1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમિત શાહના હસ્તે શાંતિપુરા-ખોરજ GIDC રોડના છ-માર્ગીયકરણનું ખાતમુહૂર્ત
અમિત શાહના હસ્તે શાંતિપુરા-ખોરજ GIDC રોડના છ-માર્ગીયકરણનું ખાતમુહૂર્ત

અમિત શાહના હસ્તે શાંતિપુરા-ખોરજ GIDC રોડના છ-માર્ગીયકરણનું ખાતમુહૂર્ત

0
Social Share

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે સાણંદ ખાતે અમદાવાદ-માળિયા રોડ પર આવેલા શાંતિપુરા ચોકડીથી ખોરજ GIDC સુધીના અનુભાગના છ-માર્ગીયકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ જિલ્લાના સાણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા અભૂતપૂર્વ ઔદ્યોગિક વિકાસને કારણે ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ (GSRDC) હસ્તકના આ રસ્તા પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધી ગયું છે. હાલમાં દૈનિક સરેરાશ 43,014 વાહનોની અવરજવરને કારણે ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે વર્તમાન ચાર-માર્ગીય રસ્તાને છ-માર્ગીય બનાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી, જેના ભાગરૂપે આ મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.

અંદાજિત 805 કરોડના ખર્ચે સાકાર થનાર આ પ્રોજેક્ટમાં કુલ 28.8 કિલોમીટર લંબાઈના રસ્તાને છ-માર્ગીય કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત, 22.731 કિલોમીટરની લંબાઈમાં રસ્તાની બંને બાજુ સર્વિસ રોડનું નિર્માણ કરાશે, જ્યારે 13 નાના પુલોને પહોળા કરવામાં આવશે તથા એક છ-માર્ગીય એલિવેટેડ ફ્લાયઓવર અને એક ત્રણ-માર્ગીય રાઇટ-ટર્નિંગ ફ્લાયઓવરનું પણ નિર્માણ થશે.

આ ઉપરાંત, ઉલારીયા, તેલાવ(બે સ્થળે), સાણંદ GIDC ગેટ અને ખોરજ GIDC ખાતે એમ કુલ પાંચ નવા અંડરપાસ બનાવવામાં આવશે તેમજ પ્રોજેક્ટ માર્ગ સાથે જોડાતા રસ્તાઓ પર 172 જેટલા કલ્વર્ટનું બાંધકામ અથવા નવીનીકરણ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સાણંદ અને વિરમગામ જેવાં મોટાં ઔદ્યોગિક કેન્દ્રો ઉપરાંત સુરેન્દ્રનગર, શંખેશ્વર, રાધનપુર અને પાટણ તરફ જતા લાંબા અંતરના ટ્રાફિકને પણ સુવિધા મળશે. આ છ-માર્ગીયકરણની કામગીરીથી પરિવહન સુવિધાઓમાં મોટો વધારો થશે, અકસ્માતો ઘટશે, ટ્રાફિક જામની સમસ્યાનું નિવારણ થશે અને નાગરિકોના ઇંધણ અને સમયની પણ બચત થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code