નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: દેશભરમાં અત્યારે હાડથિજવતી ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ફૂંકાતા બરફીલા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી નોંધાયું હતું, જે છેલ્લા 3 વર્ષમાં જાન્યુઆરીની સૌથી ઠંડી સવાર રહી છે. હવામાન વિભાગ અનુસાર, હજુ આગામી 2-3 દિવસ સુધી રાહત મળવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં આગામી 48 થી 72 કલાક દરમિયાન ભીષણ શીતલહેર જોવા મળશે. ખાસ કરીને હરિયાણા અને પંજાબમાં અતિશય ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ શકે છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આગામી બે દિવસ ઠંડીનો પારો ગગડશે.
ગુજરાતના સંદર્ભમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જોકે, ત્યારબાદના બે દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેનાથી ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં આગામી 3 દિવસમાં તાપમાન 2-3 ડિગ્રી ગગડવાની સંભાવના છે. કાશ્મીર ખીણમાં 16 જાન્યુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે બરફબારીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. જોકે, 21 જાન્યુઆરી સુધી હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે પરંતુ વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે. દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં ઉત્તર-પૂર્વીય ચોમાસું વિદાય લેવા માટે હવે પરિસ્થિતિ સાનુકૂળ બની રહી છે.
બિહાર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી 5-6 દિવસ સવારના સમયે ભારે ધુમ્મસ છવાયેલું રહેશે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ભારતમાં 48 કલાક પછી તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ધીમે ધીમે વધારો થશે. તેમજ આગામી 3 દિવસમાં દક્ષિણના રાજ્યોમાં વરસાદી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ થવાની શક્યતા છે. બીજી તરફ ઠંડીના આ પ્રકોપને જોતા આરોગ્ય વિભાગે વડીલો અને બાળકોને વહેલી સવારે અને મોડી રાત્રે બહાર ન નીકળવા તથા ગરમ કપડાં પહેરવા સલાહ આપી છે.
આ પણ વાંચોઃશ્રેયસ ઐયર સચિન, કોહલી અને રોહિતને પાછળ છોડીને બનાવી શકે છે નવો રેકોર્ડ


