 
                                    વડોદરામાં બટાકા-પૌંવા આરોગ્યા બાદ 20થી વધુ લોકોને ફુડ પોઈઝિંગ થતાં હોસ્પિટલ ખસેડાયાં
વડોદરાઃ શહેરમાં મતદાન બાદ બટાકા પૌવા ખાવાના આયોજનથી લોકોની તબિયત બગાડી છે. મતદાન મથક બહાર બટાકા પૌવા ખાધા બાદ 20થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતુ. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ફતેગંજ પોલીસ સ્ટેશન સામે સુર્યનગર ખાતેના મતદાન મથકની બહાર બટાકા પૌવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે મતદાન બાદ લોકોએ બટાકા પૌવા ખાધા હતા. જે બાદ લોકોની ઊલટી થવાની લાગી હતી. 20થી વધુ લકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સૂર્યનગર ઝૂપડપટ્ટી નવાયાર્ડ વિસ્તારમાં આવેલા માઇકૃપા સ્કૂલ પાસે ઇલેક્શનના સમય દરમિયાન બટાકા-પૌઆ ખાધા બાદ થોડાક સમય બાદ 20થી વધુ શ્રમજીવીઓને ફૂડ-પોઇઝનિંગની અસર થઈ હતી. બટાકા-પૌઆ આરોગ્યા બાદ તમામને વોમેટિંગ અને પેટમાં બળતરા થતા 108 મારફતે તુરંત સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફૂડ પોઇઝનિંગ ઘટનામાં વિધાનસભાના દંડકે સાયજી હોસ્પિટલમાં ભોગ બનનારની મુલાકાત લીધી હતી. 20 લોકોમાંથી 1ને રજા અપી દેવામાં આવી છે, જ્યારે 19 સારવાર હેઠળ છે.
શહેરની સયાજી હોસ્પિટલમાં દાખલ એક દર્દીએ જણાવ્યું હતું કે, મતદાન મથકની બહાર પૌઆ ખાધા બાદ 20થી વધુ લોકોને પેટમાં બળતરા અને ઊલટી થવા લાગી હતી. નિઝામપુરા, ફતેગંજ જ્યાં મળ્યા હતા, ત્યાં પૌઆ ખાધા હતા અને બાળકો સહિત લોકોને અસર થઈ છે. આ અંગે અન્ય દર્દીએ જણાવ્યું હતું કે, માણસો સવારે કામ પર ગયા હતા અને રસ્તામાં કોઈએ પૈવા આપ્યા એટલે લોકોએ ખાધા હતા. જેટલા પણ લોકોએ પૌઆ ખાધા એટલા બધાને વોમેટિંગ થઈ છે. બે-ત્રણ જગ્યાએ બનાવ બન્યો જેમાં એક તો મહેસાણા નગર, અભિલાષા બાજુ બનાવ બન્યો છે. પૌઆ કોણે આપ્યા તે ખબર નથી, પરંતુ ચૂંટણીવાળા આપતા હતા તેવું જાણવા મળ્યું છે. પણ આપનારા કોણ હતા તે ખબર નથી. ખાનારા બધા MPના મજૂર છે અને છુટક કામ કરે છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

