મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં 21 દિવસના મહાવિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ
(અલકેશ પટેલ) અમદાવાદ, 22 ડિસેમ્બર, 2025ઃ Memnagar Swaminarayan Gurukul શહેરના મેમનગરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં 21 દિવસના મહાવિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ થયો છે. સનાતન પરંપરા મુજબ આ યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુરુકુળના વિશાળ પ્રાંગણમાં આ માટે યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, આ તમામ યજ્ઞકુંડો તૈયાર કરવા માટે દેશના 1008 તીર્થસ્થાનોની માટી લાવવામાં આવી હતી અને વૈદિક પરંપરા અનુસાર તે તૈયાર કરવામાં આવ્યા છે.
પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શનમાં આજે પોષ સુદ બીજને સોમવારે (22 ડિસેમ્બર, 2025) શરૂ થયેલા આ મહાયજ્ઞનું સમાપન પોષ વદ આઠમને રવિવાર તા. 11 જાન્યુઆરી, 2026ના રોજ થશે.
આ અગાઉ ભવ્ય ૫૧ કુંડી ‘મહાવિષ્ણુયાગ’ના યજ્ઞશાળા નિર્માણ પૂર્વે, ૨૧ નવેમ્બર ૨૦૨૫ના શુભ દિને ‘૧૦૦૮ તીર્થોની માટી યાત્રા’નું આયોજન થયું કરવામાં આવ્યું હતું.
આ માટે છ માસના લાંબા સમયગાળા દરમિયાન, ગુરુકુલના કર્મઠ સ્વયંસેવકોએ ઉત્તરમાં બદરીનાથના હિમાચ્છાદિત શિખરોથી માંડીને દક્ષિણમાં રામેશ્વરમના સાગર કિનારા સુધી અને પૂર્વમાં જગન્નાથપુરીના રથોત્સવની ભૂમિથી પશ્ચિમમાં દ્વારકાધીશની નગરી સુધીની અખંડ યાત્રા ખેડી હતી. આ યાત્રામાં અનેક તીર્થો, પુણ્યસલિલા નદીઓ અને પવિત્ર સરોવરોની માટીનું ભક્તિભાવપૂર્વક સંકલન કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં આ માત્ર માટીનો સંગ્રહ નહોતો, પણ ભારતની આત્મિક ધરોહરનો ઐતિહાસિક સંગમ હતો. જેની સાક્ષીએ આજથી અહીં શ્રી મહાવિષ્ણુયાગ યજ્ઞનો શુભારંભ થયો છે.


