
અમદાવાદઃ સિવિલ સંકુલમાં મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં OPD અને IPD સેવાઓનો ફરીથી આરંભ
અમદાવાદઃ શહેરના સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલને કોરોના મહામારીને પગલે કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાખવામાં આવી હતી. જો કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહતજનક ઘટાડો થતા 1200 બેડની કોવિડ હોસ્પિટલ બંધ કરીને મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં ઓ.પી.ડી. અને આઇ.પી.ડી. સેવાઓનો પુન:આરંભ કરવામાં આવ્યો છે. કોરોનામાં ફેરવવામાં આવેલી 1200 બેડની હોસ્પિટલમાં કોરોના મહામારી દરમિયાન એક લાખથી વધારે દર્દીઓએ ઓપીડીનો લાભ લીધો હતો.
સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થતા તત્કાલિન પરિસ્થિતિને ધ્યાને લઇને સરકાર દ્વારા 1200 બેડ હોસ્પિટલને કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવી હતી.અત્યાર સુધીમાં કોરોના ડેઝીગ્નેટેડ આ હોસ્પિટલમાં એક લાખથી વધુ દર્દીઓએ ઓ.પી.ડી. સેવાઓનો લાભ મેળવ્યો છે. છેલ્લા એક મહિનાથી 1200 બેડ હોસ્પિટલમાં એક પણ કોરોના પોઝીટીવ દર્દી નવા દાખલ થયેલ નથી. હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે જરૂર પડ્યે 200 બેડની અલાયદી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. સંભવિત ત્રીજી લહેરના તમામ પડકારો ઝીલવા માટે પણ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ છે.
દરમિયાન કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવતા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા 1200 બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલની સેવાઓ પૂર્વવત કરીને બાળરોગ અને મહિલા લગતી બિમારીઓમાં અલાયદી સેવાઓનો પુન:આરંભ કરાવવામાં આવ્યો છે. આવનારા સમયમાં બાળરોગ સર્જરી અને યુરોલોજી જેવી સુપરસ્પેશાલિટી સેવાઓ ટૂંકસમયમાં જ તબક્કાવાર કાર્યરત કરાવવામાં આવશે તેમ ડૉ.જોષીએ જણાવ્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. જેથી બીજી લહેરની જેમ મેડિકલ સેવાઓમાં અવ્યવસ્થા ઉભી ના થાય.