1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જીવનમાં સકારાત્મક અને સર્જનાત્મક કાર્યો કરવા યુવાનોને રાજ્યપાલ આચાર્યએ આપી શીખ
જીવનમાં સકારાત્મક અને સર્જનાત્મક કાર્યો કરવા યુવાનોને રાજ્યપાલ આચાર્યએ આપી શીખ

જીવનમાં સકારાત્મક અને સર્જનાત્મક કાર્યો કરવા યુવાનોને રાજ્યપાલ આચાર્યએ આપી શીખ

0
Social Share

ગાંધીનગરઃ પંજાબના જલંધરની ડીએવી યુનિવર્સિટીએ  ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીને પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ ડૉક્ટર ઑફ ફિલોસૉફી (Ph.D.) ની માનદ્ ડિગ્રી અર્પણ કરી છે. જલંધરમાં ગુરૂવારે ડીએવી યુનિવર્સિટીના કુલાધિપતિ પદ્મશ્રી ડૉ. પૂનમ સુરીએ પીએચ.ડી.ની માનદ્ ઉપાધિ એનાયત કરી હતી. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આ સન્માન બદલ પ્રસન્નતા વ્યક્ત કરીને ડીએવી વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ અને વ્યવસ્થાપક મંડળ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

પંજાબ રાજ્યના જલંધરમાં ડીએવી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં પીએચ.ડી.ની માનદ્ ઉપાધિનો સ્વીકાર કરતાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ડીએવી વિશ્વવિદ્યાલયે શિક્ષણ અને સંસ્કાર દ્વારા યુવાનોનું ઉત્તમ જીવન નિર્માણ કરીને માનવતાની મોટી સેવા કરી છે. અધ્યાપકો-શિક્ષકો, છાત્રો અને માતા-પિતાઓ જો પૂરી પ્રમાણિકતાથી પોતાની જવાબદારી નિભાવે તો યુવાનોમાં સૂર્ય જેવી તેજસ્વીતા, દૈદિપ્યતા, ઊર્જા અને તેજ પ્રસ્ફુરિત થાય. તેમણે ડીએવી યુનિવર્સિટીના છાત્રોને જીવનમાં હંમેશા સત્યનું આચરણ કરવાની, કર્તવ્યનું પ્રમાણિકતાપૂર્વક પાલન કરવાની, આજીવન વિદ્યાર્થી રહીને પોતાના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરવા સતત તત્પર રહેવાની, પોતાના જ્ઞાનને જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને સમાજમાં વહેંચવાની તથા માતા-પિતા-ગુરુનો હંમેશા આદર કરવાની અને સારા માનવ બનવાની શિખામણ આપી હતી.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ અમૃતકાળમાં પાંચ પ્રણ આપ્યા છે, તેમાં ગુલામીની માનસિકતામાંથી હંમેશને માટે મુક્ત થવાની વાત છે. આપણું ભારત મહાન હતું, મહાન છે અને હંમેશા મહાન રહેશે. ભારત દેશ ગતિથી વિકાસ ભણી આગળ વધી રહ્યો છે. યુવા વૈજ્ઞાનિકોએ ચંદ્રયાનને ચાંદ પર પહોંચાડી દીધું અને હવે આપણે સૂર્ય તરફ આગળ વધી રહ્યા છીએ. આપણા દેશમાં આજે આપણે ફાઈટર પ્લેનનું નિર્માણ કરી રહ્યા છીએ. દર 20 દિવસે એક નવી ‘વંદે ભારત ટ્રેન’ દોડાવી રહ્યા છીએ. આગામી વર્ષોમાં આપણે વિશ્વમાં ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ, ત્યારે દરેક યુવાન આ દેશની ગરિમા અને ગૌરવની વૃદ્ધિ માટે પોતાનું યોગદાન આપવા અગ્રેસર થાય એ આજના સમયની માંગ છે. તેમણે દ્રષ્ટાંત સાથે સમજાવ્યું કે હંમેશાં સકારાત્મક અને સર્જનાત્મક કાર્ય કરજો, જીવનમાં નકારાત્મક-ખંડનાત્મક વૃદ્ધિથી હંમેશાં દૂર રહેજો. કારણ કે યુદ્ધમાં દુઃખ છે, શાંતિમાં જ સુખ છે.

ડીએવી વિશ્વવિદ્યાલય, જલંધર, પંજાબના કુલાધિપતિ પદ્મશ્રી ડૉ. પૂનમ સુરીએ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીનું ડૉક્ટર ઑફ ફિલોસૉફીની માનદ્ ઉપાધિથી સન્માન કરતાં કહ્યું હતું કે,  આચાર્ય દેવવ્રતજી ઉત્તમ મનુષ્ય છે. તેમનું જીવન સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે. તેઓ જન્મજાત ગવર્નર નથી, ઘણા સંઘર્ષો અને મુશ્કેલીઓનો સામનો કરીને, તકલીફો વેઠીને એક ઉત્તમ શિક્ષક-આચાર્ય તરીકે પ્રતિષ્ઠા મેળવીને સન્માન પામ્યા છે. દ્રઢ સંકલ્પ, નેક નિયત અને સખત પુરુષાર્થથી આચાર્ય દેવવ્રતજી પ્રેરણામૂર્તિ બન્યા છે. પ્રાકૃતિક કૃષિ ઉપરાંત સ્વચ્છતા અને નશામુક્તિ માટે તેમણે આપેલું યોગદાન પ્રશંસનીય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code