હવે મોબાઈલ ફોનમાં સિમકાર્ડ વગર નહીં ચાલે મેસેજિંગ એપ્સ, સરકારે લાગુ કર્યા નવા નિયમો
નવી દિલ્હીઃ દેશની સાયબર સુરક્ષા વધારે કડક બનાવવા માટે કેન્દ્રીય સરકારે મેસેજિંગ એપ્સ પર અત્યાર સુધીનો સૌથી કડક નિયમ લાગુ કર્યો છે. ટેલિકોમ વિભાગ (DoT)એ જાહેર કર્યું છે કે હવે કોઈપણ મેસેજિંગ એપ SIM વગર ફોનમાં ચલાવી શકાશે નહીં. એટલે કે, એપ જે મોબાઇલ નંબરથી રજિસ્ટર છે, એ જ SIM સતત ફોનમાં હોવુ ફરજિયાત રહેશે. નહીં તો એપ ઓટોમેટિક રીતે બંધ થઈ જશે.
DoTની તપાસમાં જાણવા મળ્યું કે મોટા ભાગના મેસેજિંગ એપ્સ ઈન્સ્ટોલેશન સમયે મોબાઇલ નંબરની વેરિફિકેશન કરે છે, પરંતુ ત્યારબાદ SIM કાઢી દેવા, બદલવા કે બંધ થઈ જવા છતાં પણ એપ્સ સામાન્ય રીતે ચાલુ જ રહે છે. આ જ ખામીનો ફાયદો ઉઠાવી વિદેશી સાયબર ગુનેગારો ભારતીય નંબર પર રજિસ્ટર કરેલી એપ્સનો ઉપયોગ કરી રહ્યા હતા, જ્યારે તે નંબરનું SIM ભારતમાં ફોનમાં હાજર જ ન હોય. સરકારના મતે આ ડિજિટલ સુરક્ષા માટે અત્યંત ગંભીર જોખમ છે, કારણ કે મેસેજિંગ એપ્સ હવે OTP, બેન્કિંગ એલર્ટ, official વાતચીત અને બિઝનેસ કમ્યુનિકેશનનો મુખ્ય માધ્યમ બની ચૂક્યા છે.
આ પહેલી વાર છે કે સરકારે મેસેજિંગ એપ્સને તે જ કોમ્પ્લાયન્સ નિયમોમાં લાવ્યા છે, જે અત્યાર સુધી માત્ર ટેલિકોમ સર્વિસ, બેન્કિંગ અને UPI એપ્સ પર લાગુ પડતા હતા. જેમ બેન્કિંગ એપ્સ SIM એક્ટિવ ન હોય તો લૉગઇન થતું નથી, એ જ પ્રમાણે હવે WhatsApp અને Telegramને પણ SIM-binding ફરજિયાત કરવું પડશે.
DoTએ તમામ મેસેજિંગ એપ પ્રદાતાઓને 90 દિવસમાં SIM-binding સિસ્ટમ અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે. તે બાદ 120 દિવસમાં કંપનીએ સરકારને સંપૂર્ણ પાલનનો રિપોર્ટ આપવો ફરજિયાત રહેશે. સરકારનું માનવું છે કે ડિજિટલ કમ્યુનિકેશન હવે બેન્કિંગ જેટલું જ સંવેદનશીલ બની ગયું છે, તેથી મોબાઇલ નંબર અને એકાઉન્ટને સતત જોડેલા રાખવું હવે આવશ્યક છે.


