ઉત્તર પ્રદેશમાં કાતિલ ઠંડી, પ્રયાગરાજ સહિત અનેક જિલ્લાઓમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું
લખનઉ : ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ઉત્તર પ્રદેશમાં ઠંડા પવનોએ જોર પકડ્યું છે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના અનેક જિલ્લાઓ શીતલહેરની ચપેટમાં આવી ગયા છે, જેના કારણે તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પૂર્વી અને મધ્ય ઉત્તર પ્રદેશમાં શિયાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને તાપણાનો સહારો લઈ રહ્યા છે. સંગમનગરી પ્રયાગરાજમાં પણ શીતલહેરે દસ્તક દઈ દીધી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પહાડો પરથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે અહીં ઠંડી વધી ગઈ છે. લોકોનું કહેવું છે કે, “અમે પહેલા નિયમિત મોર્નિંગ વોક માટે જતા હતા, પરંતુ ઠંડી વધવાને કારણે હવે બહાર નીકળવાનું ટાળીએ છીએ.” છેલ્લા બે-ત્રણ દિવસમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે સવારના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળે છે. આગામી દિવસોમાં ઠંડી હજુ વધવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે.
હવામાન વિભાગના આંકડા મુજબ, સોમવારે સવારે 9:30 વાગ્યા સુધી પ્રયાગરાજમાં 13.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને અહીં લગભગ 2 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આવી જ રીતે બહરાઈચમાં 12.2 ડિગ્રી સેલ્સિયસ, ગોરખપુરમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ, લખનઉમાં 16 ડિગ્રી સેલ્સિયસ, બરેલીમાં 14 ડિગ્રી સેલ્સિયસ અને ઝાંસીમાં 14.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં હજુ ઘટાડો થવાની સંભાવના છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં હવામાન સૂકું રહેશે અને સવારના સમયે ક્યાંક-ક્યાંક હળવાથી મધ્યમ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી વાતાવરણ આ પ્રકારનું જ રહેવાનો અંદાજ છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના બંને હવામાન વિભાગોમાં વાતાવરણ સૂકું રહ્યું હતું અને હળવું ધુમ્મસ જોવા મળ્યું હતું. રાજ્યમાં લઘુત્તમ દૃશ્યતા 600 મીટર સુધી નોંધાઈ હતી. શનિવારે અયોધ્યામાં સૌથી ઓછું 5.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે કાનપુરમાં સૌથી વધુ 27.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું.


