રાજીવ ગાંધી પર પીએમ મોદીના આરોપોને ભૂતપૂર્વ નેવલ ચીફ એડમિરલ રામદાસે આપ્યો રદિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભૂતપૂર્વ પીએમ રાજીવ ગાંધી દ્વારા આઈએનએસ વિરાટને પોતાની ટેક્સી તરીકે ઉપયોગ કરવાવાળા નિવેદન પર રાજકીય બબાલ શરૂ થઈ છે. ત્યારે ભૂતપૂર્વ નૌસેનાધ્યક્ષ સામે આવ્યા છે અને તેમણે પીએમ મોદીના આરોપોને સોય ઝાટકીને રદિયો આપ્યો છે. ભૂતપૂર્વ નૌસેનાધ્યક્ષ એડમિરલ એલ. રામદાસે નિવેદન જાહેર કરીને તબક્કાવાર તે પ્રવાસનો ઉલ્લેખ કર્યો છે. આના સંદર્ભે પરિવારની સાથે ભૂતપૂર્વ પીએમ રાજીવ ગાંધી દ્વારા રજા ગાળવામાં આવ્યાની વાત કહેવાઈ રહી છે.
એડમિરલ રામદાસે સ્પષ્ટતા કરી છે કે પીએમ અને તેમના પત્નીની સાથે તે સત્તાવાર મુલાકાત વખતે કોઈપણ વિદેશી ન હતા. ખાસ વાત એ છે કે નિવેદન આઈએનએશ વિરાટ સાથે જોડાયેલા નૌસેનાના ઘણાં અન્ય વરિષ્ઠ અધિકારીઓના ઈનપુટ્સના આધારે જાહેર કરવામાં આવ્યું છે.

એડમિરલ રામદાસે નિવેદનમાં કહ્યુ છે કે વડાપ્રધાન મોદીએ બુધવારે દિલ્હીના રામલીલા મેદાન ખાતે એક ભાષણ આપ્યું, જેમાં તેમણે કહ્યુ કે દિવંગત ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ લક્ષદ્વીપ ટાપુ પર ભારતીય નૌસેનાના જહાજ આઈએનએસ વિરાટનો ઉપયોગ દશ દિવસ સુધી પોતાની પર્સનલ ક્રૂઝ તરીકે કર્યો હતો અને રાજીવ ગાંધીની સાથે તેમનો પરિવાર અને પત્ની સોનિયા ગાંધીના પરિવારના લોકો હાજર હતા. શક્ય છે કે તેમનું આ નિવેદન ઈન્ડિયા ટુડેના અનીતા પ્રતાપના રિપોર્ટના આધારે હોય.
 એડમિરલે આગળ તબક્કાવાર રીતે સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે વાસ્તવમાં મામલો એ ન હતો. 32 વર્ષ પહેલા જે કંઈ થયું હતું. તેનો ઘટનાક્રમ આ પ્રકારે છે અને અમે તે સમયે હાજર હતા. એડમિરલે કહ્યુ છે કે તેઓ વાઈસ એડમિરલ પસરીચા-તત્કાલિન કેપ્ટન અને કમાન્ડિંગ ઓફિસર આઈએનએસ વિરાટ, એડમિરલ અરુણ પ્રકાશ- કમાન્ડિંગ ઓફિસર આઈએનએસ વિંધ્યગિરી, જે આઈએનએસ વિરાટની સાથે ચાલી રહ્યું હતું અને વાઈસ એડમિરલ મદનજીતસિંહ-આઈએનએશ ગંગાના કમાન્ડિંગ ઓફિસરની લેખિત પ્રતિક્રિયાઓના આધારે આ જાણકારી આપી રહ્યા છે. તેમણે તે સમયના લક્ષદ્વીપ ટાપુના નેવલ ઓફિસ ઈનચાર્જની નોટમાંથી પણ ઈનપુટ લીધા છે. એડમિરલ રામદાસે કહ્યુ છે કે જરૂરત ઉભી થયે આ નિવેદન ઉપલબ્ધ છે. 
