
અમદાવાદમાં AMC દ્વારા પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશીપ ધોરણે વધુ 81 EV સ્ટેશન ઊભા કરાશે,
અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે સરકાર દ્વારા પ્રદુષણ ઘટાડવા માટે અપાતા પ્રોત્સાહનને કારણે ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. તેથી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અગાઉ પીપીપી ધોરણે 12 ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત કર્યા બાદ હવે વધુ 81 ઈવી સ્ટેશનો પણ પીપીપી ધોરણે ઊભા કરાશે. જો કે મ્યુનિ. સામે એવા પણ પ્રશ્નો ઊભા થયા છે. કે, અગાઉ 12 ઈવી સ્ટેશનો જે ઊભા કરાયા હતા. તે ધૂળ ખાય છે. કારણ કે વાહનોના ચાર્જિંગ માટેનો દર હજુ નક્કી કરી શકાયો નથી.
AMCના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં PPP ધોરણે 81 સ્થળોએ ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટે વિવિધ કંપનીઓ પાસે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. AMC દ્વારા જે કોઈપણ કંપની આ EV ચાર્જિંગ સ્ટેશન બનાવશે, તે કંપનીએ જગ્યા પેટે 5 ટકા જંત્રી લેખે જમીનનું ભાડું ચૂકવવાનું રહેશે. ઉપરાંત પ્રતિ યુનિટ પ્રમાણે રેવન્યુ શેરિંગ કરવામાં આવશે. ઝડપી, મધ્યમ અને ધીમા એમ ત્રણ પ્રકારે ઈલેક્ટ્રીક વાહનો ચાર્જ કરી શકાશે. ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન ઉપરાંત કેટલાક સ્થળોએ બેટરી બદલવાની પણ સુવિધા હશે, જેથી કોઈપણ વ્યક્તિને પોતાની ગાડીની બેટરી બદલવી હોય તો તે બેટરી પણ બદલાવી શકશે. તમામ ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ગ્રીન કલરના બનાવવાના રહેશે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવેલા EV સ્ટેશનો પર AMCનો લોગો પણ લગાવવો પડશે. ચાર્જિંગ સ્ટેશન ઉપર જે પણ કર્મચારી કામ કરતો હોય તેના માટે ડ્રેસકોડ નક્કી કરાશે. AMC દ્વારા નવા ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન શહેરના વિવિધ બ્રિજ નીચે, જાહેર સ્થળો, મુખ્ય રોડ, AMCની ઓફિસ વગેરે જગ્યાએ બનાવવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, AMC દ્વારા શહેરના 12 જેટલા સ્થળોએ PPP ધોરણે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન શરૂ કરાયા છે. આ તમામ ચાર્જિંગ સ્ટેશન પર ફોર વ્હીલર અને ટુ-વ્હીલર ચાર્જિગ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પણ આ ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનમાં નહિવત પ્રમાણમાં લોકો પોતાના EV વાહનનોને ચાર્જ કરવા માટે આવે છે. બે મહિનાથી ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે પરંતુ, આ ચાર્જિંગ સ્ટેશનોનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો હોય એવું જોવા મળતુ નથી.