
ગાંધીનગરઃ રાજ્યમાં મોંઘવારીની ગણતરી કરીને કર્મચારીઓ, કામદારોને માટે લઘુત્તમ વેતન સરકાર દ્વારા જ નક્કી કરવામાં આવતું હોય છે. લઘુત્તમ વેતનથી ઓછું વેતન આપી શકાતું નથી. શ્રમ વિભાગ દ્વારા કારખાના, ફેકટરીઓ, સંસ્થાઓમાં જઈને કામદારોને લઘુત્તમ કરતા ઓછું વેતન અપાતું નથી, તેની સમયાંતરે તપાસ કરવામાં આવતી હોય છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ વેતનથી પણ ઓછું વેતન અપાતું હોવાની ફરિયાદો ઊઠી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં સીધી ભરતી થવાને બદલે વિવિધ એજન્સીઓ મારફત આઉટ સોર્સિંગથી ભરતી કરવામાં આવે છે. આ ભરતીમાં લઘુતમ વેતન જળવાતું ન હોવાથી શ્રમ અને રોજગાર વિભાગની તપાસમાં સામે આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે આઉટ સોર્સિંગથી થતી ભરતીમાં લઘુતમ વેતન જાળવવાની વિવિધ વિભાગોને તાકીદ કરી છે. હાલનો લઘુતમ વેતનદર રૂ. 13,900 છે. રાજ્યના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી અનસ્કિલ્ડ, સેમિસ્કિલ્ડ અને સ્કિલ્ડ કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. આ ભરતીમાં એજન્સીઓ નવા સુધારાયેલા લઘુતમ વેતનથી ભરતી કરવાને બદલે જૂના લઘુતમ વેતનથી ભરતી કરવાની જાહેરાત કરી દીધી હતી. આ બાબત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના ધ્યાનમાં આવી હતી. આથી રાજ્યના આરોગ્ય, ગૃહ વિભાગ સહિતના વિવિધ વિભાગોમાં હાથ ધરાયેલી ભરતીને રદ કરવાની તાકીદ શ્રમ અને રોજગાર વિભાગે કરી હતી. શ્રમ અને રોજગાર વિભાગે તાકીદ કરતા વિવિધ સરકારી વિભાગોએ હાથ ધરાયેલી ભરતીને મોકૂફ રાખવાની ફરજ પાડી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આરોગ્ય વિભાગે તો વિવિધ અર્બન હેલ્થ સેન્ટરમાં 1238 જેટલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા જૂના લઘુતમ વેતન નિયમ મુજબ હાથ ધરી દીધી હતી. આ ભરતીમાં નવા સુધારાયેલા લઘુતમ વેતનથી ભરતી કરવાની રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે તાકીદ કરી હતી. જેના પગલે આરોગ્ય વિભાગે નવા સુધારયેલા પગારથી ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. સરકારના અન્ય વિભાગોમાં પણ નવા સુધારાયેલા લઘુતમ વેતન જાળવવીને નવી ભરતી કરવામાં આવે તેવી સૂચના શ્રમ અને રોજગાર વિભાગે આપી છે.(File photo)