વડાપ્રધાન અને મિસિજ ગાંધી ત્રિવેન્દ્રમથી લક્ષદ્વીપ જવા માટે આઈએનએસ વિરાટ પર સવાર થયા હતા. વડાપ્રધાન ત્રિવેન્દ્રમાં નેશનલ ગેમ્સ પ્રાઈઝ ડિસ્ટ્રિબ્યૂશન માટે ચીફ ગેસ્ટ હતા. તેઓ ઓફિશિયલ ડ્યૂટી પર લક્ષદ્વીપ જઈ રહ્યા હતા અને ત્યાં તેમણે આઈલેન્ડ્સ ડેવલોપમેન્ટ ઓથોરિટીની બેઠકની અધ્યક્ષતા કરવાની હતી. આ બેઠક લક્ષદ્વીપ અને અંદમાન ખાતે વારાફરતી થવાની હતી.
તેમની સોથે કોઈપણ વિદેશી ન હતા. હું (રિટાયર્ડ એડમિરલ) ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ સધર્ન નેવલ કમાન્ડ (કોચ્ચિ) પણ આઈએનએસ વિરાટ પર સવાર થયો. ફ્લીટ અભ્યાસ હેઠળ આઈએનએસ વિરાટની સાથે ચાર અન્ય યુદ્ધજહાજો પણ હતા. ફ્લેગ ઓફિસર તરીકે મે આઈએનએસ વિરાટ પર તેમના માટે ડિનર રાખ્યું હતું. તેના સિવાય વિરાટ પર અથવા તે સમયે કોઈ અન્ય જહાજ પર અન્ય કોઈપણ પાર્ટી થઈ ન હતી.
નિશ્ચિતપણે હેલિકોપ્ટરથી તેઓ શોર્ટ ટ્રિપ્સ પર આઈલેન્ડ્સ પણ ગયા હતા. જ્યાં તેઓ સ્થાનિક અધિકારીઓ અને લોકોને મળ્યા હતા. (સત્તાવાર રીતે વડાપ્રધાન સર્વિસ એરક્રાફ્ટથી પોતાની પત્નીની સાથે પ્રવાસ કરી શકે છે.) હું જાણું છું કે માત્ર રાજીવ અને સોનિયા હેલિકોપ્ટરથી કિનારે ગયા હતા અને રાહુલ ક્યારેય તેમની સાથે નથી ગયા.
છેલ્લા દિવસે બંગારામ પર તેમના પ્રવાસ દરમિયાન વડાપ્રધાનની સુરક્ષા માટે નેવીએ કેટલાક મરજીવાઓને પણ મોકલ્યા હતા.
આ મીટિંગ્સ અને કાર્યક્રમ ડિસેમ્બર-1987માં થયા હતા. વેસ્ટર્ન ફ્લીટે વાર્ષિક કવાયતના કાર્યક્રમમાં પહેલા જ વિમાનવાહક જહાજ સાથે અરબી સમુદ્રમાં અભ્યાસની યોજના બનાવી હતી. આ અધિકારીઓ અને અન્ય લોકો માટે પોતાના પીએમ સાથે સંવાદ કરવાનો પણ મોકો હતો. તેમણે સંબોધન કર્યું હતું અને નેવલ કસ્ટમ હેઠળ બડા ખાનાનું પણ આયોજન થયું હતું.
મે તે રાત્રે વડાપ્રધાન માટે ડિનર રાખ્યું હતું અને તેની પુષ્ટિ માટે એક તસવીર પણ છે.
કોઈપણ જહાજ ગાંધી પરિવારના અંગત ઉપયોગ માટે ડાયવર્ટ કરવામાં આવ્યું ન હતું.
માત્ર એક નાનકડું હેલિકોપ્ટર પીએમ અને તેમના પત્નીની ઈમરજન્સી મેડિકલ જરૂરિયાતો પૂર્ણ કરવા મટે કાવારત્તી ગયું હતું.
એડમિરલે કહ્યુ છે કે તેમના દ્વારા આ નિવેદન સહકર્મીઓ- એડમિરલ અરુણ પ્રકાશ, વાઈસ એડમિરલ વિનોદ પસરીચા અને વાઈસ એડમિરલ મદનજીતસિંહની ઈમેલ પ્રતિક્રિયાઓને સામેલ કર્યા બાદ જાહેર કરવામાં આવ્યું છે.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

