દિલ્હી બ્લાસ્ટઃ આતંકીઓ હમાસની જેમ ડ્રોન હુમલાની ફિરાકમાં હતા, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
નવી દિલ્હીઃ દિલ્હીમાં 10 નવેમ્બર 2025ના રોજ લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટ બાદ તપાસ ઝડપથી આગળ વધી રહી છે. આ હુમલામાં 15 લોકોના મોત થયા હતા અને 20થી વધુ ઘાયલ થયા હતા. હવે NIAને તપાસ દરમિયાન એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. મુખ્ય આરોપી જસીર બિલાલ ઉર્ફે દાનિશના ફોનમાંથી ડિલિટ હિસ્ટ્રી રિકવર કરતા અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયાં છે.
NIA અનુસાર, દાનિશના ફોનમાંથી હમાસ પેટર્નની અનેક ડ્રોનની તસવીરો મળી છે, જે ભારત પર ડ્રોન હુમલાની શક્યતા દર્શાવે છે. પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આતંકીઓ એવા હળવા ડ્રોન તૈયાર કરવાની યોજના બનાવી રહ્યા હતા, જે લગભગ 25 કિમી સુધી વિસ્ફોટક લઈ જઈ શકે. ફોનમાં એવા વીડિયો પણ મળ્યા છે, જે અનુસાર ડ્રોનમાં બોમ્બ કેવી રીતે લગાવવામાં આવે અથવા ડ્રોન બૉમ્બ કેવી રીતે બનાવવા તેનું સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
NIAને દાનિશના ફોનમાંથી રોકેટ લોન્ચર અને હેવી-વૅપન સિસ્ટમ્સની તસવીરો પણ મળી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ બધા વીડિયો અને માર્ગદર્શિકા એક ખાસ એપ દ્વારા મોકલવામાં આવી હતી, જેમાં કેટલાક વિદેશી નંબર પણ જોડાયેલા હોવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી દાનિશનું જોડાણ આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે હતું કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
NIAએ 17 નવેમ્બરના રોજ દાનિશને જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી પકડ્યો હતો. તે “વ્હાઇટ-કોલર ટેરર મોડ્યુલ”નો હિસ્સો હોવાનું કહેવાય છે, જે જૈશ-એ-મોહમ્મદ અને અન્સાર ગજવાત-ઉલ-હિંદ જેવા પાકિસ્તાન આધારિત સંગઠનો સાથે જોડાયેલ છે. તપાસમાં દાવા થયા છે કે દાનિશને સુસાઈડ બોમ્બર તરીકે ટ્રેન કરવામાં આવતો હતો અને તે ડૉ. ઉમરને ટેક્નિકલ સપોર્ટ પણ પૂરો પાડી રહ્યો હતો.


