
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લીધે યુનિવર્સિટીના કર્મચારીઓ, અધ્યાપકો તેમજ શાળાઓના શિક્ષકોને મતદાન કેન્દ્રો પર જવાબદારી સોંપવામાં આવી છે. આથી અધ્યાપકો અને શિક્ષકોને ઉનાળું વેકેશનમાં પણ કામગીરી કરવાની નોબત આવી હતી. તેથી પ્રથમ અધ્યાપક મંડળે શિક્ષણ વિભાગમાં રજુઆતો કરતા તમામ સરકારી યુનિવર્સિટીઓમાં વેકેશનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અને વેકેશનનો પ્રારંભ 9મીમેથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોએ પણ વેકેશનમાં ફેરફાર કરવાની માગ કરી હતી. અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકની સ્કૂલોમાં 6 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવી હતી. જે હવે 9 મેથી ઉનાળું વેકેશનનો પ્રારંભ થશે, જે 12 જૂન સુધી ચાલશે.
શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો ચૂંટણી કામગીરીમાં જોડાયા હોવાથી ઉનાળું વેકેશનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડ હસ્તકની સ્કૂલોમાં અગાઉ 6 મે થી 9 જૂન સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ઇલેક્શના કારણે શિક્ષકો ચૂંટણી કામગીરીમાં હોવાથી 7 મે બાદ ચૂંટણી કામગીરીમાંથી મુક્ત થશે. માટે 6 મેની જગ્યાએ 9 મેથી ઉનાળુ વેકેશન શરૂ થશે, જે 12 જૂન સુધી ચાલશે. 13 જૂનથી રાબેતા મુજબ શાળાઓમાં નવા શૈક્ષિણક સત્રનો પ્રારંભ થશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યની દરેક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. આ વેકેશન રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ઉનાળુ વેકેશન રહેશે. આ ઉપરાંત તમામ સરકારી યુનિવર્સિટીઓમાં અગાઉ 1 મેથી 15 જૂન સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ઇલેક્શનના કારણે અધ્યાપકો ચૂંટણી કામગીરીમાં હોવાથી વેકેશનના સમયમાં ફેરફાર કરી 9 જૂનથી વેકેશન શરૂ કરવા માગ કરવામાં આવી હતી. જેને માન્ય રાખીને વેકેશનની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ 9 મે થી 26 જૂન સુધી ઉનાળું વેકેશન રહેશે.