અંબાજી-દાંતા રોડ પર ત્રિશુલિયા ઘાટ નજીક એક જ દિવસે ત્રણ અકસ્માત સર્જાયા : બેનાં મોત
અંબાજીઃ બનાસકાંઠા જિલ્લાના અંબાજી-દાંતા રોડ પર આવેલા ત્રિશુલિયા ઘાટ નજીક શનિવારે અકસ્માતોની વણઝાર સર્જાઈ હતી. ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં બે જણાનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવોને કારણે સમગ્ર વિસ્તારમાં શોક ફેલાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ અકસ્માત મોડી રાત્રે દાંતા તાલુકાના પુંજપુર પેટ્રોલ પંપ પાસે બન્યો હતો. ઝડપી ગતિએ દોડતી એક પીકઅપ વાને બાઇકને ટક્કર મારતાં બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક રાજસ્થાનનો રહેવાસી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. બીજી ઘટના ત્રિશુલિયા ઘાટ નજીક બની હતી. અંબાજી તરફથી આવી રહેલું એક ટ્રેલર અચાનક પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
ત્રીજી ઘટનામાં દાંતા તરફ જઈ રહેલા ટ્રકની બ્રેક અચાનક ફેલ થઈ જતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બાદ ટ્રકે રસ્તા પર ઊભેલા પોલીસનાં વાહનોને અડફેટે લેતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ત્રણેય અકસ્માતોની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને અકસ્માતોની વિગતવાર તપાસ હાથ ધરાઈ છે. ત્રિશુલિયા ઘાટ વિસ્તારમાં બનેલી આ દુર્ઘટનાઓથી શોકનું મોજું ફેલાઈ ગયું છે.


