
વિકાસ કામોમાં પર્ણાવરણનો વિનાશ, અમદાવાદ અને ગાંધીનગરમાં બે વર્ષમાં 17422 વૃક્ષો કપાયા
ગાંધીનગરઃ રાજ્યમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. લીલાછમ વૃક્ષોને કાપવામાં આવે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા બે વર્ષમાં 17422 વૃક્ષોને જડમૂળમાંથી કાપવામાં આવ્યા હતા. સરકારે વિકાસના કામો માટે વૃક્ષો કાપવાની મંજુરી આપી હતી. અમદાવાદમાં ગ્રીનરી વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે જ સરકાર બીજીબાજુ વૃક્ષો કાપવાની મંજુરી પણ આપે છે. વૃક્ષછેદનને લીધે પર્યાવરણ અસમતુલ બનતું જાય છે. તેના લીધે ઋતુચક્રમાં પણ બદલાવ આવતો જાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા વૃક્ષ વાવવાના કાર્યક્રમો કરવામાં આવે છે, લીલોતરી વધે તેવા પ્રયાસ કરવામાં આવે છે. બીજીબાજુ રાજ્ય સરકાર દ્વારા જ જાહેર હેતુ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાનું ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન બહાર આવ્યું છે. રાજય સરકારે 31 ડિસેમ્બર,2021ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરમાંથી કુલ 17422 વૃક્ષો કાપવામાં આવ્યા હતા.
વિપક્ષના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં રાજય સરકારે કહ્યું હતું કે, રાજ્ય સરકારના વિકાસના કામોની અગત્યતાને ધ્યાને લઇને રોડ પહોળો કરવાની કામગીરીમાં નડતરરૂપ વૃક્ષો તેમજ કુદરતી રીતે સુકાઇ ગયેલા અને વાવાઝોડાથી પડી ગયેલા વૃક્ષોને જાહેર હીતને ધ્યાનમાં લઈને કાપવામાં આવે છે. વર્ષ 2020-21 દરમિયાન અમદાવાદમાંથી 1695 અને વર્ષ 2021-22માં 1465 વૃક્ષ મળીને કુલ 3160 વૃક્ષ કાપવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2020-21 દરમિયાન ગાંધીનગરમાંથી 2589 અ્ને વર્ષ 2021-22માં 11683 મળીને કુલ 14,272 વૃક્ષ કાપવામાં આવ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે અમદાવાદમાં બીઆરટીએસ અને મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અનેક વૃક્ષોને કાપવામાં આવ્યા હતા. જેટલા વૃક્ષો કાપવામાં આવે છે તેની બમણી સંખ્યામાં વૃક્ષો વાવવામાં પણ આવે છે પરંતુ વાવેલા વૃક્ષોનું યોગ્ય જતન ન કરાતા બાળકાલ્યમાં વૃક્ષો મુરઝાઈ જાય છે. (file photo)