
મેડિકલ ફિલ્ડ ન જાણતા હોય તેવા અધિકારીના ત્રાસને લીધે સરકારી તબીબો રાજીનામાં આપતા હોવાનો આક્ષેપ
અમદાવાદઃ રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજના પ્રોફેસરો અને સરકારી તબીબો રાજીનામાં આપી રહ્યા હોય વિવાદ ઊભો થયો છે. સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓમાં એવી ચર્ચા છે. કે, સરકારી તબીબો પ્રાઈવેટ પ્રેક્ટિસ કરવા માટે રાજીનામાં આપી રહ્યા છે. જ્યારે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોએ એવો આક્ષેપ કર્યો છે. કે, મેડિકલ ફિલ્ડ ન જાણતા હોય તેવા ઉચ્ચ અધિકારીઓના માનસિક ત્રાસને કારણે સરકારી તબીબો સરકારી નોકરીઓ છોડી રહ્યા છે.
રાજ્યમાં કોરોના કાળમાં હજારો લોકોના જીવ બચાવનારા સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોના રાજીનામાં પડવાની પ્રક્રિયા શરૂ થઈ છે. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના આ રાજીનામાં નોન ટેકિનકલ (મેડિકલ ફિલ્ડ વગરના) ઉચ્ચ અધિકારીઓના માનસિક ત્રાસના કારણે પડી રહ્યા છે તેમ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું.
સિવિલ હોસ્પિટલના કેટલાક તબીબોના કહેવા મુજબ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ડોક્ટરોએ પરિવારની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવા કરી અને જીવ બચાવ્યા છે. ત્યારે એક પણ ડોક્ટરે રાજીનામું ન આપ્યું, પરંતુ મેડિકલ ફિલ્ડના ન હોય તેવા ઉચ્ચ અધિકારીઓના સતત દબાણ અને કામમાં હસ્તક્ષેપના કારણે તેઓ માનસિક રીતે થાકી ગયા છે. ડોક્ટરો શારીરિક થાક ઝીલી લે છે પરંતુ માનસિક ત્રાસ સહન થતો નથી. જો અમારા હેડ તરીકે મેડિકલ ફિલ્ડના માણસો હોય તો તેમને ડોક્ટરોની કામ કરવાની પદ્ધતિ અંગે માહિતી હોત પરંતુ નોન મેડિકલ કર્મચારીઓ સમજ્યા વગર ઓર્ડર આપે છે. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના રાજીનામાના કારણે દર્દીઓની સાથે મેડિકલ સ્ટુડેન્ટ્સને પણ મોટું નુકસાન થશે. સરકારે સિવિલના સિનિયર ડોક્ટરો સાથે ચર્ચા કરી તેઓ કેમ રાજીનામું આપી રહ્યા છે તેની તપાસ માટે તપાસ સમિતિ નીમી યોગ્ય તપાસ કરાવવી જોઈએ સિવિલ હોસ્પિટલને સિનિયર અને નિષ્ણાત ડોક્ટર્સની જરૂર છે.