
રાજસ્થાનમાં મહિલાને મળી શકે છે સીએમ પદની કમાન,અનિતા ભદેલ રેસમાં આગળ-સૂત્રો
દિલ્હી:મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બાદ હવે ભાજપ આજે રાજસ્થાનમાં મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા જઈ રહી છે. સાંજે 4 વાગ્યાથી જયપુરમાં બીજેપી વિધાયક દળની બેઠક યોજાશે. આ પહેલા વસુંધરા રાજે, બાબા બાલકનાથ સહિત અનેક નામોને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભાજપ કોઈ મહિલાને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવી શકે છે. આ ક્રમમાં અનિતા ભદેલનું એક નવું નામ સામે આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધારાસભ્ય દળની બેઠકમાં અનિતા ભદેલના નામ પર સર્વસંમતિ સધાઈ શકે છે.
ભાજપના ધારાસભ્ય જોગેશ્વર ગર્ગે કહ્યું કે 115 ધારાસભ્યોમાંથી કોઈ પણ સીએમ બની શકે છે, એક મહિલા પણ સીએમ બની શકે છે. અમારી પાસે ઘણી મજબૂત મહિલા ધારાસભ્યો છે. જોગેશ્વર ગર્ગે કહ્યું કે વસુંધરા રાજેએ મને ફોન કર્યો હતો અને તેમની સાથે વાતચીત થઈ હતી.આ દરમિયાન રાજસ્થાન ભાજપના પ્રમુખ સી.પી. જોષીએ કહ્યું, “આજે ધારાસભ્ય પક્ષની બેઠક છે. માનનીય નિરીક્ષકો આજે પહોંચશે. ત્યારપછી એક બેઠક થશે અને સાંજે 5 વાગ્યા સુધીમાં સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે… હું આ રેસમાં નથી.
બીજી તરફ ભાજપના અનેક નેતાઓ આજે સવારે વસુંધરા રાજેના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમની મુલાકાત કરી. જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગુંજલ પણ હતા. પ્રહલાદ ગુંજલનું નામ ભાજપના ધારાસભ્યોની લોબિંગ માટે સામે આવ્યું હતું. પ્રહલાદ ગુંજલ વિધાનસભા ચૂંટણીમાં કોટા ઉત્તરથી શાંતિ ધારીવાલ સામે ઊભા હતા અને હારી ગયા હતા.