1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દાંતા તાલુકાના ભૂગર્ભ જળ દૂષિત બન્યા, 183 ગામોમાંથી 33 ગામડાંમાં પાણી પીવા લાયક નથી
દાંતા તાલુકાના ભૂગર્ભ જળ દૂષિત બન્યા, 183 ગામોમાંથી 33 ગામડાંમાં પાણી પીવા લાયક નથી

દાંતા તાલુકાના ભૂગર્ભ જળ દૂષિત બન્યા, 183 ગામોમાંથી 33 ગામડાંમાં પાણી પીવા લાયક નથી

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ફ્લોરાઈયુક્ત પાણીની પણ સમસ્યા છે. ઉપરાંત ભૂગર્ભ જળ પણ દૂષિત બનતા જાય છે. જેમાં દાંતા તાલુકાના કુલ 183 ગામો પૈકી 33 ગામોનું પાણી અનફીટ એટલે કે પીવાલાયક જ નથી. જેને લઈને પ્રજાના આરોગ્ય સામે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

બનાસકાંઠા જિલ્લાના મહત્તમ આદિવાસી વસ્તી અને ડુંગરાળ વિસ્તાર ધરાવતા દાંતા તાલુકામાં કુલ 183 ગામો સમાવિષ્ટ છે. જેમાના 33 ગામોનું પાણી પીવાલાયક જ ન હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે દાંતા પાણી પુરવઠા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ 183 ગામો પૈકી 95 ગામોને ધરોઈ જૂથ આધારિત પાણીનો પુરવઠો પ્રતિદિન 11 એમ.એલ.ડી. પૂરો પાડવામાં આવે છે. 44 ગામો પૈકી 11 ગામોને જૂથ યોજના સુધારણા અંતર્ગત ધરોઇ જળાશય આધારિત પાણી પુરવઠો પૂરો પાડવા માટેની યોજના તાજેતરમાં પૂર્ણ કરવામાં આવી છે. જે વીજ કનેક્શન મળ્યેથી તાત્કાલિક શરૂ કરવામાં આવશે. જો કે આ અગિયાર પૈકી દસ ગામ ટોડા, જગતાપુરા,નાના સડા, મોટા સડા, હરીગઢ, નાગેલ, બામણીયા, સવાઈ પૂરા, સેબળીયા, ભાખરી જેવા ગામોનું પાણી અનફીટ છે, એટલે કે પીવા લાયક નથી. તદઉપરાંત ગનાપીપળી, મહુડા, જવારા અને સામૈયા ગામમાં નાઇટ્રેટનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. જ્યારે 29 ગામો સ્વતંત્ર મીની પાઇપ, હેન્ડ પંપ અને બોર આધારિત છે. જોકે હડાદ તરફના ગામોને પાણી પુરવઠો પહોંચાડવા માટે યોજના મંજૂર થયેલી છે. જેની ટેન્ડર પ્રક્રિયા પ્રોસેસ હેઠળ હોવાનું જણાવ્યું હતું.

સૂત્રોના કહેવા મુજબ  દાંતા તાલુકા મથકે વિવિઘ ત્રણ ઓવર હેડ ટાંકી સહિત બોર દ્વારા આખા નગરને પ્રતિદિન આઠ લાખ લીટરથી પણ વધુ પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જેમાં સ્થાનિક કૂવા અને બોર દ્વારા સમગ્ર ગામને પીવાનું પાણી પૂરું પડાય છે. ત્યારે અહીંના પાણીમાં ક્ષારનું પ્રમાણ સવિશેષ હોવાને લીધે ગામ અને રહેણાંક મકાનમાં પાઇપો ચોકઅપ થવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ બે દિવસ કપડાં પાણીમાં બોળી રાખો તો કપડું પણ ફાટી જાય એટલો ક્ષાર પાણીમાં જોવા મળી રહ્યો છે. એટલું જ નહી એક રાત્રીમાં તો પાણી ભરેલા વાસણ પર સફેદ પડ બાજી જાય છે ત્યારે આ ફલોરાઈડયુક્ત પાણી લોકો પીવે પણ છે.જે લોકોના આરોગ્યને નુકશાન કરે છે. દાંતા તાલુકાના અનેક ગામડાઓમાં નલ સે જલ યોજના હજુ પહોંચી નથી. આ યોજનાઓને લઈને ઘણી જગ્યાએ ટાંકા બનાવવામાં આવ્યા છે, પાઈપો લગાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી પાણી પહોંચ્યું  જ નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code