
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ ભાજપ અને આપ’ વચ્ચે છે, કોંગ્રેસ ચિત્રમાં જ નથી, કેજરિવાલ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ચાર-પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ગર અઠવાડિયે કેજરિવાલ ચૂંટણી પ્રચારાર્થે આવે છે. બોડેલીમાં આપ’નું જનસંમેલન રવિવારે યોજાયું હતું જેમાં કેજરિવાલે ભાજપની સાથે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ખરાખરીનો જંગ છે, કોંગ્રેસ તો ચિંત્રમાં જ નથી. ગુજરાતમાં અમે ચૂંટણી જીતીને સત્તા પર આવીશું તો 10 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપીશું, દરેક પરિવારના 300 યુવિટ મફતમાં વીજળી આપીશું, તેમજ ગરીબોને મફતમાં ઘર આપીશું.
બોડેલીના એપીએમસી મેદાનમાં આમ આદમીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે લોકો અરવિંદ કેજરીવાલને જોવા તેમજ સાંભળવા માટે આવ્યા હતા. સભા દરમિયાન વરસાદ શરૂ થતાં સભામાં પાછળના ભાગે બેઠેલા લોકોએ ખુરશીઓ માથે મૂકીને અરવિંદ કેજરીવાલને સાંભળ્યા હતા. કેજરીવાલે આદિવાસી વિસ્તારના લોકો માટે પેસા એક્ટ લાગુ કરવાની, ટ્રાઈબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન પદે આદિવાસી સમાજના વ્યક્તિને બેસાડવાની, ૩૦૦ યુનિટ વીજળી મફતમાં આપવાની અને અગાઉના બાકી બિલ માફ કરવાની તેમજ ગરીબ લોકોને મફતમાં ઘર આપવાની જાહેરાત પણ કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી પણ જોરશોરથી તૈયારીઓમાં શરૂ કરી દીધી છે. ત્યારે આદિવાસી પટ્ટામાં હાથ અજમાવવા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેજરીવાલે સભામાં લઠ્ઠાકાંડ, પેપરલીક, વીજળી, રોજગાર મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વિપક્ષ કોંગ્રેસ વિશે કહ્યું કે આ જંગ ભાજપ અને આપ વચ્ચે છે, આ વખતે કોંગ્રેસને એક પણ સીટ મળવી ન જોઈએ. પંજાબ-દિલ્હીમાં જેમ ગુજરાતનો પણ વિકાસ કરીશું, ગુજરાતીઓ માટે 10 લાખ સરકારી નોકરી લાવીશું અને તેમાં આદિવાસીને ખાસ પ્રાધાન્ય અપાશે. દરમિયાન કેજરીવાલે વડોદરા જણાવ્યું હતું કે, ‘ભાજપ-કોંગ્રેસની ઇલુ-ઇલુની રાજનીતિ ખતમ થઇ જશે, હવે જનતાની રાજનીતિ જ ચાલશે, આ ચૂંટણીમાં આપ-ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે. આપ સત્તામાં આવશે તો દરેક ગુજરાતી મુખ્યમંત્રી બનશે. અમારી પાર્ટી દેશની પહેલી ઇમાનદાર પાર્ટી છે.