1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાના હોડી દુર્ઘટનાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરી સુઓમોટો, ગૃહ વિભાગને કર્યો આદેશ
વડોદરાના હોડી દુર્ઘટનાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરી સુઓમોટો, ગૃહ વિભાગને કર્યો આદેશ

વડોદરાના હોડી દુર્ઘટનાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરી સુઓમોટો, ગૃહ વિભાગને કર્યો આદેશ

0
Social Share

અમદાવાદઃ વડોદરામાં હરણી વિસ્તારમાં આવેલા લેકમાં ગઈ તા. 18મીએ હોડી ઊંધી વળી જતાં 12 બાળકો, બે શિક્ષિકા સહિત 14ના મોત નિપજ્યા હતા. આ કમનસિબ દૂર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડોદરા દોડી ગયા હતા. અને ઘટનાની તપાસ માટે કમિટી બનાવી હતી. દરમિયાન આ ઘટનાને મામલે હાઈકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી છે. HCના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ માયીનીની બેન્ચ દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. ત્યારે આ મામલે 29 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

વડોદરાની દૂર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ ઘટના અંગે સુઓમોટો લેવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારે હાઈકોર્ટે સમાચાર સંસ્થાઓના અહેવાલને ટાંકીને સુઓમોટો દાખલ કરી છે. વડોદરામાં હોડી દૂર્ઘટનામાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાનું મોત થયું હતું.  આ બનાવમાં 16 લોકોની કેપેસિટીવાળી બોટમાં શિક્ષકો સહિત 27 બાળકોને બેસાડ્યા હતા.

વડોદરા મ્યુનિ.કોર્પોરેશને  PPP  ધોરણે  બોટ ચલાવવા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પ્રથામિક તપાસમાં એવા અહેવાલો પણ મળ્યા હતા કે,  બોટિંગ સ્થળે કોઈ સલામતીના નિયમો પાળતા નહોતા. બોટિંગ કરનાર બાળકોને લાઇફ સેવિંગ જેકેટ પણ આપ્યા નહોતા. રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરી આ ઘટના અંગે એક્શન ટેકન રિપોર્ટ આપશે અને ગેજેટેડ ઓફિસર એફિડેવિટ ફાઈલ કરશે. આ સુઓમોટો પિટિશન ઉપર 29 જાન્યુઆરીએ ચીફ જજની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનિય છે. કે, વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે છ શખસની ધરપકડ કરી છે. આ દુર્ધટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર છે. બોટ ચલાવનારો નયન ગોહિલ તળાવ કિનારે સેવ- ઉસળની લારી ચલાવે છે. તો બીજી તરફ પોલીસને હરણી લેક ઝોનના ઘટના પાસેના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા. ત્યારે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code