
ભૂજઃ કચ્છ જિલ્લાના અબડાસાને જોડતો ભવાનીપર પાસે નાયરા નદી પરનો પુલ ભલે ઝુલતો પુલ નથી પરંતુ 50 મીટર લંબાઇ ધરાવતો આ પુલ 50 વર્ષ પહેલાં બન્યો હોવાથી તેમજ પુલ નીચે બારેમાસ પાણી ભરાયેલું હોવાથી બાંધકામની આયુ પૂર્ણ થઇ ગઇ છે. જોકે માર્ગ અને મકાન વિભાગે હાલ તુરંત ભય દર્શાવ્યો નથી પરંતુ સ્થિતિ જોતાં નવો પુલ બનાવવાની દરખાસ્ત કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના જોતાં ભવાનીપરની નાયરા નદી પરના જર્જરિત પુલ પરથી પસાર થતા વાહનચાલકો ભય અનુભવી રહ્યા છે. નાયરા નદી પરનો પુલ 50 વર્ષ જુનો છે અને 50 મીટરની લંબાઇ ધરાવે છે અને પુલ નીચેથી પાણીનું વહેણ ખતરો ઊભો કરે તેવું છે. આ બ્રિજ પરથી ભારે વાહનો સતત આવ-જા કરે છે. સિમેન્ટ ઉદ્યોગના કારણે સિમેન્ટરની ઓવરલોડ ગાડીઓ-ટ્રેલર પસાર થતા હોવાથી આવા સમયે રીતસર ધ્રુજારી થતી હોય છે. વરસાદના સમયે તો આ નાયરા નદીનું પાણી પુલની નીચે છતને અડીને જતું હતું ત્યારે બિહામણા દ્રશ્યો ઊભા થયા હતા.
ભવાનીપરના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, 1972માં બનેલા આ પુલનું આયુષ્ય હવે પૂર્ણ થવા આવ્યું છે. દર વર્ષે જ્યારે વરસાદ હોય ત્યારે બેરાચિયા ડેમમાં આ નાયરા નદીમાંથી ધસમસતા પાણી જાય છે અને નદીની પહોળાઇ-લંબાઇ ઘણી હોવાથી હવે જો આ પુલને નવેસરથી બનાવવામાં ન આવે તો ક્યારેક મુસિબત સર્જી શકે છે. બીજીબાજુ આ અંગે જિલ્લાના માર્ગ-મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મોટા પુલની આર.સી.સી. આવરદા 35થી 40 વર્ષ હોય છે પરંતુ આ પુલ અંગે હજુ કોઇ જોખમી હેવાલ નથી. પરંતુ નવા પુલ માટે અમે દરખાસ્ત કરી દીધી છે. માર્ગ-મકાન વિભાગના સચિવે મોરબીની ઘટનાને પગલે અમને તાકિદ કરી છે અને અમે પણ સર્વે કરી રહ્યા છીએ. સ્ટ્રકચરલ ઇજનેરોના અભિપ્રાય માટે ગાંધીનગરથી ટુકડી ટૂંક સમયમાં આવશે. ભવાનીપરના પુલની ભલામણ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ પવનચક્કીના પાંખડા લઇ જતા ભારે વાહનની ટક્કર પુલના એક ભાગને લાગી હતી જેના કારણે રેલીંગ તૂટી ગઇ હતી અને ભારે વાહન પાણીમાં ખાબક્યું હતું.