દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મામલે સંસદ પરિસરમાં વિપક્ષનો દેખાવો, ભાજપ-AAP ઉપર કર્યાં આકરા પ્રહાર
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને લઈને આજે સંસદ પરિસરમાં વિપક્ષી સાંસદોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંસદોએ મકર દ્વારની સામે માસ્ક પહેરીને અને પોસ્ટરો સાથે સરકાર પાસે નક્કર કાર્યવાહીની માંગ કરી હતી. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે પ્રદૂષણના મુદ્દે કંઈક કરવું તે સરકારની જવાબદારી છે. “નાના બાળકો મુશ્કેલીમાં છે, અને મારા જેવા વૃદ્ધ લોકો માટે પણ આ મુશ્કેલ છે. કંઈક કરવું એ સરકારની જવાબદારી છે.”
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે દર વર્ષે પરિસ્થિતિ બગડી રહી છે અને માત્ર નિવેદનબાજી થાય છે, કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. “કઈ ઋતુનો આનંદ માણીએ? બહાર જુઓ કે કેવી સ્થિતિ છે. નાના બાળકો, વૃદ્ધો શ્વાસ લઈ શકતા નથી. દર વર્ષે આ સ્થિતિ બગડતી જાય છે. અમે કહ્યું છે કે સરકાર આના પર કાર્યવાહી કરે, અમે તેમની સાથે છીએ. આ કોઈ રાજકીય મામલો નથી.”
કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ પ્રદૂષણ પર ગૃહમાં ચર્ચાની માંગ કરતા ‘કામ રોકો પ્રસ્તાવ’ આપ્યો હતો. તેમણે કહ્યું કે, દિલ્હીમાં AQI 400 છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મોટું સંકટ છે. કોંગ્રેસ સાંસદ અજય માકનએ કેન્દ્ર અને દિલ્હી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. “દિલ્હીમાં દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર બંને પક્ષકાર છે. બંનેમાંથી કોઈ પણ હવે બ્લેમ ગેમ રમી શકે નહીં. જ્યાં સુધી દિલ્હીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સુધારો નહીં થાય, પ્રદૂષણનો મુદ્દો ઉકેલ નહીં થાય. ભાજપ અને AAP દિલ્હીમાં પ્રદૂષણને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે.”
સાંસદ ઇમરાન મસૂદએ જણાવ્યું કે દિલ્હીની હવા એકદમ ઝેરી બની ગઈ છે અને તેમને રાત્રે પણ ઘણી ગૂંગળામણ અનુભવાઈ હતી. “આવનારા દિવસોમાં એવી પરિસ્થિતિ ન થવી જોઈએ કે દરેકના હાથમાં ઓક્સિજન સિલિન્ડર હોય અથવા સરકારે પણ ઓક્સિજન ચેમ્બર્સ બનાવવા પડે, જેથી લોકોને શુદ્ધ ઓક્સિજન મળી શકે. અરાવલી હિલ્સને કાપી નાખવામાં આવશે તો સ્થિતિ વધુ ભયાવહ થશે.” તેમણે કહ્યું કે આ જનહિત સાથે જોડાયેલો મુદ્દો છે, અને તેમને પોતાની ગાડીમાં પણ સિલિન્ડર લઈને ચાલવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.


