
અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યાગને રશિયા-યુક્રેન યુદ્ધની પનોતી નડી, ડોલર ભાવ વધતા શીપ આવતા બંધ થયાં
ભાવનગર : જિલ્લાનો સૌથી વધુ રોજગારી આપતો શીપ બ્રેકિંગ ઉદ્યોગને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની પનોતી નડી રહી છે. અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને હાલ વૈશ્વિક લેવલે જહાજના ભાવ ઉંચકાતા ફરી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયાનું મૂલ્ય ઓછું થઈ જતાં ભાવ વધારો સહન કરવો પડી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં જહાજના ભાવ 680 ડોલર કરતા વધી જતાં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ઘેરાયેલો અલંગ ઉદ્યોગ ફરી મુશ્કેલી અનુભવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 15 દિવસથી એક પણ જહાજ વેચાવા માટે નથી આવ્યું, જે પણ અલંગ ઉદ્યોગ માટે માઠા સમાચાર છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જહાજમાંથી નીકળતાં સ્ક્રેપના ભાવ સ્થાનિક લેવલે વધી ગયા છે, પરંતુ મોંઘા ભાવે જહાજ ખરીદ કર્યા પછી એ ભાવ ઘટે તો ખૂબ મોટું નુકશાન થઈ શકે છે. હાલ યુક્રેન રશિયા યુદ્ધના કારણે ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે અને તેના પરિવહન માટે દરિયાઈ જહાજો પર જ આધાર રાખવો પડે છે. આ વિશે શિપ રિસાઈકલિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યુ હતું કે, હાલ અલંગમાં નવુ જહાજ ખરીદવામાં ભારે જોખમ રહેલુ છે. કારણ કે, એકવાર મોંઘા ભાવનું જહાજ ખરીદી તો લેવાય, પણ બે મહિના પછી શિપ અલંગમાં આવે તો માર્કેટની સ્થિતિ બદલાઈ ગઈ હોય. આવામાં નુકસાનીની ટકાવારી વધી જાય છે. યુક્રેન અને રશિયા વચ્ચેની યુધ્ધની પરિસ્થિતિ, આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકન ડોલરની સામે ભારતીય ચલણ રૂપિયાનું મુલ્ય ઘસાઇ અને 77 રૂપિયા સુધી પહોંચી જવું, વૈશ્વિક સ્તરે જહાજના ભાવ 680 ડોલરથી વધી જવા સહિતની પ્રતિકૂળ પરિસ્થિતિઓથી ઘેરાયેલો અલંગનો શિપબ્રેકિંગ ઉદ્યોગ મુશ્કેલી તરફ આગળ ધપી રહ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શીપ બ્રેકિંગ માટે મોંઘા ભાવે જહાંજ ખરીદવામાં આવે અને મોંઘા ભાવનું જહાજ ખરીદાય ગયુ હોય અને મહિના-બે મહિના પછી જહાજ આવી પહોંચે ત્યારની માર્કેટની સ્થિતિઓ અવળી હોય તો નુકસાનીની શક્યતાઓ વધી જાય છે. તેના કારણે ઓછા ટન વાળા નાના જહાજ શિપબ્રેકરો કાપી રહ્યા છે, જે ઝડપથી પૂર્ણ પણ થઇ જાય છે, તેથી માર્કેટની આજુબાજુ અથવા ઓછા નફા-ખોટથી વ્યાપાર થઇ શકે છે. યુક્રેન-રશિયાના યુધ્ધની સ્થિતિ વચ્ચે ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે, અને તેના પરિવહન માટે દરિયાઇ જહાજ પર સૌથી મોટો આધાર રાખવો પડતો હોય છે. છેલ્લા 15 દિવસથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એકપણ જહાજ સ્ક્રેપ માટે વેચાવા આવ્યુ નથી. ડોલરની અનિશ્ચિતતા, માર્કેટની અનિશ્ચિતતાને કારણે અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને મુશ્કેલી અનુભવાઇ રહી છે.