દિલ્હી-NCRમાં ફરી ધરા ધ્રૂજી: સોનીપતમાં ભૂકંપના આંચકા અનુભવાયા
નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: હરિયાણાના સોનીપત અને દિલ્હીને અડીને આવેલા વિસ્તારોમાં સોમવારે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્ર નોર્થ દિલ્હીમાં જમીનની સપાટીથી માત્ર 5 કિલોમીટર નીચે નોંધાયું હતું. સવારે 8.44 વાગ્યે અચાનક ધરતી ધ્રૂજવા લાગતા ઘણા લોકો ભયના કારણે પોતાના ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા.
સોનીપત જિલ્લામાં ભૂકંપની આ સતત બીજી ઘટના છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓની ચિંતામાં વધારો થયો છે. આ પહેલાં શુક્રવારે (16 જાન્યુઆરી) ગોહાના વિસ્તારમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર પણ જમીનની 5 કિલોમીટર નીચે હતું. સદનસીબે, આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયાના સમાચાર નથી.
નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, દિલ્હી-NCR અને હરિયાણાનો મોટો હિસ્સો ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા ‘સિસ્મિક ઝોન 4’ માં આવે છે. જમીનની નીચે રહેલી ફોલ્ટ લાઈન્સ (Fault Lines) માં સતત થતા ફેરફાર અને એડજસ્ટમેન્ટને કારણે આ નાના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને ભૂકંપ સમયે સલામત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે.


