ ભાવના, આપણી સનાતન સંસ્કૃતિ અને ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ ના આદર્શની સજીવ અભિવ્યક્તિ છે.

આ વર્ષે હું અમરનાથ યાત્રા પર જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને કેટલાક સંકલ્પોનો આગ્રહ કરવા માંગું છું.

પહેલો સંકલ્પ – આપણે અમરનાથ યાત્રા દરમિયાન સ્વચ્છતાના નિયમોનું પાલન કરીએ અને સમગ્ર યાત્રા માર્ગમાં સ્વચ્છતા જાળવી રાખવામાં પોતાનું યોગદાન આપીએ.

બીજો સંકલ્પ – આપણે પ્રશાસનના તમામ આદેશ, વાહનવ્યવહારના નિયમો અને સુરક્ષા સંબંધી નિર્દેશોનું પૂરી નિષ્ઠાથી પાલન કરીએ. યાત્રા દરમિયાન વરસાદને કારણે થનારી લપસણ અને ઠંડીનું વિશેષ ધ્યાન રાખીએ.

ત્રીજો સંકલ્પ – આપણે ‘વોકલ ફોર લોકલ’ ની ભાવનાથી યાત્રાના ખર્ચના ઓછામાં ઓછા 10% ઉપયોગ સ્થાનિક ઉત્પાદનો ખરીદવામાં કરીએ. આનાથી જમ્મુ-કાશ્મીરના પરિવારો અને યુવાનોની આજીવિકાને પણ બળ મળશે.

ચોથો સંકલ્પ – આપણે બાબા અમરનાથ યાત્રાના સમાપન દિવસ, એટલે કે રક્ષાબંધનના અવસરે પોતાના ભાઈ અથવા બહેનને એક છોડ ભેટ કરીએ અને ‘એક પેડ માં કે નામ’ અભિયાનને આગળ વધારીએ.

પાંચમો સંકલ્પ – આપણે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે સમગ્ર વર્ષ દરમિયાન પોતાના કર્તવ્યોનું ઈમાનદારીથી પાલન કરીએ અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપીએ.

મને વિશ્વાસ છે કે બાબા અમરનાથની દર્શન યાત્રા, સનાતન ધર્મની આસ્થા, ભારતની સાંસ્કૃતિક એકતા અને સેવાની પરંપરાનો એક ભવ્ય મહોત્સવ બનીને પૂર્ણ થશે.

મારી કામના છે કે, બાબા અમરનાથની અસીમ કૃપા આપણા સૌ પર બનેલી રહે. આપની યાત્રા સુરક્ષિત હોય, મંગલમય હોય અને આપના જીવનમાં નવી ઊર્જા, નવી ચેતના તથા નવી આધ્યાત્મિક શક્તિનો સંચાર થાય.

બાબા બર્ફાની આપણને સૌને આપણા કર્તવ્યો પ્રત્યે વધુ સમર્પિત બનાવે જેથી આપણે સૌ મળીને વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરી શકીએ.

આપ સૌને અમરનાથ યાત્રા માટે મારી હાર્દિક શુભેચ્છાઓ.

આપનો,
નરેન્દ્ર મોદી

Exit mobile version