પુરીઃ દેશમાં હાલ ઘુસણખોરીનો મુદ્દો ફરી ગરમાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જાહેર મંચ પરથી આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ગણાવ્યો છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ ઓડિશા સરકારે પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી વધુ કડક કરી છે. મે મહિનાથી અત્યાર સુધી રાજ્યમાંથી 49 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ કાર્ય માટે ખાસ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) બનાવી છે. ગેરદસ્તાવેજી માઇગ્રન્ટ્સની ઓળખ અને કાર્યવાહી માટે બે રાજ્ય સ્તરીય ડિટેન્શન સેન્ટર તથા 18 જિલ્લા સ્તરીય હોલ્ડિંગ સેન્ટર સ્થાપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર અને વિવિધ તપાસ એજન્સીઓ સાથે સમન્વય રાખીને આ અભિયાન આગળ ધપાવવામાં આવી રહ્યું છે.
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રાજ્ય વિધાનસભામાં લખિત જવાબમાં જણાવ્યું કે, શંકાસ્પદ મનતા 1,768 લોકોનું વેરીફિકેશન હાથ ધરાયું, જેમાંથી 1,667 લોકોને ભારતીય નાગરિક તરીકે ઓળખ્યા બાદ મુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં અલગ-અલગ જિલ્લાઓમાં 50 જેટલા વધુ શંકાસ્પદ લોકોની ચકાસણીનું કામ ચાલી રહ્યું છે. શંકાસ્પદ લોકોને વેરીફિકેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી હોલ્ડિંગ સેન્ટરમાં રાખવામાં આવે છે, જ્યારે ડિટેન્શન સેન્ટરમાં તે લોકો રાખવામાં આવે છે, જેમની ઓળખ બાંગ્લાદેશી તરીકે થઈ ગઈ હોય અને જેમનું ડિપોર્ટેશન બાકી હોય. આ મુદ્દો અગાઉ પણ રાજકીય વિવાદનું કારણ રહ્યો છે. પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે ઘણી વાર “બંગાળી બોલતા માઇગ્રન્ટ્સના હેરાનગતિ” અંગે આક્ષેપો કર્યા હતા.
રાજ્ય સરકારે માર્ચમાં વિધાનસભાને માહિતી આપી હતી કે, ઓડિશામાં અંદાજે 3,740 ગેરકાયદેસર બાંગ્લાદેશી માઇગ્રન્ટ્સ*છે. જોકે વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે કે, આ આંકડો હકીકતમાં વધુ હોઈ શકે છે. તાજેતરમાં ભદ્રક જિલ્લામાં પોલીસે પશ્ચિમ બંગાળના એડ્રેસપ્રૂફ ધરાવતા 9 બંગાળી બોલતા કામદારોને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા.


