પશ્ચિમી તુર્કિયેમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ, બહુમાળી ઇમારતો ધરાશાયી
પશ્ચિમી તુર્કિયેમાં સોમવારે રાત્રે 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઓછામાં ઓછી ત્રણ ઇમારતો ધરાશાયી થઈ ગઈ હોવાની માહિતી અધિકારીઓએ આપી છે. જોકે, આ ધરાશાયી થયેલી ઇમારતો અગાઉ આવેલા ભૂકંપને કારણે પહેલેથી જ ક્ષતિગ્રસ્ત હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી.
આપત્તિ અને કટોકટી વ્યવસ્થાપન એજન્સી (AFAD) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર બાલિકેસિર પ્રાંતના સિંદિરગી શહેરમાં જમીનથી આશરે 5.99 કિલોમીટર ઊંડાઈએ હતું. આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 10 વાગ્યાને 48 મિનિટે નોંધાયો હતો. મુખ્ય આંચકાના બાદ અનેક આફ્ટરશોક્સ પણ આવ્યા હતા, જેના ઝાટકા માત્ર ઇસ્તાંબુલમાં જ નહીં, પરંતુ બુર્સા, મનીસા અને ઇઝમિર જેવા આસપાસના પ્રાંતોમાં પણ અનુભવાયા હતા. ગૃહ મંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે, સિંદિરગી વિસ્તારમાં ઓછામાં ઓછી ત્રણ ખાલી ઇમારતો અને બે માળની એક દુકાન ધરાશાયી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે આ તમામ ઇમારતો અગાઉ આવેલા ભૂકંપથી પહેલેથી જ નબળી થઈ ગઈ હતી. સરકારી અનાદોલુ એજન્સીને સિંદિરગીના જિલ્લા પ્રશાસક ડોગુકોન કોયુનકુએ જણાવ્યું કે, “હાલ સુધી કોઈ જાનહાનિ અથવા ગંભીર ઇજા થવાની માહિતી મળી નથી, પરંતુ બચાવ અને આકલનનું કામ સતત ચાલુ છે.”


