 
                                    અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ, સરકારનું ફરમાન છતાં તબીબો હોસ્ટેલ ખાલી કરતાં નથી
અમદાવાદ : શહેરના અસારવા વિસ્તારમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળનો બુધવારે આઠમો દિવસ હતો. ત્યારે બી.જે. મેડિકલ કોલેજના ડીન તરફથી હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટર તેમજ ઇન્ટર્ન ડોક્ટરોને 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા ફાઈનલ નોટિસ આપી દેવાઈ હતી. જોકે, બુધવાર સાંજ સુધીમાં એક પણ રેસિડન્ટ તબીબોએ હોસ્ટેલ ખાલી કરી નથી. બીજી તરફ 50 ટકા મહિલા ડોક્ટરો હોવાથી હોસ્ટેલ ખાલી કરવાનો મામલો પણ ગુંચવાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની છ સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો 15 જૂનથી હડતાળ પર ઉતર્યાં છે. સિનિયર રેસીડેન્સીને બોન્ડમાં સમાવવાની માંગણીને લઈ સતત આઠ દિવસથી હડતાળ ચાલું છે. રેસિડેન્ટ ડોકટરોની હડતાળને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં રોજિંદા જ્યાં 140 ઓપરેશન થતા હતા, તેને બદલે હાલ માત્ર 60 ઓપરેશન થઈ રહ્યા છે. હડતાળને પગલે છેલ્લા પાંચ દિવસમાં 60 ટકા જેટલા ઓપરેશન રદ કરવાની ફરજ પડી છે. છેલ્લા એક અઠવાડિયામાં શહેરની સિવિલ હોસ્પિટલમાં અંદાજે 450 જેટલા ઓપરેશન રદ્દ કરવા પડ્યા છે. ત્રણ વર્ષની રેસિડેન્સીના 36 મહિનામાંથી 17 મહિના કોવિડ મહામારીમાં કામ કરવા બદલ એક વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્સીમાં ગણવા માગ કરાઈ રહી છે. હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટરોએ ઓપીડી, વોર્ડ ડ્યુટી, ઈમરજન્સી સેવાઓ પણ બંધ કરી છે. જેના પગલે હડતાળ પર રહેલા રેસિડેન્ટ ડોક્ટર્સ, જુનિયર ડોક્ટર્સ અને ઇન્ટર્ન ડોક્ટરોને હોસ્ટેલ ખાલી કરવા અથવા હડતાળ સમેટી લેવા અંતિમ ચેતાવણી અપાઈ છે. રેસિડેન્ટ ડોક્ટરોને ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા સમર્થન જાહેર કરાયુ છે. જો કે હોસ્ટેલ ખાલી કરવાના આદેશ બાદ પણ રેસિડેન્ટ ડોક્ટરો એમની માગ પર અડગ રહ્યા છે. બુધવારે સાંજ સુધીમાં હોસ્ટેલ ખાલી કરવા અલ્ટીમેટમ આપ્યું હતું, પણ હજી સુધી એક પણ તબીબે હોસ્ટેલ ખાલી કરી નથી. (file photo)
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

