દિલ્હીમાં લાલકિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ અંગે અમિત શાહે પીએમ મોદીને માહિતગાર કર્યાં
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં લાલકિલ્લા પાસે કારમાં થયેલા બ્લાસ્ટને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમગ્ર ઘટના અંગે માહિતગાર કર્યાં હતા. આ ઉપરાંત અમિત શાહે દિલ્હીના પોલીસ કમિશન, આઈબીના ચીફ અને એનઆઈએના ડીજી સાથે ટેલિફોન ઉપર વાત કરી હતી.
દેશની રાજધાની દિલ્હીમાં લાલકિલ્લા પાસે થયેલા બ્લાસ્ટને પગલે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. તેમજ એફએસએલની પાંચ ટીમો ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત દિલ્હી પોલીસ અને એનઆઈએ સહિતની સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઈ છે. દરમિયાન દિલ્હીના પોલીસ કમિશન સતીષ ગોલચાએ જણાવ્યું હતું કે, સાંજે લગભગ 6.52 કલાકે બ્લાસ્ટ થયો હતો. સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર ઘટનાને લઈને પીએમ મોદી સાથે વાત કરી હતી. તેમજ ઘટના અંગે પીએમ મોદીને માહિતગાર કર્યાં હતા. આ પહેલા અમિત શાહે દિલ્હીના પોલીસ કમિશનર, આઈબીના ચીફ અને એનઆઈએના ડીજી સાથે વાતચીત કરી હતી, તેમજ સમગ્ર ઘટનનો ચિતાર મેળવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં બ્લાસ્ટને પગલે દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિતના શહેરોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ વિવિધ વિસ્તારોમાં વાહન ચેકીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


