 
                                    સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામમાં ખેતીની જમીનના માલીકીના પ્રશ્ને બે જૂથ બાખડી પડતા સગા બે દલિત ભાઈની હત્યા થતાં ચકચાર મચી ગઈ હતી. મૃતકો દલિત હોવાથી કોંગ્રેસ અને ભાજપાના દલિત નેતાઓ પણ હોસ્પિટલ દાડી જતાં રાજકિય માહોલ પણ ગરમાયો હતો. રેન્જ આઈજી સહિત પોલીસના પણ ધાડેધાડા ઉતરી પડ્યા હતા. આ બનાવને ગંભીર ગણીને ચુડા પોલીસ સ્ટેશનના બન્ને પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અગાઉ પ્રોટેક્શનની અરજી પોલીસમાં કરાઇ હતી, પરંતું પોલીસની બેદરકારી થઇ હોવાની વાત રેન્જ આઇજીએ સ્વીકારી હતી.
ચુડા તાલુકાના સમઢિયાળા ગામમાં જૂથ અથડામણની ઘટનામાં ઇજાગ્રસ્ત પૈકી 2 આધેડનાં સારવાર દરમિયાન મોત થયાં છે. જેથી આ જૂથ અથડામણની ઘટના હત્યામાં ફેરવાઈ છે. જમીન ખેડવા મુદ્દે બે અલગ અલગ જ્ઞાતિનાં જૂથો સામસામે બાખડી પડ્યાં હતાં. તલવાર, ધારિયા સહિતનાં હથિયારોથી હુમલો કરાયો હતો. આ ઘટનામાં 2 આધેડના સારવાર દરમિયાન મેડિકલ કોલેજમાં મોત થયાં છે. એકસાથે 2 હત્યાના બનાવને લઈ હોસ્પિટલ ખાતે અનુસૂચિત સમાજના આગેવાનો એકત્રિત થયા હતા. ભારે તંગદિલીભર્યા વાતાવરણ વચ્ચે DYSP લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો પણ પહોંચી ગયો હતો. આ જૂથ અથડામણમાં એક મહિલા સહિત ચારથી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે ચૂડા તાલુકાના સમઢીયાળા ગામના 60 વર્ષના આધેડ પારૂલબેન ખોડાભાઇ પરમારે સમઢીયાળા ગામના જ અમરાભાઇ હરસુભાઇ ખાચર, નાગભાઇ હરસુભાઇ ખાચર, જીલુભાઇ ઉર્ફે ઘુઘાભાઇ અમરાભાઇ ખાચર, મગળુભાઇ અમરાભાઇ ખાચર, ભીખુભાઇ ભોજભાઇ ખાચર ( આ તમામ પાંચેય આરોપીઓ રહે- સુદામડા, તા- સાયલા, જિલ્લો- સુરેન્દ્રનગર) અને ભાણભાઇ ( રહે- સમઢીયાળા, તા-ચૂડા, જિલ્લો- સુરેન્દ્રનગર ) અને અન્ય 12થી 15 અજાણ્યા ઇસમો વિરુદ્ધ સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ એમની વડીલો પાર્જીત જમીનમાં આરોપીઓએ ફરીયાદી અને સાહેદોને અવારનવાર ધાક ધમકીઓ આપી તેઓની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા માંગતા હોઇ અવારનવાર ઝઘડાઓ કરતા હતા. સમઢીયાળા ગામે પોતાની વાડીએ આવેલા દલિત પરિવાર પર આરોપીઓ લાકડી અને ધારીયાઓ સાથે તૂટી પડ્યાં હતા. આ ઘટનામાં આરોપીઓએ એકસંપ કરી લાકડીઓ અને ધારીયા વડે જીવલેણ હુમલો કરી મહિલાઓ સહિતના પરિવારજનોને નાની મોટી ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી અને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. તેમજ નંદીનીબેન ઉપર મરચાની ભૂકી ઉડાડી હતી. તેમજ 60 વર્ષના આલજીભાઇ પ્રેમજીભાઇ પરમાર અને એમના સગા નાના ભાઇ 54 વર્ષના મનોજભાઇ પ્રેમજીભાઇ પરમાર ઉપર લાકડીઓ અને ધારીયા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખી મોતને ઘાટ ઉતારી દીધા હતા. બન્ને મૃતકોને પીએમ માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલ લવાતા ભાજપ અને કોંગ્રેસના દલિત આગેવાનો દાડી ગયા હતા.રાજકિય માહોલ પણ ગરમાયો હતો.
આ ઘટના બાદ ટ્રેક્ટર ચાલકે 108 એમ્બ્યુલન્સ વાનને ફોન કરતા 3 એમ્બ્યુલન્સ વાનમાં તમામ ઇજાગ્રસ્તોને તાકીદે સારવાર અર્થે સુરેન્દ્રનગર ટી.બી.હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં દલિત પરિવારની મહિલાઓ નંદીનીબેન અને શાંતાબેનની હાથની આંગળીઓ કપાઇ જતા હાથે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી સારવાર અર્થે તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 20થી વધુ લોકોના ટોળાએ લાકડીઓ અને ધારીયા વડે ઘાતક હુમલો કરી વાડીના સીસીટીવી તોડી નાંખીને મૃતક બંને ભાઇઓ પાસે વાડીમાં તાર ફેન્સિંગ માટે રાખેલા રૂ. એક-એક લાખ મળી કુલ રૂ. બે લાખ પણ લઈ ગયા હતા. જે બાદ ફરાર થઇ ગયા હતા. સુરેન્દ્રનગર ડીવાયએસપી એચ.પી.દોશી સહિત સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતની ટીમે સમઢીયાળા ગામે ધામા નાખી નાસી છૂટેલા આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

