1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. “પુલકભાઈ તો ગાંધીનગરનું શબ્દ ઘરેણું છે” : રીટાબેન પટેલ
“પુલકભાઈ તો ગાંધીનગરનું શબ્દ ઘરેણું છે” : રીટાબેન પટેલ

“પુલકભાઈ તો ગાંધીનગરનું શબ્દ ઘરેણું છે” : રીટાબેન પટેલ

0
Social Share

અમદાવાદઃ ગાંધીનગર સાહિત્ય સભા અને ગાંધીનગર જિલ્લા ગ્રંથાલયના સંયુક્ત ઉપક્રમે જાણીતા કોલમિસ્ટ અને સર્જક પુલક ત્રિવેદીના પુસ્તકો ‘સ્પંદન’ અને ‘પમરાટ’ તેમજ ડો. કેવલ ત્રિવેદીના પુસ્તક ‘સમગ્રતયા ગુજરાત’ પુસ્તકનું વિમોચન યોજાયું હતું. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, નવગુજરાત સમયના તંત્રી અજયભાઇ ઉમટ, જાણીતા સર્જક માધવ રામાનુજ, ગાંધીનગર સાહિત્ય સભાના પ્રમુખ રમેશભાઈ ઠકકર સહીત મોટી સંખ્યામાં સાહિત્યકારો અને સર્જકો ઉપસ્થિત રહ્યાં હતા.

ધારાસભ્ય રીટાબેન પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે “સાહિત્યકારો અને સર્જકો વચ્ચે બેસીને તેમને સાંભળવા તે કે લ્હાવો હોય છે, જે આજે મને મળ્યો છે. ક્રાંતિ હંમેશા કલમથી જ આવી શકે છે માટે મારા મતે પુસ્તક વિમોચન કાર્યક્રમ એ ક્રાંતિ લાવવાનો કાર્યક્રમ છે.” આજકાલના મા-બાપ સંતાનોને માતૃભાષા ગુજરાતીમાં ભણાવતા નથી તેની ચિંતા વ્યક્ત કરતા કહ્યં કે “ગુજરાતમાં સરકારે બાળકોને ગુજરાતી ભણાવવું ફરજીયાત કરવા ખરડો લાવવો પડે તે દર્દનાક વાત છે.” આ કાર્યક્રમમાં અગ્ર સચિવ અશ્વિનીકુમારે પુલકભાઈ સાથેના માહિતી ખાતામાં કાર્યના સંસ્મરણો વાગોળતા જણાવ્યુ હતું કે “કોરોના મહામારી દરમ્યાન સરકાર સક્રિય અને નાગરિકોની સાથે છે તેવો વિશ્વાસ લોકોને અપાવવાની જવાબદારી માહિતી ખાતાએ નિભાવી હતી તેમાં મને પુલકભાઈનો સાથ મળ્યો હતો.”

આ પ્રસંગે તેમણે વિમોચિત પુસ્તકો લોકો માટે ઉપયોગી બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત નિર્મિત જિલ્લા ગ્રંથાલય ભવનનો યોગ્ય ઉપયોગ થઇ રહ્યો હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ તેમની હળવી શૈલીમાં જણાવ્યું હતું કે “પુલકભાઈએ માહિતી ખાતામાં રહીને વાંચન અને અવલોકનની ખુબ સારી ટેવ કેળવી છે, તેમણે આગળ વધવાનો માર્ગ શોધી લીધો છે.”

નવગુજરાત સમયના તંત્રી અજયભાઇ ઉમટે કહ્યું હતું કે “પુલકભાઈના લખાણમાં હંમેશા હકારાત્મકતા તો હોય છે તે સાથે સાથે ટૂંકું અને સચોટ લખાણ હોય છે જે વાચકોને જલ્દી સમજાય છે. અમે વાચકો તરીકે નસીબદાર છીએ કે તેમના સ્પંદન અમને ઝીલવા મળે છે.” જાણીતા સર્જક માધવ રામાનુજે પિતા-પુત્રની બેલડીને સમાજને ઉપયોગી થાય તેવું સાહિત્ય વધુને વધુ પીરસતા રહો તેવી શુભકામના પાઠવી હતી. કાર્યક્રમમાં ગાંધીનગર સાહિત્ય સભાના પ્રમુખ રમેશભાઈ ઠકકર સહીત મોટી સંખ્યામાં સાહિત્યકારો અને સર્જકો ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું રસપ્રદ સંચાલન તુષાર ત્રિવેદીએ કર્યુ હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code