 
                                    હૈદરાબાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ પર મોટી કાર્યવાહી, 3 કરોડના હવાલા રેકેટનો પર્દાફાશ
હૈદરાબાદ : તેલંગાણા પોલીસે પોતાની વિશેષ દળ ‘ઈગલ ફોર્સ’ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ સામે મોટી સફળતા મેળવી છે. પોલીસે 3 કરોડ રૂપિયાના ડ્રગ મની હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી નાઈજીરિયન નાગરિક ઓનેઇસી એસ્સોમચી કેનેથ ઉર્ફે મેકસવેલની ધરપકડ બાદ શક્ય બની, જે હૈદરાબાદમાં કોકેન અને MDMA વેચતો હતો.
પોલીસે મેકસવેલના 150થી વધુ લેવડદેવડની તપાસ કરી અને આ વિશાળ નેટવર્ક બહાર આવ્યું છે. આ ગેંગ નાઈજીરિયન ડ્રગ તસ્કરોની તરફથી ભારતમાં વેચાયેલા ડ્રગ્સની કમાણી હવાલા મારફતે વિદેશ મોકલતો હતો. પોલીસે જણાવ્યું કે આ પૈસાનો ઉપયોગ મુંબઈ અને ચેન્નાઈમાંથી કપડા, માનવીના વાળ અને કિરાણા સામાન ખરીદવા માટે થતો હતો, જેને બાદમાં સમુદ્રી કાર્ગો મારફતે લાગોસ મોકલવામાં આવતું હતું. તપાસ દરમ્યાન પોલીસે ઉત્તમ સિંહ અને ચેતન મામાનિયા જેવા હવાલા કિંગપિનને પકડી પાડ્યા હતા. ખાસ કરીને ઉત્તમ સિંહ દરરોજ ગોવામાં નાઈજીરિયન તસ્કરો પાસેથી આશરે 25 લાખની ડ્રગ મની એકત્ર કરતો અને દર અઠવાડિયે 2.1 કરોડ રૂપિયાની રકમ હવાલા મારફતે વિદેશ મોકલતો હતો.
આ ઓપરેશન માટે પોલીસે 24 વિશેષ ટીમો બનાવી હતી. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ગોવા અને દિલ્હી ખાતે કરાયેલા દરોડામાં કુલ 20 લોકોને પકડી પાડવામાં આવ્યા. અત્યાર સુધી આ કેસમાં 50 આરોપીઓને અટકાયત કરવામાં આવી છે. પોલીસે દરોડા દરમ્યાન 3 કરોડ રોકડ સાથે અનેક વસ્તુઓ જપ્ત કરી છે.
છેલ્લાં કેટલાંય વર્ષોમાં તેલંગાણામાં 353થી વધુ વિદેશી નાગરિકોને ડ્રગ તસ્કરીના કેસોમાં પકડી પાડવામાં આવ્યા છે, જેમાં મોટા ભાગના નાઈજીરિયન છે. આ તસ્કરો વારંવાર ફેક ઓળખ અને અનેક પાસપોર્ટનો ઉપયોગ કરી ભારતમાં પ્રવેશ કરે છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

