
મહેસાણાઃ કલોલના છત્રાલથી ઇસંડ જતાં રોડ પર રેલવે ઓવરબ્રિજનાં ગરનાળા પાસેથી રેલવેના કેબલ વાયરોનાં ડ્રમમાંથી બે હજાર કિલો વજનના કેબલ વાયરોની ચોરી કરનારા શખસને પિકઅપ ડાલા સાથે એલસીબી પોલીસે મહેસાણાના બિલેશ્વરપુર પાટિયા નજીક વોચ ગોઠવીને આબાદ રીતે ઝડપી પાડી કુલ રૂ. 3.56 લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાંચેક દિવસ અગાઉ છત્રાલથી ઇસંડ જતાં રોડ પર રેલવે ઓવરબ્રિજનાં ગરનાળા પાસેથી રેલવેના કેબલ વાયરોનાં ડ્રમમાંથી બે હજાર કિલો વજનના કેબલ વાયરોની ચોરીની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેનાં પગલે એલસીબી પીઆઈ એચ પી ઝાલાની ટીમે ઉક્ત ગુનાનો ભેદ ઉકેલવા માટે કવાયત હાથ ધરી હતી. જે અન્વયે બાતમી મળી હતી કે, અમદાવાદ ખાતે રહેતા કિશનલાલ ગુર્જર અને ગોપાલ નંદાનાથ યોગીએ પોતાના સાગરિતો સાથે મળીને ઉક્ત ચોરીના ગુનાને અંજામ આપ્યા બાદ ગોપાલનાં ભંગારના ગોડાઉનમાં લઈ જઈ વાયરોનાં ટુકડા કરી પિકઅપ ડાલામાં ભરીને વેચવા માટે મહેસાણા હાઇવે બિલેશ્વરપુર પાટિયાથી પસાર થવાના છે. આથી ઉક્ત સ્થળે એલસીબીની ટીમે ગોપાલ યોગીને પિકઅપ ડાલા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જેની કડકાઈથી પૂછતાંછ કરતાં તેણે કબુલાત કરી હતી કે પોતે ભંગારની દુકાન ચલાવતો હોવાથી પાંચેક દિવસ અગાઉ રાજસ્થાનનાં કિશનલાલ ગુર્જરે કેબલ વાયર આવ્યા હોવાનું કહેતાં ડાલું લઈને રેલવે ઓવરબ્રિજ ગરનાળા પાસે ગયો હતો. જ્યાં કિશનલાલ સાથેના ચાર પાંચ માણસોએ ડ્રમમાંથી રેલવેના કેબલ વાયરો કાપીને ડાલામાં ભરી આપ્યા હતા. જે લઈને કઠવાડા ભંગારના ગોડાઉનમાં ગયો હતો. જ્યાં વાયરોનાં ટુકડા કરી વાયરમાંથી નીકળતું મટીરીયલ છૂટું પાડીને વેચવા માટે મહેસાણા જતો હતો. જેને કિશનલાલે ઉક્ત સ્થળે ઉભા રહેવાનું કહ્યું હતું. જો જે એ પહેલાં જ પકડાઈ ગયો હતો. જેથી એલસીબીએ ગોપાલની ધરપકડ કરી 51 હજારની કિંમતનો 2 હજાર કિલોગ્રામ વાયર, ડાલું સહિત કુલ રૂ. 3.56 લાખનો મુદામાલ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો.