
ઝારખંડના જામતારાથી કસ્ટમર કેરના નામે ફોન કરીને લોકોને છેતરતી ગેન્ગના 7 શખસો પકડાયાં
સુરત : લોકોને મોબાઈલ પર ફોન કરીને બેન્કમાંથી બોલું છું, કહીને ઓટીપી મેળવીને ઠગતી ગેન્ગના સાત શખસોને સુરતની ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડના જામતારા જઈને દબોચી લીધા હતા. જામતારા શહેર મિરઝાપુર તરીકે ઓળખાય છે. અહીંના લોકો દ્વારા ગુનાખોરીની દુનિયામાં અલગ જ મોરસ ઓપરેન્ડીથી ગુના કરવામાં આવે છે. અલગ અલગ કુરિયર કંપનીના બોગસ કસ્ટમર કેર નંબર ગુગલ પર મુકીને લોકોને છેતરતી આંતરરાજ્ય ગેંગના 7 લોકોને સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝારખંડના જામતારાથી ઝડપી પાડવામાં આવ્યા હતા. તમામની પુછપરછમાં પોલીસને જાણવા મળ્યું છે કે, દેશના 744 લોકો પાસેથી દોઢ કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો ખુલાસો થયો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ આ ટોળકીએ સૌથી વધુ ઉત્તરપ્રદેશના 106, ગુજરાતના 27, રાજસ્થાનના 18 સહિત વિવિધ રાજ્યોના 744 લોકો સાથે છેતરપિંડી આચરી હતી. સેવિંગ એકાઉન્ટની 17 કીટ કબજે લેવાઇ હતી. સમગ્ર મામલે પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, સુરતના ન્યુ સિટીલાઈટ રોડના શિવાલિક એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષીય સુમન પટેલે પત્નીનું પાનકાર્ડ વેલેક્ષ કુરિયર કંપની મારફતે મંગાવ્યું હતું. પાનકાર્ડ નહીં આવતા ગુગલ પર કંપનીનો કસ્ટમર કેર નંબર શોધી ફોન કર્યો હતો. તો સામેવાળી વ્યક્તિએ સુમન પટેલને એક લિંક મોકલી હતી. આ લિંક ઓપન કરતાની સાથે જ સુમન પટેલના 1.63 લાખ રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા હતા. જેથી તેમને સુરત સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કરાવ્યો હતો. ગુનો દાખલ થયા બાદ સાઇબર ક્રાઇમ પોલીસ સક્રિય થઈ હતી. ઠગાઇની આખી ચેન સુધી પહોંચી ગઈ હતી. પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી. ગુગલ પર જે કસ્ટમર કેર નંબર મુકી છેતરપિંડી કરાતી હતી તે મોબાઇલ નંબરને બ્લોક કરવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અલગ અલગ કુરિયર કંપનીના મોબાઇલ નંબરો લઇ તે અંગેનો એક રિપોર્ટ તૈયાર કરી ગુગલમાં મોકલવામાં આવ્યો છે. ફ્રોડ ટોળકીના સૂત્રધારે સુરતમાં રહેતા કૌશિક બાબુભાઇ નિમાવત અને તેની પત્ની શિલ્પાનો સંપર્ક કર્યો હતો. કૌશિક અને શિલ્પાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ટોળકી જે કોઇ વ્યક્તિને પોતાની ઠગાઇનો શિકાર બનાવતી તેના રૂપિયા સીધા જ કૌશિક અને શિલ્પાના ખાતામાં જમા થતા હતા. પોલીસે આ બેંક એકાઉન્ટ પણ સીઝ કરશે.
મહત્વનું છે કે સાયબર ક્રાઇમ પોલીસે સુમનને જે મોબાઇલ નંબરથી લીંક આવી હતી તેના તેમજ રૂપિયા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા, તેની આઇડીના આધારે તપાસ કરતાં એક કોમન મોબાઇલ નંબર મળ્યો અને એક કોમન એકાઉન્ટ નંબર મળ્યો હતો. આ તમામ મોબાઇલ નંબર ઝારખંડના જામતારાથી ઓપરેટ થતા હતા. કુરિયર કંપનીના નામે જ અન્ય રાજ્યના લોકો પણ ભોગ બન્યાની માહિતી સામે આવતા સાયબર ક્રાઇમની ટીમે જામતારાથી સિરાઝ અન્સારીને પકડી પાડ્યો હતો. તેની પુછપરછ બાદ પોલીસે નાઝીર અંસારી, આરીફ કરમુલમીંયા અંસારી, હેંમતકુમાર સંપતીરામ જગેશ્વર, અરવિંદ મનજીભાઇ જમોડ, અજય પરસોત્તમભાઇ મકવાણા અને કૌશિક બાબુભાઇ નિમાવત અને તેની પત્ની શિલ્પાને પકડી પાડ્યા હતા. પોલીસે કરેલી પૂછપરછમાં આ ફ્રોડ ટોળકીએ યુપીના 106 લોકો, ગુજરાતના 27 લોકો, રાજસ્થાનના 18, મહારાષ્ટ્રના 14, દિલ્હીના 20, આંધ્રપ્રદેશના 2, બિહારના 4, ચંદીગઢના 3, છત્તીસગઢના 4, હરિયાણાના 4, મધ્યપ્રદેશના 2, ઓડિસ્સાના 4, પંજાબના 7, તમીલનાડુના 8, ઉત્તરાખંડના 5, પશ્ચિમબંગાળના 3, હિમાચલ પ્રદેશના 1, કેરેલાના 1, કર્ણાટકના 1 અને અન્ય 12 લોકોને છેતર્યા હતા.