નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સોમવારે કશ્મીરના પુલવામા, શોપિયાન અને કુલગામ જિલ્લાના કુલ આઠ સ્થળોએ એકસાથે છાપામારી કરીને ‘વ્હાઇટ-કોલર’ ટેરર મોડ્યૂલ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ મોડ્યૂલના તાર 10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. એજન્સી માત્ર કશ્મીર જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓ સહિત લખનૌમાં પણ મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. NIAએ દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ મામલે પોતાની તપાસનો દાયરો વિસ્તૃત કર્યો છે.
NIAની ટીમોએ શોપિયાનમાં મૌલવી ઇરફાન અહમદ વગાયના નિવાસસ્થાને છાપો માર્યો છે. વગાય આ ‘વ્હાઇટ-કોલર’ ટેરર મોડ્યૂલનો રેડિકલાઇઝેશન અને રિક્રૂટમેન્ટ કરાવનાર મુખ્ય માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. તેની ગયા મહિને NIAએ ધરપકડ કરી હતી, જ્યારે એજન્સીએ અગાઉ થયેલા કાર વિસ્ફોટની તપાસ પોતાના હાથમાં લીધી હતી. આ વિસ્ફોટમાં 15 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
પુલવામાના કોઈલ, ચંદગામ, મલંગપુરા અને સંબૂરા વિસ્તારમાં પણ NIAએ છાપામારી કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ સ્થળો તે લોકો સાથે સંબંધિત હતા જેમના તાર દિલ્હી કાર બ્લાસ્ટ કેસ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. NIAએ ઉત્તર પ્રદેશના સહારનપુરમાંથી ધરપકડ કરાયેલા ડૉ. અદીલ અહમદ રાઠરનાં નિવાસસ્થાને પણ છાપો માર્યો હતો. તપાસ એજન્સીનું માનવું છે કે આ નેટવર્ક દેશભરમાં ફેલાયેલું છે અને તેનો ભંડાફોડ જરૂરી છે.
‘વ્હાઇટ-કોલર’ આતંકવાદ એ એવુ મોર્ડયૂલ્સ છે જે પરંપરાગત આતંકી રીતો બદલે, નાણાકીય છેતરપીંડી, મની લોન્ડરિંગ અને અન્ય સફેદપોશ ગુનાઓ દ્વારા ફંડ એકત્ર કરે છે અને પોતાના એજન્ડાને આગળ વધારે છે. આવા નેટવર્ક્સને શોધીને નષ્ટ કરવું સુરક્ષા એજન્સીઓ માટે મોટી પડકારરૂપ કામગીરી છે.


