અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સેના વચ્ચે ભારે જંગ, તણાવ ચરમસીમાએ
કાબુલ, 3 માર્ચ 2026: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની વિવાદિત ‘ડૂરન્ડ લાઇન’ પર સ્થિતિ ફરી એકવાર સ્ફોટક બની છે. ગત મધ્યરાત્રિએ અફઘાન સૈન્યએ પાકિસ્તાની સેના સામે આક્રમક જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. અહેવાલો મુજબ, પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગીને અફઘાન સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેના વળતા જવાબમાં અફઘાનિસ્તાને સરહદ પર ભારે તોપમારો શરૂ કર્યો છે.
અફઘાન સૈન્યના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખ્વારાઝમીએ દાવો કર્યો છે કે આ અથડામણમાં પાકિસ્તાનના 3 સૈનિકોના મોત થયા છે અને કેટલાક સૈનિકોને બંદી બનાવી અફઘાનિસ્તાન લઈ જવામાં આવ્યા છે. અફઘાન સેનાએ કંધાર-બલૂચિસ્તાન અને કંધાર-ખૈબર પખ્તુનખ્વા સરહદ નજીક આવેલા શોરબાક, સ્પિન બોલ્ડક, મારુફ અને અર્ગહિસ્તાન વિસ્તારોમાં પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી છે. આ કાર્યવાહીમાં અફઘાન સૈન્યએ પાકિસ્તાનની 7થી વધુ સૈન્ય ચોકીઓ પર કબજો મેળવી લીધો હોવાના અહેવાલ છે.
રાત્રે 12 વાગ્યાની આસપાસ શરૂ થયેલી આ હિંસક અથડામણમાં ઝાબુલ-કમરદીન બોર્ડર અને ખોસ્ત-મીરાનશાહ બોર્ડર પર પણ ટેન્ક અને ભારે તોપોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સરહદી વિસ્તારોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક વસ્તીમાં ભારે ફફડાટ ફેલાયો છે. જોકે, આ ગંભીર આરોપો અને નુકસાન અંગે પાકિસ્તાન સરકાર કે સેના તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે આશરે 2,640 કિમી લાંબી સરહદ છે. પાકિસ્તાન તેને સત્તાવાર આંતરરાષ્ટ્રીય સરહદ માને છે, જ્યારે અફઘાનિસ્તાન તેને માન્યતા આપવાનો ઇનકાર કરતું આવ્યું છે. આ વિસ્તારમાં વારંવાર ગોળીબારની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ આ વખતે ભારે હથિયારોના ઉપયોગે સ્થિતિ વધુ ગંભીર બનાવી છે. બંને દેશો વચ્ચે વધતો આ તણાવ દક્ષિણ એશિયાની શાંતિ માટે જોખમી સાબિત થઈ શકે છે. સરહદ પરની આ અથડામણને કારણે વેપાર અને ટ્રાન્ઝિટ રૂટ ખોરવાઈ જવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આ રણનીતિક સંઘર્ષ પર નજીકથી નજર રાખી રહ્યો છે.
આ પણ વાંચોઃ પશ્ચિમ એશિયામાં યુદ્ધને પગલે સમુદ્રી માર્ગો જોખમમાં મુકાતા ભારતના વેપારને વ્યાપક અસર


