
ગોહિલવાડ પંથકમાં સર્જાયો અષાઢી માહોલ, સાવરકુંડલામાં બે ઈંચ, શેત્રુંજી નદીમાં આવ્યા નવા નીર
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન 20મી જુન બાદ થશે, નૈઋત્યનું ચોમાસાનું આદમન કેરળમાં થઈ ગયું છે. મેધરાજા કોકણ અને મહારાષ્ટ્રની મહેમાનગતિ માણીને ગુજરાતમાં પ્રવેશશે. હાલ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ત્યારે મંગળવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હતો. જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ચોમાસા પહેલા જ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8મી જૂનથી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડીગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગોહિલવાડ પંથકમાં જેસર, સાવરકુંડલા લાઠી અને વલ્લભીપુર સહિત કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ પડ્યો હતો, સાવરકુંડલાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. તાલુકાના વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભમોદ્રા સહિતનાં ગામડાંમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા. ગરમીની વચ્ચે જ વરસાદ વરસતાં લોકોએ રાહત અનુભવી હતી.અમરેલીના સાવરકુંડલા બાદ લાઠી અને દામનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. લાઠી શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા અષાઢી મહિના જેવો માહોલ સર્જાયો હતો. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. લોકોએ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો. સાવરકુંડલા તાલુકામાં બે ઈંચ અને લાઠી તાલુકામાં પોણા ઈંચ કરતા વધુ વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ચોમાસાના વિધિવત પ્રારંભ પહેલા જ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. લાઠીના દુધાળામાં ખેતરો પાણીથી છલોછલ ભરાયેલા જોવા મળ્યા હતા.
ભાવનગર જિલ્લા જેસર તાલુકામાં મંગળવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને બપોરે આકાશ વાદળોથી ઘેરાય ગયું હતું. બપોર બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદઆવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી લોકોને હાલ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. ભાવનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો તાપમાનનો પારો 38થી 40 ડિગ્રીએ રહ્યું હતું. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાત લોકોને વરસાદના કારણે ગરમીથી થોડા અંશે રાહત થઈ હતી.
રાજ્યમાં એક-બે દિવસમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ શકે છે. હવામાન વિભાગે 8થી 10 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં પલટાને કારણે ચાર દિવસ સુધી સરેરાશ મહત્તમ તાપમાનમાં 3 ડીગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે.