
ધંધુકામાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી લડતનો નિર્ધાર કરાયો
ધંધુકાઃ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા ઉચ્ચારણોથી ક્ષત્રિય સમાજમાં વ્યાપેલો રોષ યથાવત છે. રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન યોજાયું હતું. જેમાં ક્ષત્રિય સમાજના 92 સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા. સંમેલનમાં ક્ષત્રિય સમાજના 17 જેટલા વક્તાઓ દ્વારા આગામી રણનીતિ નક્કી કરવામાં આવી હતી. અને રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો.
ધંધૂકા ખાતે રવિવારે યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ગોહિલવાડ અને ઝાલાવાડના ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના 92 સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજના 17 જેટલા વક્તાઓ દ્વારા રૂપાલાના નિવેદન સામે રોષપૂર્ણ વિરોધ કરીને રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો. રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, યુદ્ધનું સ્વરૂપ બદલાયું છે. પહેલા તલવાર, ફરસી, ભાલા, બંદૂક લઈને જતા હતા. માથા કાપીને રાજ કરવાનું હતું, પરંતુ હવે સમય બદલાયો છે. અત્યારે માથા ભેગા કરવાનો સમય આવ્યો છે. આઝાદી પછી સૌથી વધુ નુકસાન ક્ષત્રિય સમાજને થયું છે. અંગ્રેજો સાથે જ્યારે વાટાઘાટો થઈ ત્યારે ત્રણ શરતો મૂકવામાં આવી હતી. જેને ભારતમાં જોડાવું હોય એ લોકો ભારત સાથે રહે. હું 562 રજવાડાઓની વાત કરું છું. જેને પાકિસ્તાન નજીક પડતું હોય તે પાકિસ્તાન સાથે જોડાય અને જેને સ્વતંત્ર રહેવું હોય તેઓ સ્વતંત્ર રહે. આ દેશની પ્રજા અને નાગરિકોને આ દેશની એકતા અખંડિતતા માટે આન બાન શાન માટે રાજા-મહારાજાઓએ એક ઝાટકે રજવાડાઓ આપી દીધા. આ ક્ષત્રિય સમાજ છે. ક્ષત્રિય સમાજ એ ક્યારેય માંગવા માટે કોઈ લડાઈ કરી નથી. એક આંદોલન એવું નથી કે કોઈ માગ માટે તેઓ રોડ ઉપર ઉતર્યા હોય, મેદાને આવ્યા હોય. અમે અમારી અસ્મિતા બચાવવા માટે મેદાને આવ્યા છીએ અને અસ્મિતાના ભોગે કોઈ સમાધાન થશે નહીં. ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું અને તમારી શક્તિઓને યાદ કરો. રાજા ભરત, રાજા વિક્રમ, શિવાજી અને મહારાણા પ્રતાપ ક્ષત્રિય રાજાઓ હતા. આ દેશના ક્ષત્રિયોનો ઇતિહાસ છે.ક્ષત્રિય સમાજનો આક્રોશ દેખાતો નથી. ધૃતરાષ્ટ્ર થઈને બેઠા છે. એક વ્યક્તિને મોટો ગણી અને ટિકિટ આપી દીધી છે. આ ટિકિટને કેન્સલ કરો બાકી અશ્વમેઘ યજ્ઞ માટે ઘોડો નીકળી ગયો છે.
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હંગામા ખડો કરવાની અમારી આદાત નથી. હમારી કોશિષ હૈ સૂરત બદલની ચાહિયે, રૂપાલા બદલાવા જોઈએ. આપણને અવસર આવ્યો છે. આપણને એક કરવાનું કામ થયું છે. આજે કોણ સાથે છે? કોણ સામે છે? આપણું પારકું કોણ છે? એ ખબર પડશે. કોણ શકુની? કોણ ધૃતરાષ્ટ્ર? એ ખબર પડશે. ષડયંત્ર આપણામાં રહીને કરે ત્યારે દુશ્મન સાથે ભળી જાય. અશ્વમેઘનો ઘોડો છે કોઈ લગામ નથી. આનો રથી અને મહારથી ક્ષત્રાણી અને એકએક ક્ષત્રિય યુવાન છે.
રાજકોટના પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે રૂપાલાએ જે નિવેદન કર્યું છે, તેના માટે રૂપાલાની ટિકિટ રદ ન કરાય ત્યાં સુધી સમાધાન કરાશે નહીં, રાજકોટમાં માત્ર રેલી હતી હજી તો રેલો બાકી છે. જો ટિકિટ રદ નહીં કરે તો જે એમણે માથા આપી દીધા છે તેમની બેન દીકરીઓના નામ લીધા છે. તેઓ સમજી જાય અને ઉમેદવારી પાછી લઈ લે. હજી આ ટ્રેલર છે. મુવી બાકી છે અને સુપરહીટ જ જશે. ક્ષત્રિય સમાજના કોઈ બે ભાગલા પડ્યા નથી સમાજ એક જ છે. હું અનશન ઉપર જ છું. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અનશન ઉપર જ રહીશ.