
રાજકોટ રેલવે ડિવિઝને વર્ષ 2023-24માં 2276.44 કરોડની આવકથી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી
રાજકોટઃ પશ્વિમ રેલવેમાં રાજકોટ ડિવિઝન કમાણીમાં મહત્વનું સાબિત થઈ રહ્યું છે. રાજકોટ રેલવે ડિવિઝને વર્ષ 2023-24માં 2276.44 કરોડની આવક કરીને અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. દર વર્ષની જેમ આ વખતે પણ રાજકોટ ડિવિઝન દ્વારા નૂર પરિવહનમાંથી સૌથી વધુ આવક મેળવીને નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનની કુલ આવકમાં પણ 11.28 ટકાનો તોતિંગ વધારો થયો છે. ડીઆરએમ દ્વારા તમામ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને તેની નિષ્ઠાપૂર્વકની કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝને વર્ષ 2023-24 દરમિયાન દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. વર્ષમાં રૂ. 2276.44 કરોડની નોંધપાત્ર વાર્ષિક આવક મેળવી છે. જે નાણાકીય વર્ષ 2022-23ની 2045.60 કરોડની વાર્ષિક આવક કરતાં 11.28% એટલે 230 કરોડ રૂપિયા વધુ છે. આ 2276.44 કરોડની આ આવકમાંથી મહત્તમ રૂ. 1871.12 કરોડની આવક નૂર ભાડાથી થઈ છે. જે એક નવો રેકોર્ડ છે. ઉપરાંત રેલવેને રૂ. 374.12 કરોડ પેસેંજર આવકથી અને રૂ. 31.20 કરોડ પાર્સલ સહિત અન્ય સ્ત્રોતમાંથી પ્રાપ્ત થઈ છે.
પશ્વિમ રેલવેના સૂત્રના જણાવ્યા મુજબ રાજકોટ ડિવિઝને 2023-24માં નૂર પરિવહનમાંથી રૂ. 1871.12 કરોડની આવક હાંસલ કરી છે. જે ગયા વર્ષની રૂ. 1690.30 કરોડની સરખામણીએ 10.70% એટલે કે રૂ. 180.82 કરોડ વધુ છે. પેસેંજર આવકમાંથી 2023-24માં રૂ. 374.12 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. જે ગયા વર્ષની રૂ. 321.99 કરોડની સરખામણીએ કુલ 16.20% એટલે કે રૂ. 52.13 કરોડ વધુ છે. આ વર્ષે રાજકોટ ડિવિઝનમાંથી કુલ 1.05 કરોડ જેટલા લોકોએ મુસાફરી કરી છે અને રેલવેની સેવાઓનો લાભ લીધો છે.