1. Home
  2. ગુજરાતી
  3. હવે વકીલોએ સમયમર્યાદામાં પૂરી કરવી પડશે દલીલોઃ સુપ્રીમ કોર્ટ
હવે વકીલોએ સમયમર્યાદામાં પૂરી કરવી પડશે દલીલોઃ સુપ્રીમ કોર્ટ

હવે વકીલોએ સમયમર્યાદામાં પૂરી કરવી પડશે દલીલોઃ સુપ્રીમ કોર્ટ

0
Social Share

નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2025: દેશની સર્વોચ્ચ અદાલતમાં કેસોના ઝડપી નિકાલ અને ન્યાયિક પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. સુપ્રીમ કોર્ટે વકીલો માટે મૌખિક દલીલો રજૂ કરવા અને લેખિત નોંધ જમા કરાવવા માટે કડક સમયમર્યાદા નક્કી કરી છે, જે માટે વિગતવાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે.

  • ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવાનો ઉદ્દેશ્ય

મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશોએ એક નોટિસ જાહેર કરી હતી. આ નોટિસ મુજબ, કોર્ટના કામકાજમાં સુધારો લાવવા અને સુનાવણી દરમિયાન સમયનો બચાવ કરવા માટે તમામ વકીલોએ હવે નિશ્ચિત સમય મર્યાદામાં જ પોતાની વાત રજૂ કરવાની રહેશે. આ નવી વ્યવસ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે.

  • SOP ની મુખ્ય જોગવાઈઓ

સમયમર્યાદાની પૂર્વ જાણકારી: વરિષ્ઠ વકીલો અથવા રેકોર્ડ પરના વકીલોએ (AoR) સુનાવણી શરૂ થવાના ઓછામાં ઓછા એક દિવસ પહેલાં જણાવવું પડશે કે તેઓ મૌખિક દલીલો માટે કેટલો સમય લેશે. આ માહિતી ઓનલાઇન પોર્ટલ દ્વારા કોર્ટને સબમિટ કરવાની રહેશે.

લેખિત દલીલોની મર્યાદા: વકીલોએ તેમની લેખિત દલીલો વધુમાં વધુ પાંચ પાનામાં જ રજૂ કરવાની રહેશે.

બીજા પક્ષને નકલ આપવી અનિવાર્ય: સુનાવણીની તારીખના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલાં લેખિત દલીલોની નકલ વિરોધી પક્ષના વકીલને આપવી ફરજિયાત રહેશે.

કડક અમલ: તમામ વકીલોએ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદાનું કડક પાલન કરવાનું રહેશે અને તે જ સમયગાળામાં પોતાની મૌખિક રજૂઆત પૂર્ણ કરવાની રહેશે.

સુપ્રીમ કોર્ટના ચાર રજિસ્ટ્રાર દ્વારા હસ્તાક્ષર કરાયેલા આ નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સમયમર્યાદાની જાણકારી ઓનલાઇન પોર્ટલના માધ્યમથી જ આપવાની રહેશે. આ ફેરફારથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોના ભારણને ઓછું કરવામાં અને સુનાવણી દરમિયાન થતા બિનજરૂરી વિલંબને રોકવામાં મોટી મદદ મળશે તેમ માનવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code